National

ખેલ રત્ન એવોર્ડ હવે રાજીવ ગાંધી નહીં પણ મેજર ધ્યાનચંદના નામે ઓળખાશે: પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ દ્વારા આ માહિતી આપી હતી. કેન્દ્ર સરકારે ખેલ રત્ન એવોર્ડનું નામ બદલ્યું છે. હવે તે મેજર ધ્યાનચંદ (major dhyanchand) ખેલ રત્ન એવોર્ડ તરીકે ઓળખાશે. અગાઉ આ પુરસ્કાર પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના નામે હતો. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મને ભારતભરના નાગરિકો તરફથી મેજર ધ્યાનચંદના નામે ખેલ રત્ન એવોર્ડ નામ આપવા માટે ઘણી વિનંતીઓ મળી રહી છે. તેમની ભાવનાનું સન્માન કરતા, ખેલ રત્ન એવોર્ડ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ તરીકે ઓળખાશે. ત્યારે આ નિર્ણયનો કોંગ્રેસ દ્વારા વિરોધ પણ થઇ શકે છે, કારણ કે ગાંધી નામ ખસેડતા ગાંધી પરિવારની આ નિર્ણય પર ચોક્કસથી ટીકા ટિપ્પણીઓ આવી શકે છે.

દેશનો સર્વોચ્ચ રમત પુરસ્કાર,
ખેલ રત્ન એવોર્ડ દેશનો સર્વોચ્ચ રમત પુરષ્કાર અને સમાજમાં ઉભરતા ખેલાડી માટેનું ઉચ્ચતમ સન્માન માનવામાં આવે છે. પ્રથમ વખત આ એવોર્ડ 1991-92 માં આપવામાં આવ્યો હતો. તે આંતરરાષ્ટ્રીય સ્તરે રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ રમત અને ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે આપવામાં આવે છે.

વડાપ્રધાને શું કહ્યું?

પીએમ મોદીએ કહ્યું કે મેજર ધ્યાનચંદ ભારતના અગ્રણી ખેલાડીઓમાંના એક હતા જેમણે સમગ્ર વિશ્વમાં ભારતને સન્માન અને ગૌરવ અપાવ્યું હતું. તે બિલકુલ યોગ્ય છે કે આપણા દેશના સર્વોચ્ચ રમત સન્માનનું નામ તેમના નામે હોવું જોઈએ. તેમણે કહ્યું કે ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓના જબરદસ્ત પ્રયાસોથી અમે બધા અભિભૂત છીએ. અમારા પુત્રો અને પુત્રીઓ દ્વારા ખાસ કરીને હોકીમાં બતાવવામાં આવેલી ઇચ્છાશક્તિ, વિજય તરફ દર્શાવવામાં આવેલ ઉત્સાહ, વર્તમાન અને ભાવિ પેઢીઓ માટે મોટી પ્રેરણા છે.

તેમણે કહ્યું કે દેશને ગૌરવ અપાવનારી ક્ષણો વચ્ચે, ઘણા દેશવાસીઓની વિનંતી પણ સામે આવી છે કે ખેલ રત્ન એવોર્ડનું નામ મેજર ધ્યાનચંદ જીને સમર્પિત કરવું જોઈએ. લોકોની લાગણીઓને ધ્યાનમાં રાખીને હવે તેનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ રાખવામાં આવી રહ્યું છે.

41 વર્ષ પછી ઓલિમ્પિકમાં મેડલ જીતવાની ભેટ

સરકારનો નિર્ણય ભારતીય હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યાના એક દિવસ બાદ આવ્યો છે. તમને જણાવી દઈએ કે ભારતીય હોકી ટીમે 41 વર્ષ બાદ ઓલિમ્પિકમાં મેડલ જીત્યો છે. આ પહેલા ભારતે છેલ્લે 1980 માં હોકીમાં ઓલિમ્પિક મેડલ જીત્યો હતો.

Most Popular

To Top