Columns

માર્કેટ – તોડ ‘મા’નું અસલી-નકલી…

સાંભળવામાં સમજફેર થાય-લખવામાં ભૂલ થાય તો કયારેક આંધળે બહેરું કુટાય ને કાન્તિલાલને બદલે શાંતિલાલ પીટાઈ પણ જાય. તાજેતરમાં આપણે વિશ્વના સૌથી શક્તિશાળી અને સૌથી સ્નેહાળ શબ્દની ઉજવણી કરી. એ શબ્દ એટલે મા…! એને માત્ર શબ્દ તો કેમ કહેવાય? એ એક અક્ષરનો શબ્દ તો જગતનું એક માત્ર ક્ષતિ વગરનું સંપૂર્ણ વાક્ય છે! થોડા દિવસ પહેલાં આપણે ‘વિશ્વ માતૃ દિવસ’ને હોંશભેર વધાવ્યો – ઉજવ્યો. આ ‘મા‘અક્ષર કહો કે શબ્દ કહો પણ ‘આંધળે બહેરું કુટાય’તેમ ગોટાળા પણ સર્જી શકે.

 વાત કંઈક આમ છે. ચીનની પ્રથમ અને વિશ્વની બીજી સૌથી મોટી એવી ઈ-કૉમર્સ કંપનીમાં ‘અલીબાબા’ની ગણના થાય છે. આ કંપનીને શૂન્યમાંથી સફળતાના સર્વોચ્ચ શિખર પર પહોંચાડનારા છે જેક મા…. આ દિગ્ગજ ઉદ્યોગ સાહસિકને છેલ્લા કેટલાક સમયથી સામ્યવાદી ચીન સરકાર સાથે અમુક કારણસર કંઈક વાંકું પડી ગયું છે. બદલો લેવા માટે વગોવાયેલી લાલ સરકારના રોષથી બચવા ‘અલીબાબા’ના સર્વેસર્વા જેક મા થોડા દિવસથી જાહેરજીવનથી દૂર રહી પ્રસિદ્ધિ ટાળતા હતા. ત્યાં હમણાં ‘બ્રેકિંગ ન્યૂઝ’ તરીકે એક સમાચાર TV અને ડિજિટલ મીડિયામાં આવ્યા કે ચીનની લાલ સરકાર વિરોધી કેટલાક સમૂહે સાથે મળીને સરકારને ઊથલાવવાનું જે ષડયંત્ર રચ્યું હતું એમાં ‘અલીબાબા’ના જેક મા સંડોવાયા હોવાથી સરકારે એમની ધરપકડ કરી છે…!

દાવાનળની જેમ આ ન્યૂઝ બધે પ્રસરી જતાં રોકાણકારોએ ‘અલીબાબા’ના શેર આડેધડ વેચવાનું શરૂ કરી દીધું… પરિણામે આપણા TV ન્યૂઝ ટેલિકાસ્ટર્સ ભાષામાં કહીએ તો બધે એવી અફડાતફડી મચી ગઈ કે કંપનીના શેર 9%થી વધુ તૂટી ગયો અને ‘અલીબાબા’નું માર્કેટકેપ આશરે 2 લાખ કરોડ ઘટી ગયું. વિશ્વબજારમાં ઊહાપોહ મચી ગયો …ત્યાં ‘અલીબાબા’ કંપની અને અન્ય સત્તાવાર સૂત્રોએ જાહેર કર્યું કે કહેવાતા ષડયંત્ર માટે સરકારે જે ‘જેક મા’ની ધરપકડ કરી એ ‘મા’ કોઈ ભળતી જ વ્યક્તિ છે. …‘અલીબાબા’વાળા ‘જેક મા’નહીં! એવો પણ ખુલાસો થયો કે જેને એરેસ્ટ કરવામાં આવ્યો છે એ તો મૂળ મા કરતાં ઉંમરમાં 20 વર્ષ નાનો છે અને કોઈ ટેકનોલોજી કંપની સાથે સંકળાયેલો છે. …ટૂંકમાં ‘અલીબાબા’ના શેરધારકો હવે હાશકારો લેતા કહી રહ્યા છે:  ‘વો નહીં …યે હમારા અસલી મા હૈ…!’

મળો, આ દસમી પાસ જગતના તાતને!
સામાન્ય રીતે વર્ગમાં જે સૌથી તોફાની છોકરો હોય એને શિક્ષક મોનિટર બનાવી દે. આના બે ફાયદા. શિક્ષકે પેલા તોફાનીને કાબૂમાં રાખવાની માથાઝીંક ઓછી ઉપરાંત એ માથાભારે છોકરો જ બીજા વિદ્યાર્થીઓને કાબૂમાં રાખે! તોફાની ટપુડા જેવો બારકસ મોનિટર બની જાય એ જ રીતે તમારા જ વર્ગનો સાવ ઠોઠ છોકરો જે માંડ માંડ પરીક્ષામાં પાસ થતો હોય અને આગળ જતા ભણવાનું પણ છોડી દીધું હોય એ જ ભવિષ્યમાં તમારા ભણતરનો અભ્યાસક્રમ ઘડનારો બને તો?!

આશ્ચર્ય જરૂર થાય પણ આ અશક્ય તો નથી જ…. રાજસ્થાન- જાલાવાર સિટીની એક સ્કૂલમાંથી માંડ માંડ 10th ક્લાસ સુધી ભણીને પોતાના બાપીકા ખેતરમાં જોતરાઈ ગયેલા હુકમચંદ પાટીદારની આ કહાણી છે. માટી- બીજ – ખાતરથી લઈને આ હુકમચંદ એના કૃષિજ્ઞાન અને અનુભવ દ્વારા એટલું બધું જાણે છે કે કઈ ઋતુમાં અલગ અલગ પાક વધુ કઈ રીતે લેવા…. આ કારણે આજે કૃષિવિજ્ઞાનીઓ- ખેતનિષ્ણાતો દેશની એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના સિલેબસ-અભ્યાસક્રમ હુકમચંદની સલાહ મુજબ ઘડે છે…!  આ સાવ ગામઠી હુકમચંદ કહે છે કે આજના રાસાયણિક ખાતર બાજુએ મૂકો, ખેતીની શ્રેષ્ઠ ઉપજ માટે આપણું ‘પંચગવ્ય’ મિશ્રણ (દૂધ-ગૌમૂત્ર- દહીં- ઘી અને ગોબર એટલે કે છાણ) સૌથી ઉત્તમ ખાતર છે. પરંપરાથી લઈને સજીવ ખેતીના આવા પાઠ ભણેલા પણ માંડ 10th પાસ એવા આ ‘જ્ઞાની’હુકમચંદને ભારત સરકારે ‘પદ્મશ્રી’ સુદ્ધાં એનાયત કર્યો છે..!

 ને હાથી મરે તો સવા લાખનો…!
ધારી લો કે કોઈ વ્યક્તિએ અમુક રકમની લાઈફ ઈન્શ્યોરન્સ પૉલિસી લીધી હોય. એનું પ્રીમિયમ પણ સમયસર ભરાતું હોય. પાછળથી એ કોઈ જાણીતા રાજનેતાની હત્યા કરે. એ ઝડપાઈ જાય. કોર્ટ કેસ શરૂ થાય. આવી એક સુનાવણી વખતે કોર્ટસંકુલમાં આ હત્યારાનું જ ખૂન થઈ જાય..તો એના આવા અપમૃત્યુ પછી એને વીમાની રકમ મળે ખરી? આમ તો આ ઘટના બહુ જાણીતી છે. લી હાર્વે ઑસ્વાલ્ડે અમેરિકાના તત્કાલીન પ્રેસિડેન્ટ જોન એફ કેનેડીની હત્યા કરી હતી. પાછળથી ઑસ્વાલ્ડની પણ હત્યા થઈ ત્યારે વીમાની રક્મ એના પરિવારને આપવી જોઈએ કે નહીં એને લઈને એ વખતે જબરી ચર્ચા થઈ હતી . એનું ખૂન થયું ત્યારે હજુ કેનેડી- કેસ ચાલતો હતો. કાયદા મુજબ એ હત્યાનો આરોપી જરૂર હતો પણ કોર્ટે એ હત્યાનો અપરાધી છે એવો ચુકાદો નહોતો આપ્યો. …આ કારણે વીમા કંપનીએ ઑસ્વાલ્ડની માતાને નિયમ મુજબ 863 ડોલર ચૂકવી દેવા પડ્યા હતા.  હવે આ કથામાં હમણા અણધાર્યો વળાંક આવ્યો. ઑસ્વાલ્ડે જે વીમો ઊતરાવ્યો એના દસ્તાવેજ પર એના જન્મ-મરણની તારીખ તથા વીમાધારક તરીકે એની સહી છે. એના મોતના કારણમાં માત્ર એવુ દર્શાવ્યું છે કે ‘બુલેટની ઈજાથી મોત થયું છે.…’  આવા ઐતિહાસિક દસ્તાવેજનું તાજેતરમાં જાહેરમાં લીલામ થયું ત્યારે એના 79,500 ડોલર ઉપજ્યા. આમ હાર્વે ઑસ્વાલ્ડનો મૂળ વીમો પાક્યો ત્યારે એના પરિવારને મળ્યા હતા 863 ડોલર જ્યારે એ વીમાના મૂળ દસ્તાવેજના ઉપજ્યા ખણખણતા આશરે રૂપિયા 62 લાખ…!

ઈશિતાનું ઈત્યાદિ …ઈત્યાદિ
આજે અઢી વર્ષથી જગતભરમાં માસ્કનું મહા સામ્રાજય છે કારણ કે માસ્કના ઉપયોગથી કોરોના વાઈરસ પર અંકુશ મેળવી શકાય છે. તાજેતરમાં પશ્ચિમ બંગાળના સરકારી દફતરમાંથી જે થોડા પ્રાચીન દસ્તાવેજો અકસ્માતે હાથ લાગ્યા એ અનુસાર 100 વર્ષ પહેલાં જવાહર દાસ નામના એક ડૉકટરે વિભિન્ન પ્રકારની બીમારીના ચેપ અટકાવવા માટે માસ્કનો ભરપૂર ઉપયોગ કરવાની આમ જનતાને વિશેષ સલાહ આપી હતી. આજે તો આપણને વિભિન્ન પ્રકારના માસ્ક રેડીમેડ મળી જાય છે પણ શતાબ્દી પહેલા એ શક્ય નહોતું ત્યારે એ દાકતર બાબુમોશાયે કપડાંના માસ્ક કઈ રીતે તૈયાર કરવા એની રીત સુદ્ધાં એમના દસ્તાવેજમાં દર્શાવી હતી…!
 એક સર્વે અનુસાર તુર્કીના મહાનગર ઈસ્તંબુલમાં કુલ 444 મસ્જિદ છે.…
ઈશિતાની એલચી *
સમય અને સ્ત્રીને જો બરાબર સાચવી લો તો એ ફળે, નહીંતર વીફરે!!

Most Popular

To Top