હાસ્યનો મારગ છે શૂરાનો!

લોકોને હસાવવાં એટલે, રણ ખોદીને પાણી કાઢવા જેટલું અઘરું હોંકેએએએ..? લોકોને સાલી શું આદત પડી ગઈ? ટેન્શન કરંટ ખાતામાં રાખે, ને હાસ્યની ફીક્ષ ડીપોઝીટ બનાવે. આપણે સવાર થાય ને રોજના બ્યુગલ વગાડવાના, કે ‘હાસ્ય જીવન જીવવાની જડીબુટ્ટી છે, લાફો ભાઈ લાફો,મન મૂકીને લાફો..!’ પણ કાળમીંઢ પથ્થર સાથે અથડાઈને પાછું, આવ્યું હોય એમ, એ પાછું આપણને જ સંભળાય..!

હાસ્યનો મારગ છે શૂરાનો!

હાસ્યના લેખો લખી-લખીને આંગળીએ આંટણ પડી ગયાં, પણ હરામ બરાબર જો એકેય ‘બ્રેકીંગ ન્યુઝ’ આવ્યાં હોય કે, “હાસ્યસમ્રાટ રમેશ ચાંપાનેરીના હાસ્યલેખો વાંચીને લોકો લોથપોથ થઇ ગયાં. એવાં બેવડ વળી ગયાં કે, હસવાનું નહિ રોકાતાં, ગાંડાની હોસ્પિટલ(ઓ) પણ હાઉસફુલ થવા માંડી..!” 

બ્રેકીંગ ન્યુઝને તો મારો ગોલી, કાનમાં ફૂંક મારવાને બહાને પણ કોઈ કહેવા નથી આવ્યું કે, ‘આપકા લેખ બહુત ચાંગલા થા બાવા..! ‘  સાંભળીને ટાઢક તો થાય કે, દૂધ દોણામાં જાય છે, બહાર ઢોળાતું નથી..!

શ્રીશ્રી ભગો કહે, કે ‘ બહુ ઊંચાઈ ઉપર નહિ જા, ખડ્ડૂસ, મહાન હાસ્યસમ્રાટ ‘માર્ક ટવેઇન’ ને પણ આ સિદ્ધિ મળી નથી, તો તું કયા ખેતરની મુળી..?’ સાચી વાત છે, “જેવી રોતલદેવોની માયા..!”  એમાં જાણવાનું એ મળ્યું કે, માત્ર હરિનો મારગ જ શૂરાનો નથી, હાસ્યનો મારગ પણ શૂરાનો તો ખરો! લોકોના બળાપા જ એટલા મોટા કે, હસવાની વાત કરીએ ને, કોરોનાનો ચેપ લઈને આવ્યા હોય એમ અણખામણા લાગીએ! કોરોનાને તો રસીકરણથી પણ કઢાય, પણ રોતલને હસાવવું એટલે, મચ્છરને માલીશ કરવા જેટલું અઘરું..!

લાલો લાભ વગર લોટે નહિ, એમ હસવાનો હોય તો જ હસે, નહિ તો ખોંખારો પણ ગળી જાય..!  એ બરમુડાને પુછાય પણ નહિ કે, ‘રડમુખિયા..! તું હસતો કેમ નથી..?’ પૂછવા જઈએ તો એમ પણ કહે કે, ‘હમણાં  હસવાનું ‘મારે ડાયેટીંગ’ ચાલે છે..!’ એના કપાળમાં કાંદા ફોડું..!

આ તો પેલા જેવી વાત છે, શ્લોક નહિ આવડે તો, ભક્તિ નહીં છોડી દેવાય. એમ હસતાં નહિ આવડે તો,  હસવાનું ભૂલી નહિ જવાય. હસવું જ છે, એની પાસે હાથવગા ઈલાજ પણ ઓછા નથી.  સામસામી ગલીપચી કરીને પણ મૌજ મેળવી લેવાય..! 

શ્લોક મૂળે નહિ આવડે તેમાં ટેન્શન શું લેવાનું ? ‘હાસ્ય દેવાય નમ:’ બોલતાં આવડી ગયું, તો થઇ ગયાં પતિત પાવન..! આ મંત્રની એક માળા સવારે ઊઠીને કરી દેવાની, એટલે બખડજંતર છૂમંતર, ને હાસ્ય ભેજાંની અંદર..!

એક વાત છે, ‘હાસ્ય’ નામનો કોઈ ગ્રહ આકાશમાં પરિભ્રમણ કરતો નથી. એટલે બીજા ગ્રહોની માફક એ આડો ફાટે, એવું તો બનવાનું નથી. ફલાણી રાશીવાળાને હમણાં આઠમે ‘હાસ્ય’ નો ગ્રહ નડે છે, એવું કોઈ કહેવાનું નથી. આ ગ્રહોનું પણ સાલું ગજબનું છે હોંઓઓઓકે..? હોય આકાશમાં ને નડે ધરતી ઉપર..!

‘હાસ્ય’ નો ગ્રહ તો માણસના શરીરમાં જ હોય, છતાં હોઠ ઉપર તાળાબંધી..! જેની પાસે હાસ્યનો ખજાનો છે, એના ચહેરાઓ ગુલાબની માફક  મહેકતા હોય. આકરા ગ્રહો પણ એને આડા આવતા નથી. એને ગ્રહ પણ નહિ નડે, ને વિગ્રહ પણ નહિ નડે..!

ખાતરી કરવી હોય તો, એક વાર અરીસામાં જોઇને રડવાની ટ્રાય કરવાની. ખબર તો પડે કે, હાસ્યના જેવું કોઈ ‘ફેસિયલ’ નથી. બાવળિયા જેવા ચહેરા પણ હસે એટલે, ગુલમહોર જેવાં લાગે..! એ માટે અરીસા સાથે  એક વાર ‘ઓન લાઈન‘ થવું પડે. અરીસો ડાબાનું જમણું કરે ખરો, પણ જુઠ્ઠું ક્યારેય નહિ બતાવે. એ બાબતે માણસ કરતાં ખાનદાન..! અમુક તો એવાં અઘરાં કે, ઊંઘતો હોઉં તો કેવો દેખાય, એ ચેક કરવા પણ, આંખ બંધ કરીને અરીસામાં જુએ..! એને કોણ સમજાવે કે, ‘ડોબા.!

તારી આંખ જ બંધ હોય તો તું કેમનો ‘ચેકવાનો’ કે કેવો દેખાવાનો છે..? માઠા પ્રસંગે ડબલ હોર્સ પાવરથી રડશે, પણ હસવાની વાત આવે એટલે મખ્ખીચૂસ..! પોક મૂકીને હસતાં પણ આવડવું જોઈએ. અમુક તો એવાં બરછટ કે, હસવાના મશીન ફીટ કરાવીએ તો મશીન ‘ફેઈલ’ જાય, પણ એ ગેલમાં નહિ આવે..!

ગમતા (ગમતી) સાથે ગુલાલ કરવાનો મોકો મળે તો, ફટફટીયાંની માફક હાસ્ય કાઢે. ફલાણા(ણી) ને છીંક  આવે તો પણ, એની આંખમાં ઝળઝળિયાં આવી જાય. મોઢામાં સુગર ફેક્ટરી ખોલેલી હોય એમ, ‘ગોડ બ્લેસ યુ‘ તો એવું મધુરું બોલે કે, આપણને ‘ડાયાબીટીશ’ થઇ જાય..!  પણ અખો કહે એમાં અમે શું કરીએ, એ નથી અમારી ન્યાત’ એના જેવી વાત છે..!

કોઈ કંપની ફોલ્ટ  હોય ને નહિ હસે એ વાત અલગ. પણ અમુક તો રોતલ ચહેરા સાથે જ ધરતી ઉપર જાણે પ્રગટ થયેલા. આપણને એમ થાય કે, ભાઈના શરીરમાં ભગવાન હાસ્યનો ‘કુંભઘડો’ મૂકવાનું ભૂલી ગયેલાં કે શું..? એવાં સફર-જનો માઠા પ્રસંગે કાંઠા કાઢવામાં પાવરધા, પણ હસવાની વાત આવે ને દુકાળનાં ગામડાં જેવાં..!

મોઢાંનો આકાર જ એવો ફૂલેલો હોય કે, એમાં ખાડા પાડવા જઈએ તો આપણું પણ હાસ્ય વિલાઈ જાય. શરીર ભલે સુગરથી ભરેલાં હોય, પણ વાણીની મીઠાશને શોધવી પડે. ત્યારે અમુક તો એવાં  જેઠીમધનાં મૂળિયાં જેવાં કે, માણસ તો ઠીક કીડીઓ પણ એની આસપાસ મેળો ભરીને બેઠી હોય..!

હસવાની મશીનરી, એકમાત્ર માણસજાતમાં ભગવાને ફીટ કરેલી છે. છતાં, માણસ હસવામાં ‘ઓનલાઈન’ રહેતો નથી. પાંચ કિલો કારેલાનો રસ પીધો હોય, એમ કટાણાં મોઢાં રાખીને જ ફરતો હોય..! મલકાય ત્યારે જ ખબર પડે કે, મશીન ચાલુ છે કે, ખોટકાયેલું છે..! કોઈને રડાવવાની આવડત એનામાં છે. કોઈને ફસાવવો હોય કે, ધક્કે ચઢાવવો હોય તો, જમણા હાથને પણ ખબર નહિ પડવા દે. માત્ર હસવા હસાવવામાં જ અલ્લાયો..!

હસવા હસાવવાની વાત આવે એટલે, સરકારી સબસિડીની રાહ જોતો હોય, એમ ‘ઓલડાઉન’ થઇ જાય..! પ્રાણીઓ ભલે હસી શકતાં નથી, પણ કૂતરાંઓ મોજમાં આવે તો, પૂંછડી પણ હલાવે..! ત્યારે માણસ તો મૂડી પણ નહિ હલાવે. એના કરતાં તો અગરબત્તી સારી, કે, પોતે તો બળે, પણ પાંચ ઘર સુધી સુગંધ પણ રેલાવે ..!        

લાસ્ટ ધ બોલ

સાંકડી શેરીમાં ફરતા એક કૂતરાને શહેરના કૂતરાએ બરાબરનો ખંખેર્યો..! ‘ બબૂચક..!  મોજમાં આવીએ ત્યારે તો આપણામાં આડી પૂંછડી હલાવવાનો રિવાજ છે. ને તું પૂંછડીને ઊભી કેમ હલાવે છે..? પેલો કહે, ‘ શું કરું યાર..?  શહેરના રસ્તા જ એટલા સાંકડા છે કે, આડી પૂંછડી હલાવવાની જગ્યા જ ક્યાં  છે..? આજુબાજુ ‘ટચ’ થાય એટલે લોકો પથ્થરબાજી કરવા માંડે.  નાહકનું હડહડ થવાનું, એના કરતાં આડી ને બદલે ઊભી પૂંછડી હલાવેલી સારી…!  (ટૂંકસાર : મોજમાં રહેવાનો રસ્તો પોતે જ શોધી લેવાનો હોય..!)  

– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Related Posts