Gujarat

અત્યાર સુધી રાજ્યમાં લમ્પી વાયરસ થતાં 1679 પશુનાં મોત

ગાંધીનગર : લમ્પી સ્કીન ડીસિઝના (Lumpy skin disease) પગલે રાજય સરકાર દ્વારા રોગિષ્ઠ પશુઓને આઈસોલેશનમાં (Isolation) રાખવા સાથે તકેદારી રાખવામાં આવી રહી છે જેથી અન્ય પશુઓમાં રોગ પ્રસરે નહીં. પશુપાલકોએ સહેજપણ ગભરાયા સિવાય માત્ર સતર્ક રહી તકેદારી રાખવાનો અનુરોધ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. રાજયમાં લમ્પી સ્કીન ડીસિઝના કારણે 1679 પશુઓનું મૃત્યું (Death) થયા છે.

કેબિનેટ પ્રવકત્તા – મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, રાજયમાં હાલની સ્થિતિએ અત્યાર સુધીમાં કચ્છ, જામનગર, દેવભુમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, વલસાડ અને મહેસાણા મળી કુલ રાજયના કુલ ૨૦ જિલ્લાઓમાં લમ્પી સ્કીન ડીસિઝનાં કેસ જોવા મળ્યા છે. આ ૨૦ જિલ્લાઓના અસરગ્રસ્ત 2244 ગામોમાં 58546 પશુઓમાં લમ્પી સ્કીન ડીસિઝનાં કેસ જોવા મળ્યા છે તે તમામ પશુઓને સારવાર આપવામાં આવી છે. તે પૈકી ૪૧,106 પશુઓ સાજા થઈ ગયા છે અને ૧૪,૯૭૩ પશુઓ ફોલોઅપ સારવાર હેઠળ છે. અત્યાર સુધીનાં રોગચાળા અહેવાલ મુજબ રાજયમાં કુલ ૧૬૩૯ પશુઓનાં લમ્પી સ્કીન ડીસિઝનાં કારણે મૃત્યું નોંધાયા છે. નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી 12.75 લાખથી વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અને હાલમાં જિલ્લા કક્ષાએ ૧૦.૭૯ લાખથી વધુ રસીના ડોઝ ઉપલબ્ધ છે. મૃત પશુઓના મૃતદેહોનો નિકાલ પણ વૈજ્ઞાનિક ઢબે થાય તેવી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

આ ૨૦ જિલ્લાઓમાં પશુપાલન ખાતાના પશુચિકિત્સા અધિકારીઓ અને પશુધન નીરિક્ષકો દ્વારા અસરગ્રસ્ત ગામોમાં સઘન સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ છે. વધારાના આઉટસોર્સ પશુચિકિત્સકોને દસ ગામ દીઠ મોબાઈલ પશુ દવાખાનાના વાહન સહિત આ રોગના સર્વે, સારવાર અને રસીકરણની કામગીરીમાં સામેલ કરવામાં આવ્યા છે.
પશુપાલકોને આ રોગ સંદર્ભે સત્વરે માહિતી મળી રહે તે આશયથી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર (SEOC) ખાતે રાજય કક્ષાનો કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવાયો છે. આ કંટ્રોલ રૂમનું સુપરવિઝન ફીશરીઝ કમિશનર નીતીન સાંગવાન દ્વારા કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં,પશુપાલકોને આ રોગમાં તાત્કાલિક સારવાર અને અન્ય માહિતી માટે ટોલ ફ્રી હેલ્પલાઈન ૧૯૬૨ શરૂ કરાયો છે.જેના દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે.

Most Popular

To Top