Health

સ્ત્રીનું પ્રજનનતંત્ર અને એના જીવન પર પડતી અસરો

કુદરતે માત્ર પ્રજનનતંત્ર સ્ત્રી અને પુરુષમાં અલગ બનાવ્યું છે, તે સિવાયનાં બધાં જ તંત્રો બંનેમાં સમાન છે. પ્રજનનપ્રક્રિયા માટે સ્ત્રી અને પુરુષ બંનેના પ્રજનનતંત્ર (reproductive system)માં અનુક્રમે ઉત્પન્ન થતાં સ્ત્રીબીજ (ovum) અને પુરુષબીજ( sperm)નું મિલન સ્ત્રીના ગર્ભાશયમાં થાય અને તેનાથી સર્જાતા ગર્ભનો ગર્ભાશયમાં વિકાસ થાય અને બાળકનો જન્મ થાય તેવી કુદરતે રચના કરી છે. આમ છતાં પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓ પર અનેકવિધ બંધનો લાદવામાં આવ્યાં છે જે તેના અસ્તિત્વને માટે અનેક પ્રકારે હાનિકારક છે. માસિક કુદરતી હોવા છતાં તેની સાથે જોડાયેલી અનેક ગેરમાન્યતાઓ તેને વધુ કષ્ટદાયક બનાવી સ્ત્રીઓને સમાજના હાંસિયામાં ધકેલી દે છે. સ્ત્રીઓ માટે પોતાના જ બાહ્ય જનનાંગો સ્પર્શ અને સમજ માટે વર્જય હોવાથી સ્ત્રીઓ પોતાની જાતીયતા કે જાતીય ક્રીડાનો આનંદ માણી શકતી નથી.

આફ્રિકાના અનેક દેશોમાં સ્ત્રીને માસિક શરૂ થાય એટલે સ્ત્રી સુન્નત જેવી ખૂબ જ પીડાકારક હિચકારી ક્રિયાનો ભોગ બનવું પડે છે જેમાં વધારે પડતું લોહી નીકળવાથી કે ચેપ લાગવાને કારણે કેટલીય કુમારિકાઓ મૃત્યુ પામે છે. એટલું જ નહિ બચી ગયેલી મોટા ભાગની સ્ત્રીઓ ક્યારેય જાતીય જીવનનો આનંદ માણી શકતી નથી. આ બર્બર પ્રણાલીનું વર્ણન કરતી બ્રિટનની જાણીતી મોડેલ વારિસની હૃદયસ્પર્શી કથા ‘રણમાં ખીલેલું ગુલાબ’ બધાંએ વાંચી જ હશે. સ્ત્રીને ઉપભોગનું સાધન માની તેના પ્રજનન અંગો પુરુષોના જાતીય આવેગો સંતોષવા માટે જ સર્જાયાં હોય અને તે માટે સ્ત્રીની મરજી- નામરજી જાણવાની કોઇ જરૂરત નથી તેવું માનવામાં આવે છે. તેથી જ દરેક સ્ત્રી જન્મતાંની સાથે જ તેની સાથે ભવિષ્યમાં થનાર અનેક પ્રકારની જાતીય સતામણીની શક્યતાઓ લઈને જન્મતી હતી.

જાતીય સતામણી કે બળાત્કાર જેવા ગંભીર ગુનાઓમાં પણ સ્ત્રીનાં કપડાં, વાણી કે વર્તનને વખોડવામાં આવે છે અને તેના પર ગુનો આચરવામાં આવે છે. આપણા  સમાજમાં બોલાતી ગાળો કે જોક્સ સ્ત્રીઓની જાતીયતાને ઉદ્દેશીને હોય છે જેથી સ્ત્રીઓ હીણપતભાવ અનુભવે છે.શું આપણે આવી સ્ત્રીઓના આત્મસન્માન અને ગૌરવને ઠેસ પહોંચાડતી આવી માન્યતાઓ દૂર કરી સમાનતાભર્યો વ્યવહાર ના કરવો જોઇએ?  ચાલો, આપણે બધા સાથે મળીને આવી બદલાવની પ્રક્રિયા શરૂ કરી આ દુનિયાને વધુ સુંદર બનાવીએ.

પર્યાવરણ અને મેન્સ્ટ્રુઅલ હાઇજીન

દર મહિને સ્ત્રીઓને પરેશાન કરતી સમસ્યા છે – પીરિયડ્‌સ. પહેલાંના જમાનામાં તો કાપડની ગડીનો જ ઉપયોગ થતો હતો પરંતુ હવે એના ઘણા વિકલ્પો છે. દા.ત. પેડ્‌સ, કાપડના પેડ્‌સ, મેનસ્ટ્રુઅલ કપ. પેડ્‌સ મોટાભાગની મહિલાઓ વાપરતી હોય છે, પરંતુ એનો એક જ વાર ઉપયોગ થાય છે અને તે પર્યાવરણને પણ નુકસાન કરે છે. તો એના અન્ય કોઇ વિકલ્પ છે, જેથી એ વારંવાર વાપરી શકાય અને પર્યાવરણને નુકસાન પણ ન થાય?

કાપડના પેડ
ઘણાં હવે જૂની પધ્ધતિ તરફ વળ્યાં છે. પહેલાં જૂની સાડી કે ધોતિયાની ગડીનો ઉપયોગ થતો હતો પરંતુ હવે એ પેડ સ્વરૂપે માર્કેટમાં મળે છે. તેના ફાયદા –

  • એલર્જી રહિત.
  • સહેલાઇથી ધોઇ શકાય.
  • 2-3 વર્ષ ચાલી શકે.
  • કપડાંના પેડથી 10 વર્ષમાં લગભગ 8000 રૂ.ની બચત થાય છે.
    મેન્સ્ટ્રુઅલ કપ
    મેન્સ્ટ્રુઅલ કપ વર્કિંગ અને એકિટવ મહિલાને માસિક ધર્મની સમસ્યાઓથી મુકિત અપાવી માસિકને સુખદ અને આરામદાયક અનુભૂતિ બનાવવામાં મદદ કરે છે. આ કપ યોનિમાર્ગ પર એવું ફિકસ થઇ જાય છે કે હવાને પણ નીકળવા નથી દેતું એટલે માસિકના સમયે લોહી ફેલાવાનો કોઇ ડર રહેતો નથી. યુવતી નીડર બની સ્વિમિંગ કરી શકે છે, રમતગમતમાં ભાગ લઇ શકે છે, દોડી શકે છે, ડાન્સ કરી શકે છે.
    સિલિકોનથી બનેલા વારંવાર ઉપયોગમાં લઇ શકાય એવા આ સાધન યોનિમાર્ગમાંથી લોહી સંગ્રહિત કરે છે.
  • સુરક્ષિત તથા આરામદાયક.
  • સહેલાઇથી સાફ થઇ શકે.
  • 10 વર્ષ ચાલી શકે.
  • બહુ જ સસ્તાં હોવાથી 10 વર્ષમાં આશરે રૂ. 40,000ની બચત.
  • એક કપ 6000 ઝાડને કચરાના ઢગલામાં જતાં અટકાવે છે.
  • અત્યંત સુવિધાજનક.
  • અમી યાજ્ઞિક

Most Popular

To Top