Columns

કારકિર્દીનો પથ એકમાર્ગી છે, એમાં પાછા ફરી શકાતું નથી

વિદ્યાર્થી અને વાલી મિત્રો,
કારકિર્દી અંગેના મહત્ત્વના નિર્ણયો લેવાની મોસમ ચાલે છે. ધો.10માં સંતાન હોય તો ધો.10 પછી શું? ધો.12માં હોય તો ધો.12 પછી શું? અને UG પૂર્ણ કર્યું હોય તો હવે માસ્ટર શેમાં? જેથી સારા પગારવાળી નોકરી મળી રહે અને સફળ કારકિર્દીના પંથે પદાર્પણ થઇ રહે. આપણે ત્યાં સૌ કોઇ વાલીઓ એવો પ્રશ્ન પૂછે છે કે શું ભણાવવાનું? કઇ લાઇન લેવડાવવાની? ખાસ કરીને ધો.10 પછી શેમાં એડમિશન લેવાનું? અને પછી ધો.12 પછી UG અને PG પણ ખાસ વાત યાદ રાખો કે કારકિર્દીનો પથ એકમાર્ગી છે, એમાં પાછા ફરી શકાતું નથી.

એક વખત એક માર્ગ વિજ્ઞાન, વાણિજય, ડિપ્લોમા પ્રવેશ લીધો પછી ધો.12 પછીના માર્ગો ખૂલશે એમાં જ આગળ વધવાનું રહે છે. નીલમે ધો.12માં આર્ટસ શાખામાં પ્રવેશ લીધો. સમાજશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, માનસશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર ભણી. હવે એને એન્જિનિયરીંગ કરી M.TECH. કરવું છે. મિત્રો, વાલીમાં તાણનું લેવલ તમે અંદાજીત કરી શકો છો. સાથે જ નીલમે મુંબઇની એક નામાંકિત કોલેજમાં B.TECH. IN ITની પ્રવેશ પરીક્ષાની તૈયારી માટે ધો.8 થી 12ના ગણિતનાં પુસ્તકોની ખરીદી કરી તૈયારી શરૂ કરી દીધી છે.

વાલી સંપૂર્ણપણે મુંઝવણમાં છે કેમ કે નામાંકિત કોલેજની પ્રવેશપરીક્ષા કોઇ પણ શાખાનો વિદ્યાર્થી આપી શકે છે એવું પૂછપરછમાં જાણવા મળ્યું. જો નીલમ પ્રવેશપરીક્ષા પાસ કરી મેરીટમાં આવે અને B.TECH.માં પ્રવેશ મળે તો ભયોભયો. કોલેજ કદાચ આવા વિદ્યાર્થી માટે કોર્ષ ચલાવતી હશે એવું માની લઇએ. નીલમ સાથેની વાતચીતમાં જાણવા મળે છે કે એને તો ગણિત સાથે વિજ્ઞાનમાં જ જવું હતું પણ ફિઝિકસથી ડર લાગે છે. હવે અહીં કેટલા બધા સવાલો – ફિઝિક્સથી એટલો બધો ડર લાગે તો હવે પછીનાં વર્ષોમાં શું કરશે?

કેમ કે એન્જિનિયરીંગ અને ફિઝિકસના તાણાવાણાથી આપણે સૌ માહિતગાર છીએ. બીજો અગત્યનો પ્રશ્ન કે જો B.TECH.માં પ્રવેશ નથી મળતો તો? ફરી પાછું ધો.11 – 12 વિજ્ઞાન શાખામાં કરવાનું? હાલ પૂરતી ચર્ચાના અંતે પ્રવેશપરીક્ષાના પરિણામ સુધી રાહ જોવી અને જો ડિપ્લોમા પ્રવેશ શરૂ થાય તો ધો.10ના આધારે ફોર્મ – એન્જિનિયરીંગમાં ભરવું. પછી ડિપ્લોમા ટુ ડિગ્રીના રસ્તે આગળ વધી શકાશે. બે વર્ષના ભણતરની ફી, મહેનત અને વર્ષો પર અત્યારે પોઝ મૂકવો રહ્યો. આગળ જણાવ્યું તેમ આપણે માનીએ કે દરેક વખતે જે-તે શાખામાં જે-તે કોલેજમાં પ્રવેશ લેવો આસાન નથી માટે એક દિશાએ જતાં બે-ત્રણ કાર્યક્ષેત્ર ધ્યાનમાં રાખીને નોકરી-વ્યવસાયને ધ્યાનમાં લઇ જરૂરી શિક્ષણ અંગેનો મેપ તૈયાર કરી શકાય. જેથી સરળતા, સહજતા જળવાઈ રહે.

આપણે આપણી ટ્રેડિશનલ વિચારધારામાંથી બહાર નીકળી વિચારવું જ પડશે. કેમ કે આજનું શિક્ષણ પ્રાઇવેટ યુનિવર્સિટી કે સ્વનિર્ભર સંસ્થાઓમાં ખૂબ જ ખર્ચાળ છે. સાથે જ કોમ્પિટીશનનું ધોરણ પણ ઊંચું રહેવાથી તાણ ઉત્પન્ન કરે છે, જે સ્વાસ્થ્યને નકારાત્મક અસર કરે છે. થોડા દિવસો પહેલાં અમદાવાદમાં NRI કવોટામાં MBBSમાં અભ્યાસ કરતી વિદ્યાર્થી બીજા વર્ષની ATKT ક્લિયર ન થતાં ખૂબ જ તાણ અનુભવતી હતી અને હોસ્ટેલની અગાસી પરથી ઝંપલાવી જીવન ટૂંકાવી દીધું. આમ, કદાચ બીજા ક્ષેત્રે નામના કાઢી શકે એવી દીકરીએ જીવન ટૂંકાવી દેતા ભારતનું યુવાધન કેટલી તાણમાંથી પસાર થાય છે, જ્યાં એમને પથદર્શકોની ખરેખર જ જરૂર છે.

કરિયર પ્લાનિંગના ફાયદાઓ પણ જાણી લઇએ
તમારા ભવિષ્યની કારકિર્દીના વિચારો તમારી અંદરના રસ-રૂચિને ઉજાગર કરશે. તમને ઉત્સાહી કરશે. તમે જો તમારા ભવિષ્યના કાર્ય વિશે કલ્પનાના ઘોડાઓ દોડાવશો તો પણ ગમા-અણગમા વિષે વધુ માહિતગાર થશો. આમ તમારી પોતાની જાતની-સ્વની પસંદગી વિશે વધુ જાગૃત થશો. તમારા ગમા-અણગમાની જાગૃકતા તમને માનસિક અને બૌધ્ધિક રીતે તૈયાર કરશે. વાસ્તવિક કાર્યક્ષેત્રમાં તમારું બૌધ્ધિક સ્તર કેટલા અંશે મદદરૂપ થશે તેની માનસિક તૈયારી શરૂ થશે.

તમે રજાના દિવસો દરમ્યાન એ પ્રકારના કામ કરવાની તૈયારી કરી શકો છો અથવા તો અભ્યાસક્રમ દરમ્યાન ઇન્ટર્નશીપ પણ એ ક્ષેત્રે કરવાથી તમે અનુભવી બની શકો છો. આ મૂલ્યવાન અનુભવ તમને અભ્યાસ અને કાર્યક્ષેત્ર વચ્ચે ટ્રાન્ઝેકશનમાં મદદગાર થાય છે. તમે ખૂબ જ સાહજીકતાથી નોકરી / વ્યવસાયમાં સેટ થઇ શકો છો કેમ કે તમારી પાસે જ્ઞાન, કુશળતા અને દૃષ્ટિકોણ જે જોઇએ છે તે છે. મિત્રો, જરા હટ કે ધો.10 પછી શુંના બદલે અભ્યાસ પછી કયું કાર્યક્ષેત્ર પસંદ કરવાનું ગમશે?ના સવાલ પર ચર્ચા-વિચારણા કરો અથવા એપ્ટીટયુડ ટેસ્ટનો સહારો લો એ હિતાવહ છે.

Most Popular

To Top