Charchapatra

સુરતની શેરી શેરીએ કેરીના ગાડા

સરકાર આજે ભલે ખેડૂતોને એવું કહેતી હોય કે ખેતઉત્પાદન સીધું લોકોને વેચાણ કરો પણ વર્ષો પહેલા સુરતની આજુબાજુના ગામના ખેડૂતો સુરતમાં કેરીની સિઝનમાં સુરતના શેરી મોહલ્લામાં ગાડામાં કેરી વેચવા આવતા હતા. મુખ્ય દેશી નાની કેરી અને રાજાપુરી કેરી લઈને વેચાણ કરવા આવતા. દેશી કેરી નાના બાળકો ચૂસીને ખાતા હતા. બાળપણમાં કેરી ચૂસવાની મજા જ કઈ વિશેષ હતી. મોહલ્લામાં કેરીનું ગાડુ આવે એટલે મોહલ્લાની વડીલ દાદીઓ દ્વારા કેરીની ચકાસણી કરવામાં આવે. કેરી યોગ્ય હોય તો આખા ગાડાનો સોદો નક્કી થાય અને મણનો ભાવતાલ થાય પછી જ મોહલ્લાવાસીઓ જરૂરિયાત મુજબ ખરીદી કરે.

2 કલાકમાં આખા ગાડાની કેરી વેચાય જતી. બાળકોને 1 – 1 કેરી નિઃશુલ્ક આપી જગતનો તાત ખેડૂત તેની ઉદારતા બતાવતો. કેરીનું લોકો સુધી વેચાણ કરવાથી ખેડૂતને પોષણક્ષમ ભાવ મળી રહેતો અને લોકોને પણ વ્યાજબી ભાવે અને ખાત્રીની કેરી મળી રહેતી. કેરીગાળા વરસાદના છાંટા પડે એટલે ચાલુ થઈ જતા અને ખાજાનું વેચાણ પણ વરસાદની ઋતુમાં જ થતું. કેરીના રસનો ગુણધર્મ શીતળ અને ખાજામાં મરી નાંખવામાં આવતા અને સરસવના તેલમાં બનાવવામાં આવતા હોવાથી સરસિયા ખાજાનો ગુણધર્મ તામસ હોય છે. આથી ખાજા કેરીના રસ સાથે ખાવામાં આવે છે. ઉનાળામાં ફક્ત કેરીનો રસ અને વરસાદ પડે એટલે ખાજા અને કેરીના રસનું કોમ્બિનેશન સુરતીઓ જ બનાવી શકે.
સુરત     – કિરીટ મેઘાવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top