Columns

મજબૂત નેટવર્કિંગ માટે તાણા-વાણા ગૂંથવાના શરૂ કરીએ

મિત્રો, દિવાળી શરૂ થઇ ગઇ છે, ગયા અંકમાં આપણે જોયું કે વાલી-સંતાનો વચ્ચેના સંબંધો ખૂબ જ નાજુક હોય છે. નબળા કોમ્યુનિકેશનના કારણે કુટુંબમાં, સંતાનોમાં વિવિધ મનો-સામાજિક સમસ્યાઓ નકારાત્મકતા વધારે. માતા-પિતા અને સંતાનો વચ્ચે ગેરસમજણ, તિરસ્કાર, અવગણના જેવી લાગણીઓ ઘૂંટાતી જાય છે. જે સંતાનોના વ્યકિતત્વનો ભાગ બની જાય છે. લાંબે ગાળે આપણું યુવાધન માનસિક સંઘર્ષના દલદલમાં ફસાતું જાય છે. તો ચાલો આ દિવાળીના શુભ અવસરે સંબંધોમાં ઉજાસના દીવા પ્રગટાવી એકમેકનું નેટવર્કિંગ મજબૂત કરીએ.

આ દીવાના પ્રકાશમાં બંને જનરેશન એકબીજાના હૃદયમાં થતા વહાલનાં, વિવાદનાં વમળો જોઇ શકે અને સાથે માણી શકે. જેથી ગેરસમજણનાં જાળાં દૂર થાય, રસ્તાઓ સાફ દેખાવા માંડે અને સાથે ચાલવાની મજા આવે. મોટા ભાગના કાઉન્સેલીંગના કિસ્સાઓમાં બંને પક્ષે- વાલીના તેમ જ સંતાનોના પક્ષે એક જ ફરિયાદનો સૂર હોય છે. તે એ કે ‘અમારું સાંભળતો/સાંભળતી નથી’ અને ‘અમને કોઇ સમજતું નથી’. તો કોઇકે તો શરૂઆત કરવી પડે. જેનામાં સમજણ વધુ હોય તે શરૂઆત કરે તો સામેવાળાને સારું ફીલ થાય અને એ પણ કંઇક નવું જોવાનું, વિચારવાનું શરૂ કરે અને ધીરે ધીરે સનૈય પંથા: સનૈય પંથા:ની રીતે સંબંધો કયારે મજબૂત થઇ જશે એ ખબર પણ ન પડશે અને ગાઢતા અનુભવાશે એ ચોક્કસ વાત છે.

આમ તો વાલી-સંતાનો વચ્ચેના સંબંધમાં બાળકોની ઉંમર, જાતિ, ભણતર, આર્થિક ધોરણ, બાળકનો વિકાસ જેવી અસંખ્ય બાબતોની અસર જોવા મળે. સામાન્ય રીતે બાળક નાનું હોય- 7-8 વર્ષ સુધીનું તો ઓછા કલેશ હોય પરંતુ જેવું બાળક 8મા કે 9મા ધોરણમાં આવે એની કિશોરાવસ્થા શરૂ થાય એટલે ડિફરન્સીસ ઓફ ઓપિનિયનની શરૂઆત થાય જેને ‘હવે તું સાંભળતો/સાંભળતી નથી’ના પૂર્વગ્રહથી ઘૂંટાવાનું શરૂ થાય. તો ગેરસમજણ દૂર કરવા માટે એકબીજાના દૃષ્ટિકોણથી પરિસ્થિતિને જોવાનું ખૂબ જ જરૂરી અને આવશ્યક બની રહે છે.

સૌ પ્રથમ તો જનરેશન ગેપનો મુદ્દો તો વાલી-સંતાનો વચ્ચે રહેવાનો જ. સાથે સાથે બે બાળકોની વચ્ચેનો વયનો ગેપ પણ ધ્યાનમાં રાખવો પડશે. બાળક બે વર્ષનું હોય કે બાર વર્ષનું એના એ સ્ટેજ- વયજૂથની જરૂરિયાતો વિશે જાણકારી મેળવવી રહી, એ સમયગાળા દરમ્યાન તો શારીરિક, માનસિક, બૌધ્ધિક, શૈક્ષણિક, સામાજિક જેવા વિકાસના માપદંડો વિશે આછોપાતળો ખ્યાલ રાખવો પડે.

દા.ત. કિશોરાવસ્થામાં હોર્મોનલ બદલાવને લીધે થતા શારીરિક ફેરફારોની ભાવનાત્મક, મૂડ તેમ જ વર્તન પરની અસર વિષે થોડી ઘણી પણ સાચી માહિતી હશે તો કિશોરાવસ્થામાંથી પસાર થતાં સંતાનોની જરૂરિયાતો વધુ સરળતાથી સમજી વાદ-વિવાદ કરતાં સંવાદનો તાંતણો સાધી શકાય છે. ઘરમાં એક છોકરો અને એક છોકરી ટીનએજમાં હોય ત્યારે માતાપિતાએ વધુ સજાગતાથી સામાજિકીકરણના એજન્ટ તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવવાની બની જતી હોય છે. આવી પરિસ્થિતિ પડકારજનક પણ બની જતી હોય છે. તે માટે-

# સૌ પ્રથમ વાલીઓએ પોતાનામાં જબરદસ્ત ધીરજ કેળવવી પડે. મોટું સંતાન કદાચ વધુ સિન્સીઅર હોય, ઠાવકું હોય, કહ્યાગરું હોય, વધુ ચપળ હોય અને નાનું કદાચ તોફાની, ચંચળ, ઉગ્ર સ્વભાવવાળું હોય તો બંનેની સરખામણી જાગૃત રહીને ટાળવી જોઇએ. પ્રશંસા અને ટીકા સંબંધોનાં તાણાવાણામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે. માટે બંનેની અલગતાનો સ્વીકાર જ બંને સંતાનો વચ્ચે મનમેળ વધારશે. જે સારા ભવિષ્યની નિશાની બનશે. બંને વચ્ચેનો પ્રેમ, તકરાર તમારા જીવનનો ભાગ બનાવો અને બંને માટે કૌટુંબિક શિષ્ટાચાર સેટ કરો જેથી સામાજિક તેમ જ જ્ઞાનાત્મક કૌશલ્યોનો વિકાસ થાય. બને તો બંને સાથે એક એવી પ્રવૃત્તિનું આયોજન કરો, જેમાં બંને અલગ અલગ રીતે ભૂમિકા ભજવી શકે.

બાળકોના જીવનમાં વિવિધ તબક્કે શારીરિક ફેરફારો આવતા રહે છે ત્યારે બળકની જાતીયતા પ્રમાણે માતાપિતા મહત્ત્વની ભૂમિકા ભજવી શકે. આજનું બાળક વિશ્વને મોબાઇલ, યુ ટયુબ થકી પોતાના હાથમાં લઇને ફરે છે ત્યારે સારાનરસા વર્તનની સાચી માહિતી હોવી જરૂરી છે. જે કદાચ વાલીઓ ખૂબ જ સરસ રીતે આપી શકે કેમ કે શાળાઓમાં સંપૂર્ણ માહિતી કદાચ પીરસવામાં સંકોચ જણાતો હોય છે. ત્યારે શારીરિક ફેરફારો અને તેની અસરની ખોટી અસર યુવામાનસ પર ન પડે તેની માતાપિતાએ કાળજી રાખવી પડે.

તમારા હકારાત્મક અભિગમો એમને સામાજિક તંદુરસ્તી તરફ લઇ જશે. જોડે એટલું પણ ધ્યાન રાખવું કે વધુ પડતી છૂટછાટ તમને મોડર્ન માતાપિતા તરીકે કદાચ લેબલ અપાવશે. તેની સાથે તમારાં સંતાનોને પણ કદાચ ઘણી ચુંગાલોમાં ફસાવાનો વારો નોતરી શકે છે. એક સત્યઘટનાને ટૂંકમાં જણાવું તો ઉદ્યોગપતિના ઘરની દીકરીની શાળાની બેગમાંથી સીગારેટ અને માચીસ મળે ત્યારે માતાપિતાનું ધ્યાન દોરે છે. પિતાએ ખાસ મન પર ન લીધું. પછીના ત્રણ- ચાર વર્ષમાં ડ્રગની લત લાગી, જેને માટે ઘરમાં ચોરી કરવાની જરૂર પડી અને છેલ્લે દીકરીને અન્ય રાજયના રીહેબ સેન્ટર પર મોકલવામાં આવી. આમ લવ અને લિમિટસ સાથે રાખો.

તેમની સાથે વાલીપણા જોડે મૈત્રીપૂર્ણ અભિગમ જાળવી રાખો. એમનામાં ઉત્પન્ન થતી જિજ્ઞાસાવૃત્તિને સંતોષકારક રીતે સંબંધો: એને માટે જુદા-જુદા વિષયોની ચર્ચા ખોળવાની શરૂઆત કરો, ટી.વી. ટાઇમ, મોબાઇલ ટાઇમ, ગેમ ટાઇમ ઓછો કરશો તો સંતાનો માટે અચૂક જ સમય મળી રહેશે. કૌટુંબિક મૂલ્યો વિષે શિક્ષણ આપવું જરૂરી છે. આપણી સંસ્કૃતિ, મૂલ્યો આપણા કૌટુંબિક વાતાવરણમાંથી શીખવી શકાય છે. જેથી સંતાનો જીવનમાં પ્રામાણિક, સહાનુભૂતિવાળા, પ્રેમાળ, જવાબદાર બનશે જે પુખ્ત વયમાં ખૂબ જ જરૂરી છે કેમ કે ત્યારે તમે વૃધ્ધ થયા હશો ત્યારે આ મૂલ્યોના વર્તનથી તમને પણ જીવનમાં આનંદ મળશે.

તમારા પોતાના સંબંધોનું ધ્યાન રાખો: બાળકો જળચરો જેવા હોય છે. બધું જ શોષી લે છે. યોગ્ય મૂલ્યો કેળવવા માટે પરિવારોએ તેમના પોતાના સંબંધો વિશે જાગૃત રહેવાની જરૂર છે. મિત્રો, તહેવારોમાં બાળકો વડીલોના વર્તનથી ઘણું બધું શીખતા હોય છે ત્યારે દિવાળીનો તહેવાર આપ સૌ માટે ઉત્સાહ, ઉમંગ લઇને આવે. સંબંધોમાં અજવાળું પ્રસારે એવી શુભેચ્છા.
શુભ દીપાવલી

Most Popular

To Top