SURAT

આડેધ પાસે લોન પાસ કરાવી એપ્લિકેશન ડાઉનલોડ કરવાના બહાને પૈસા ખંખેરી રફુચક્કર

સુરત :કતારગામ (Katargam)માં રહેતા આધેડને આઇડીએફસી બેંક (IDFC bank)માંથી 4.70 લાખની લોન (Loan) પાસ (approve) કરાવી આપી, મોબાઇલમાં એપ્લિકેશન ડાઉનલોડ (Application download) કરાવીને પ્રોસેસ કરવાના બહાને રૂા. 3.70 લાખ ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા. લોન એપ્રુવલ કરાવી દેનાર કન્સલટન્ટએ રૂપિયા ખંખેરીને ઓફિસ બંધ કરી દીધી હતી. જે અંગે પોલીસમાં ફરિયાદ (FIR) નોંધાઇ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, કતારગામમાં ફૂલપાડા પાસે ગીતાનગર સોસાયટીમાં રહેતા પ્રતિક પરેશભાઇ જંબુસરીયા ઉધના દરવાજા પાસે આવેલી ઓમ ફાયનાન્સ કંપનીમાં નોકરી કરે છે. સને-2020માં પ્રતિકને રૂપિયાની જરૂર પડી હતી અને તે માટે તેને અમરોલીમાં રહેતા સની વિકાસ જાદવને વાત કરી હતી. ત્યારબાદ આ સનીએ પ્રતિકની મુલાકાત યોગીચોકના લંબેહનુમાન રોડ પાસે લક્ષ્મણનગર સોસાયટીમાં રહેતો રજની પ્રવિણ ઝડફીયાની સાથે કરાવી હતી. રજનીએ પ્રતિકને કતારગામ સીતાનગર ચોકડી પાસે તેની ઓફિસે બોલાવ્યો હતો. પ્રતિકે તેના પિતાના નામે લોન કરવાનું કહ્યું હતું. ત્યારબાદ રજનીએ આઇડીએફસી બેંકમાંથી રૂા. 5 લાખની લોન કરવાનું કહ્યું હતું. પ્રતિકના પિતાના તમામ ડોક્યુમેન્ટ લઇને લોન પાસ કરાવવા માટે રૂા. 25 હજાર ફી કહી હતી.

ત્યારબાદ આ ડોક્યુમેન્ટ આઇડીએફસી બેંકના ભાવેશ ત્રિવેદીને અપાયા હતા. રજનીએ પ્રતિકને તેની ઓફિસે બોલાવીને પરેશભાઇ હસમુખભાઇ જંબુસરીયાનું લોન પ્રોસેસ કરીને મોબાઇલમાં ઇન્ડસલઇન્ડ બેંકની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. આ મોબાઇલમાં પરેશભાઇનો બેંક ઓફ બરોડાની એપ્લિકેશન પણ હતી અને તેમાંથી રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. શરૂઆતમાં રજનીએ 2.30 લાખની લોન થઇ હોવાનું કહીને બીજી 2.50 લાખની લોન બે મહિનામાં કરી આપશે તેમ કહ્યું હતું. જે દિવસે લોન પાસ થઇ તે જ દિવસે રજની ફરીવાર પ્રતિકના ઘરે આવ્યો હતો અને કહ્યું કે, બીજી 2.50 લાખની લોન પ્રોસેસ કરવાની છે કહીને પરેશભાઇનો મોબાઇલ લીધો હતો અને તમાં ઇન્ડસઇન્ડ બેંકની એપ્લિકેશન ખોલીને કંઇક કર્યું હતું.

બાદમાં પ્રતિકભાઇએ આઇડીએફસી બેંકમાં જઇને તપાસ કરતા પરેશભાઇના નામે 4.70 લાખની લોન પાસ થઇ હોવાનું બહાર આવ્યું હતું. આ રજની ઝડફીયાએ પરેશભાઇના ખાતામાંથી રૂા. 3.70 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. આ રૂપિયાની માંગણી કરતા રજનીએ શરૂઆતમાં 60 હજાર આપ્યા હતા અને બાકીના 3.10 લાખ આપવાના બાકી હતી. આ રૂપિયાની માંગણી છતા રજની રૂપિયા આપતો ન હોવાથી પોલીસમાં ફરિયાદ થઇ હતી.

Most Popular

To Top