Surat Main

લક્ઝરી બસચાલકોએ જાહેર કર્યો દિવાળી સ્પેશ્યિલ રેટકાર્ડ, મુસાફરોને લૂંટવા રોજ અલગ અલગ ભાડૂં વસૂલશે

સુરત: સામાન્ય દિવસો કરતાં દિવાળીના (Diwali) તહેવારોમાં ખાનગી બસો (Private Bus Rate card) દ્વારા ભાડામાં વધારો કરવામાં આવતો હોય છે. પરંતુ સુરત લક્ઝરી બસ ચેરીટેબલ એસોસિએશન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ વર્ષે ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, બીજી બાજુ લકઝરી બસના સંચાલકોએ તેનાથી વિપરીત વેકેશનના જુદાજુદા દિવસો માટે અલગ-અલગ ભાડાની રકમ જાહેર કરી છે. જેને પગલે હવે સુરતથી સૌરાષ્ટ્ર જનારા પ્રવાસીઓ લૂંટાશે.

27, 28 ઓક્ટોબર માટે 800 રૂપિયા 29,30 ઓક્ટોબર માટે 1000 અને 31ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી 1200 રૂપિયા ભાડું ચૂકવવું પડશે. 7 થી 10 નવેમ્બર સુધી 1000 રૂપિયા ભાડું વસુલાશે. જ્યારે બે બેઠકનો બમણો ભાવ ચૂકવવાનો રેહશે. બીજી તરફ એસટી નિગમે સામાન્ય દિવસોની જેમ 350 થી 450 રૂપિયા જેટલું ભાડું રાખ્યું છે. તેની સામે હજીરા-ઘોઘા ફેરી સર્વિસનું ભાડું 625 રૂપિયા છે. સુરતથી ભાવનગર, પાલિતાણા અને ગારિયાધાર માટે લકઝરી બસના સંચાલકો 1 નવેમ્બરથી એક બેઠકના 1200 રૂપિયા વસૂલશે તે હિસાબે 4 વ્યક્તિના પરિવારને વતને જવાનો ખર્ચ 4800 રૂપિયા આવશે. જોકે સુરત લક્ઝરી બસ ચેરિટેબલ એસોસિએશનના પ્રમુખ દિનેશ અણઘણ કહે છે કે, તહેવારોમાં ભાડામાં વધારો કરવામાં આવશે નહીં.

દિવાળીના તહેવારોમાં ટ્રાફિકના કારણે ખાનગી બસો દ્વારા ભાડામાં વધારો કરવામાં આવતો હોય છે. સૌરાષ્ટ્રમાં જવા માટે સુરતથી ઉપડતી બસો દ્વારા હાલ 700 રૂપિયા ભાડું વસૂલવામાં આવે છે. પરંતુ દિવાળીના તહેવારોમાં ટ્રાફિક હોવા છતાં બસ એસોસિએશન દ્વારા ભાડાંમાં વધારો કરવામાં આવશે નહીં. બસ એસોસિએશન દ્વારા વ્યક્તિ દિઢ 700 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે, પરંતુ ટ્રાવેલ્સ કંપનીઓ માત્ર 26,27 ઓક્ટોબરના દિવસ માટે જ 700 રૂપિયા એક બેઠકના લેશે. જે રીતે લકઝરી એસો. દ્વારા ભાડાની જાહેરાત કરવામાં આવી છે તે જ બતાવી રહ્યું છે કે વેકેશનમાં સૌરાષ્ટ્ર જતા પ્રવાસીઓને લૂંટવામાં આવશે.

દિવાળી હોવા છતાં પણ એસટી વિભાગ દ્વારા પોાતના ભાડામાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. ઉપરથી જો વધારે બુકિંગ હશે તો છેક સોસાયટીથી એસટી બસ ઉપાડવાની જાહેરાત પણ કરવામાં આવી છે. આ સંજોગોમાં ખાનગી લકઝરી બસના માલિકોએ પણ સુરતથી સૌરાષ્ટ્ર જતાં પ્રવાસીઓને રાહત આપવી જોઈતી હતી પરંતુ તેના બદલે ભાવમાં વધારો કરી હાલના મોંઘવારીના સમયમાં મુસાફરો માટે ‘પડતા પર પાટું’ જેવો ઘાટ કર્યો છે.

Most Popular

To Top