Comments

સ્થાનિક ચૂંટણીઓ શાળાના મુદ્દે લડી શકાય!

શિક્ષણ કે આજના સમયની પ્રાથમિક જરૂરિયાત છે પણ શિક્ષણ સુવિધાના નામે આપણે ત્યાં ચૂંટણી લડાઇ હોય એવું ભાગ્યે જ બન્યું છે. દિલ્હીમાં ‘આપ’. એટલે કે આમ આદમી પાર્ટી એવું કહે છે કે પ્રજા અમને વોટ આપે છે કારણકે અમે સરકારી શાળાઓ સુધારી નાખી.

શિક્ષણ એ આપણી મધ્યમ વર્ગીય અને ગરીબ પરિવારોની ચિંતાનો મુખ્ય વિષય છે. આરોગ્ય અને ન્યાય પાયાની જરૂરિયાત છે પણ રોજિંદી અને સતત ઉદ્ભવતી નથી. વ્યકિતને લાંબા સમય સુધી દવાખાનાની જરૂર ન પડે, પોલીસ સ્ટેશનનાં પગથિયાં ચડવાં ન પડે કે ન્યાયના દ્વારે જવું ન પડે તેવું માની શકાય પણ શિક્ષણ તો સૌ પરિવારોની જરૂરિયાત છે.

ભારતીય સમવાય તંત્રમાં કલ્યાણ રાજયની કલ્પના અનુસાર શિક્ષણ એ રાજયની એટલે કે સરકારની જવાબદારી છે. જેમ શિક્ષણમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ એમ ત્રણ સ્તર છે તેવી જ રીતે બંધારણમાં કેન્દ્ર – રાજય અને સ્થાનિક સત્તા મંડળોને આ શિક્ષણની જવાબદારી પણ સોંપવામાં આવી છે. જે મુજબ માધ્યમિક શાળાકીય શિક્ષણ રાજય સરકારની જવાબદારી છે. ઉચ્ચ શિક્ષણ એટલે કે કોલેજ અને યુનિવર્સિટી શિક્ષણ કેન્દ્ર અને રાજયની સંયુકત જવાબદારીમાં છે અને અત્યંત મહત્ત્વનું એવું પ્રાથમિક શિક્ષણ એ સ્થાનિક સત્તામંડળ કે સ્થાનિક સ્વરાજયની જવાબદારી છે.

હા, રાજય સરકારે તેને મદદ જરૂર કરવાની છે. આનો મતલબ એ થયો કે આપણે જેને સરકારી પ્રાથમિક શાળા કહીએ છીએ તેનો વહીવટ પંચાયત હસ્તક થયો. શહેરોમાં નગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તથા મહાનગરોમાં મહાનગરપાલિકાના શિક્ષણ બોર્ડ, પ્રાથમિક શાળા શિક્ષણનું સંચાલન કરે છે.

ભારતમાં કહેવાતા ત્રિસ્તરીય સમવાય તંત્રમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓને વિકસવા જ દેવામાં આવી નથી. તે હંમેશા રાજય સરકારોને આશરે જ રહી છે. આ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ આર્થિક રીતે મજબૂત બને અને પોતાનાં કામ સારી રીતે કરી શકે તે માટે બંધારણીય સુધારા દ્વારા ‘પંચાયતી રાજ’નો કાયદો લાવવામાં આવ્યો.

કેન્દ્ર સરકાર સીધી ગ્રામ પંચાયતોને નાણાં આપે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી પણ અંતે આખી વ્યવસ્થા અધિકારીઓ અને રાજય સરકારના નેતાઓ મળી ગયા. પક્ષ ગમે તે હોય, તેણે તાલુકા પંચાયતો, ગ્રામ પંચાયતો કે પાલિકાઓને જાતે કામ કરવા દીધું જ નહીં! આની સીધી અસર પડી પ્રાથમિક શિક્ષણ પર. પ્રાથમિક શાળાનાં મકાનો જર્જરિત થયાં. શાળાઓ શિક્ષકો વગર ચાલતી રહી. 1991 થી ખાનગીકરણ વધ્યું.

શહેરીકરણ વધ્યું. સરકારના મળતિયાઓ પ્રાથમિક શાળા ખોલવા લાગ્યા. ઉચ્ચ મધ્યમ વર્ગ પોતાનાં બાળકોને આ ખાનગી પ્રાથમિક શાળામાં મૂકવા લાગ્યો.

મહા ઉચ્ચ વર્ગ તો અંગ્રેજી માધ્યમની શાળામાં બાળકો ભણાવવા લાગ્યો, પરિણામે સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ ઘટવા લાગ્યાં. વળી જે બચ્યાં તે ગરીબ મજૂર અને આર્થિક, સામાજિક, પછાત વર્ગનાં જ બચ્યાં. પરિણામે સરકારી પ્રાથમિક શાળા માટે મધ્યમ વર્ગને, સંપન્ન પરિવારોને એક સૂગ ઊભી થવા લાગી. ‘આવી સ્કૂલમાં તો છોકરાં ભણાવાતાં હશે?’ – આ પ્રશ્ન ખાનગી શાળાઓના વિકાસ માટે મહત્ત્વનો બન્યો.

ગુજરાતમાં અત્યારે સ્થાનિક સત્તામંડળની ચૂંટણીઓ છે. કોરોના કાળમાં શાળાઓની ફી નો મુદ્દો ખૂબ ચગ્યો, ઓનલાઇન શિક્ષણની મર્યાદાઓ પણ સામે આવી ગઇ અને સરકારની ખાનગી શાળાઓ પર કાબૂ કરવાની નબળાઇ પણ છતી
થઇ ગઇ.

હવે રસ્તો હાથવગો છે. આ ચૂંટણીમાં સ્થાનિક સત્તા એવા લોકોને સોંપવી, જેઓ પ્રાથમિક શિક્ષણની સુધારણા માટે વચન આપે. સત્તામાં ભાજપ આવે, કોંગ્રેસ આવે કે આપ. પણ તે આપણી સરકારો પ્રાથમિક શાળાઓની ગુણવત્તા સુધારે! હમણાં જ વર્ગ સંખ્યા ઘટવાના આધારે ૬૦૦૦ થી વધુ શાળા અને વર્ગો બંધ થવાના
સમાચાર હતા.

અંતરિયાળ ગામડામાં બાળકોની તકલીફોના સમાચાર અવારનવાર આવતા જ રહે છે. તો પાયાની શિક્ષણ સુવિધાઓની ચિંતા કરવાનો આ સમય છે. શિક્ષણ માટે આપણે સામુહિક ચેતના જાગ્રત કરવી જરૂરી છે.

– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top