Business

જાણો કેરીના ફાયદાઓ

કેરીની સિઝન વર્ષે એક વાર આવે એટલે એ દરમ્યાન ‘મેંગો લવર્સ’ બધી બાધાઓ, બધું ડાયટીંગ સાઈડ પર મૂકીને કેરીની લિજ્જત 3 મહિના સુધી માણે છે. કેરી વિશે જાત-જાતના મતમતાંતરો પ્રવર્તે છે પણ આ અંકે આપણે કેરીના ફાયદા વિશે જાણીએ. આવતા અંકે કેરી કઈ રીતે ખાશું જેથી તે નુકસાન ન કરે તે જાણીશું.

રોગપ્રતિકારકશક્તિમાં વધારો
કેરીમાં રહેલું બીટા કેરોટિન એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરી પાચનતંત્રને અંદરથી સાફ કરે છે. જેને કારણે ખોરાકનું પાચન સરળ બને અને રોગપ્રતિકારકશક્તિ વધે. આજકાલ ચોતરફ કોરોનાના વાતાવરણમાં જે સૌથી વધુ અગત્યની વસ્તુ છે એ છે ‘રોગપ્રતિકારકશક્તિ.’ તો અહીં, કેરી જેવા સિઝનલ ફળનું સેવન ચોક્કસ રોગ પ્રતિકારકશક્તિમાં વધારો કરી શકે.
પોષક તત્ત્વોનો ભંડાર
કેરી એ મોટી માત્રામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવાં ખનીજ ધરાવે છે. વળી વિટામિન A, વિટામિન B-6, વિટામિન E, વિટામિન C અને ભરપૂર પ્રમાણમાં રેસા ધરાવે છે જે અનેક રોગોનો રામબાણ ઈલાજ છે. 

હાઇપરટેન્શનમાં ફાયદો
કેરીમાં રહેલું પોટેશિયમ (165 મિ. ગ્રા./ 100 ગ્રામ કેરી) બ્લડપ્રેશર વધવા દેતું નથી. 
કેન્સર જેવા રોગોમાં ફાયદો
‘ધ ઇન્સ્ટિટ્યૂટ ફોર ફૂડ રિસર્ચે’ કરેલા સંશોધન મુજબ, કેરીમાં રહેલા રેસાઓ ગેલેકટીન નામના પ્રોટિન જોડે સંયોજાઈ કેન્સરના રોગ સામે પ્રતિકારક શક્તિ પૂરી પાડે છે. ખાસ કરીને પાચનતંત્ર, સ્તન અને પ્રોસ્ટેટના કેન્સરમાં કેરી ખૂબ ફાયદકારક સાબિત થઈ છે. 

કબજિયાત અને એસિડિટીથી રાહત
કેરીમાં સારા પ્રમાણમાં એસ્ટર, આલ્ડિહાઇડ અને ટરપીંસ જેવાં બાયોએક્ટિવ તત્ત્વો રહેલાં છે, જે જઠરના ઍસિડને મંદ કરી પાચનને સરળ બનાવે છે. વળી, કેરીના સોલ્યુબલ ફાઈબર કબજિયાતમાં રાહત આપે છે. 
એનિમિયામાં ફાયદો
 કેરીનું આયર્ન એનિમિયા (ખૂબ ઓછું હિમોગ્લોબિન)ને દૂર કરી શકે છે. ચીનમાં તો કેરીમાંથી મળી આવતા આયર્નમાંથી એનિમિયા માટેની દવા બને છે. 

ગર્ભાવસ્થામાં ફાયદાકારક
ઘણા લોકો માને છે કે કેરી એ ગરમ ફળ છે અને સગર્ભા સ્ત્રીને એ આપી શકાય નહિ. ઊલટું એનાથી વિપરીત, કેરીમાં ખૂબ સારા પ્રમાણમાં વિટામિન A છે. જે ગર્ભમાં રહેલા બાળકની આંખો અને દૃષ્ટિના વિકાસ માટે આવશ્યક છે. કેરીમાં રહેલું આયર્ન વિકસી રહેલા બાળકને લોહીનો પૂરતો જથ્થો પૂરો પાડે છે. છેલ્લા ત્રણ મહિના દરમ્યાન કબજિયાતની સમસ્યા ખૂબ સામાન્ય હોય છે. આ સંજોગોમાં કેરીમાં રહેલા રેસા કબજિયાત સામે રક્ષણ આપે. 
એન્ટી એજીંગ ફૂડ
 કેરીમાં રહેલું વિટામિન A અને વિટામિન C ત્વચામાં ‘કોલાજન’ નામના પ્રોટિનના ઉત્પાદનમાં મદદ કરે છે. આ કોલાજન ત્વચાને લચીલાપણું આપે છે અને કરચલી પડવા દેતું નથી. આમ, વધતી ઉંમરનાં લક્ષણો કેરી દ્વારા ઘટાડી શકાય છે. 

બ્રેઇન હેલ્થ
કેરીનું વિટામિન B- 6 મગજના ચેતાકોષો માટે ચેતાસંચાર (ન્યૂરો ટ્રાન્સમિટર)નું કામ કરે છે. વળી, કેરીમાં રહેલું ‘એસિડ’ એકાગ્રતા વધારે છે.  
આમ, આટલા બધા ફાયદા ધરાવતું ‘આમ્રફળ’ આપ માત્ર કેલરી માટે છોડી દેશો?
આમ, કેરી વર્ષે એક વાર 3 માસ માટે મળે છે, તો તેનો વિચારપૂર્વકનો ઉપયોગ કરી ચોક્કસ ખાઓ.

  • કેરીનો કઈ રીતે ઉપયોગ કરશો?
  • ડાયાબિટીસના દર્દીઓ તથા કેલરી ગણીને જમતા લોકો કેરીનો રસ ખાવાને બદલે 1 હાફૂસ કેરી કાપીને દિવસ દરમ્યાન લઈ શકે. કેરીનો રસ ટાળવો. વળી, જો કેરી ખાવી જ હોય તો કસરત કરવી અનિવાર્ય છે. 45 મિનિટ કસરત કર્યા  બાદ કેરીના ટુકડા ખાવાથી કેલરી શરીર પર જમા નહિ થશે અને શરીરે કસરત દરમ્યાન ગુમાવેલું પોટેશિયમ કેરી દ્વારા પાછું મળશે તે નફામાં!
  • કેરીનો મીઠાઈની માફક લંચ કે ડિનરની સાથે ઉપયોગ કરવાને બદલે એક ફળ તરીકે બે મુખ્ય ખોરાકની વચ્ચે ઉપયોગ કરવાથી કેલરી શરીરમાં જમા થશે નહિ.  
  • કેરીનો રસ લેવાને બદલે કેરી હંમેશાં છાલ સમેત સમારીને ખાવાથી મહત્તમ ેરેસાઓ અને પોષક તત્ત્વોનો ફાયદો મેળવી શકાય. 
  • કેરીનું અનાજ સાથેનું કોમ્બિનેશન(રસ-રોટલી) વધુ પડતાં કાર્બોહાઇડ્રેટસ થઈ નુકસાન કરી શકે. એથી કેરી અનાજ સાથે લેવાનું ટાળો.
  • કેરી મોડી રાત્રે લેવાથી અપચો અને ગેસ ઉત્પન્ન કરી શકે. બને ત્યાં સુધી સવારે કેરીનું સેવન કરવું હિતાવહ છે. મોડી રાત્રે શરીરના કોષોમાં ઇન્સ્યુલીન રેઝિસ્ટન્સ ઉત્પન્ન થાય છે, જે કેરીની શર્કરાનું બ્લડ ગ્લુકોઝમાં સીધું રૂપાંતર કરી  બ્લડ ગ્લુકોઝ વધારશે. 
  • ખૂબ વધારે પ્રમાણમાં ખાવાથી ખૂબ વધુ શુગર શરીરમાં જમા થશે જે લિવર પર ચરબીનું આવરણ કરી શકે. જેને મેડિકલ ભાષામાં ‘ફેટી લિવર’ કહેવામાં આવે છે. દિવસ દરમ્યાન એક સામાન્ય વ્યક્તિ 2-3 કેરી અને ડાયાબિટીસ હોય તથા વજન ઉતારવા માટે કેલરી કન્ટ્રોલ કરતા હોય અને કસરત કરતા હોય તો દિવસની એક કેરી તો ખાઈ જ શકાય.

Most Popular

To Top