Dakshin Gujarat

2400 કિલો એમડી ડ્રગ કેસનાં મુખ્ય આરોપીની કરોડોની સંપત્તિ જપ્ત

ભરૂચ : મુંબઈ (Mumbai) ક્રાઈમ બ્રાન્ચના એન્ટી-નાર્કોટિક્સ સેલ (એએનસી)એ ૨૪૦૦ કિલોગ્રામ એમડી ડ્રગના (MD Drugs) જથ્થાના મુખ્ય આરોપીની રૂ. ૧૯.૫૮ કરોડની બુધવારે સંપત્તિ જપ્ત કરી છે. ઓગસ્ટ-૨૨માં ભરૂચ જિલ્લા સ્થિત એક ફેકટરીમાં ૧૨૦૦ કિલો કાચો માલ ઝડપાયો હતો. આ વર્ષની શરૂઆતમાં આઠ લોકોની ધરપકડ (Arrest) કરવામાં આવી હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

  • મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી-નાર્કોટિક્સ સેલ (એએનસી)એ આરોપીના બે ફ્લેટ અને નવ કોમર્શિયલ યુનિટ કબજે લીધા
  • ભરૂચ જિલ્લાની ફેકટરીમાં ૧૨૦૦ કિલો કાચો માલ ઝડપાયો હતો

જપ્ત કરાયેલી મિલકતોમાં ઉપનગરીય દહિસરમાં એક હાઇરાઇઝમાં આવેલા બે ફ્લેટ અને નવ કોમર્શિયલ યુનિટનો સમાવેશ થાય છે. અધિકારીએ જણાવ્યું હતું કે, મુખ્ય આરોપીના પરિવારના સભ્યોના નામે સંચાલિત રૂ. ૧.૧૪ કરોડ ધરાવતા છ બેંક ખાતાઓ પણ જોડવામાં આવ્યા હતા. ANC અધિકારીએ ઉમેર્યું, ‘અમે તેની મિલકત જપ્ત કરી લીધી છે અને રાજ્ય સરકારને રિપોર્ટ સબમિટ કરીશું.’

મુખ્ય આરોપી રસાયણશાસ્ત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએટ
આ કેસમાં મુખ્ય આરોપી રસાયણશાસ્ત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએટ છે જેની માર્ચ અને જૂન વચ્ચે થાણે જિલ્લાના અંબરનાથમાં તેની ફેક્ટરીમાં ઉત્પાદિત મેફેડ્રોન કથિત રીતે વેચવા બદલ અન્ય લોકો સાથે ધરપકડ કરવામાં આવી હતી. તે કથિત રીતે સિન્થેટિક સ્ટિમ્યુલન્ટના ઉત્પાદન માટે ગુજરાતમાં ફાર્માસ્યુટિકલ યુનિટ સ્થાપવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
પોલીસે મુંબઈની પડોશના પાલઘર જિલ્લાના નાલાસોપારામાં અનેક દરોડા પાડ્યા હતા અને ભરૂચ જિલ્લામાં એક ફેક્ટરીનો પણ પર્દાફાશ કર્યો હતો. ઓગસ્ટમાં ભરૂચ સ્થિત ફેક્ટરીમાંથી ૧૨૦૦ કિલો કાચો માલ ઝડપાયો હતો, જેનો ઉપયોગ મેફેડ્રોન અથવા એમડી બનાવવા માટે થતો હતો. પોલીસે અગાઉ જણાવ્યું હતું કે, આ જપ્ત કુલ ડ્રગની જપ્તીનું પ્રમાણ રૂ.૪૮૫૩ કરોડની કિંમતના ૨૪૦૦ કિલો સુધી લઈ ગયું હતું. ઓગસ્ટમાં, ANCએ મુંબઈમાંથી ૭૦૧ કિલો એમડી જપ્ત કર્યું હતું અને છ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. તેમની સઘન પૂછપરછમાં ANCને ભરૂચ ફેક્ટરીમાં લઇ ગયા હતા.જેમાં આખું રેકેટ બહાર આવ્યું હતું.

Most Popular

To Top