Gujarat

નેતાઓ પ્રથમ રસી નહીં લે ? પણ આ બાબતે લોકો શું કહી રહ્યાં છે?

કોરોના સામેના જંગમાં આખો દેશ ઝઝૂમી રહ્યો હતો ત્યારે હવે એ જંગ સામે આશાના કિરણ સમી વેકસીન ભારતે શોધી લીધી છે અને વેકસીનેશનની શરૂઆત પણ ભારતમાં થઈ ગઈ છે. જો કે ઘણાં લોકો મુંઝવણમાં છે કે રસી લેવી કે નહીં ? એવે વખતે નીતિન પટેલે એવી જાહેરાત કરી કે, પહેલા તબક્કામાં મુખ્ય મંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો રસી નહીં લે. જેના પગલે રસીની આડઅસરની શંકાઓને વધુ વેગ મળ્યો છે. એટલું જ નહીં, લોકોમાં એવા સવાલો ઊઠયા છે કે, ભાજપના નેતાઓ રસી લઇને લોકોમાં વિશ્વાસ ઊભો કરવાને બદલે પાછીપાની કેમ કરી રહ્યા છે? ત્યારે ચાલો જાણીએ આ બાબતે લોકો શું કહી રહ્યાં છે?

સરકાર ટોઇલેટથી લઇ મેટ્રોનું ઉદઘાટન જાતે જ કરતી હોય તો રસીનું ઉદઘાટન કેમ નહીં ? :પારુલ બારોટ
પારુલ બારોટ જણાવે છે કે ‘‘સરકાર ટોઇલેટથી લઇ મેટ્રો ટ્રેન સુધીના પ્રોજેક્ટનું ઉદઘાટન જો જાતે જ કરતી હોય તો કોરોનાની રસીનું ઉદઘાટન પણ જાતે જ કરવું જોઈએ. એના પ્રયોગ કેમ પ્રજા પર પહેલા કરે છે ? નીતિન પટેલે જે ફરમાન કર્યું એ પ્રજાહિતમાં હું નથી માનતી કેમ કે પહેલા શરૂઆત જ નેતાથી થવી જોઈએ કે જેથી આમ જનતામાં એક વિશ્વાસ બેસે જેથી અન્ય લોકો પણ આપોઆપ રસી લેવા તૈયાર થાય. પણ જે રીતે સરકાર ચાલી રહી છે એ જોતાં લોકોનો વિશ્વાસ નબળો પડી રહ્યો હોય એવું મને લાગે છે કેમ કે એ ફરમાનથી અનેક સવાલો પેદા થાય એ નિશ્ચિત છે.’’

જલસા કરવામાં આગળ અને જોખમ લેવામાં પાછળ એવું તો ન જ ચાલે ને ? : રાકેશ હિરપરા
રાકેશ હિરપરા જણાવે છે કે ‘‘નેતાઓ સૌ પ્રથમ રસી નહીં લે, તો શા માટે નહીં લે ? શું સરકારે આ માટેનું કોઈ વાજબી કારણ આપ્યું છે ખરું ? સરકારે આ માટેનાં તાર્કિક કારણો આપવાં જોઈએ બાકી આ ફરમાન એકદમ ગેરવાજબી જ કહેવાય. પ્રજાના પૈસે બનતી તમામ વસ્તુઓનું પોતાને હાથે સૌ પ્રથમ ઉદઘાટન કરવાની તો આ નેતાઓની આદત રહી છે તો રસી બાબતે કેમ પીછેહઠ કરી રહ્યા છે ? જલસા કરવામાં આગળ અને જોખમ લેવામાં પાછળ એવું તો ન જ ચાલે ને ? જો પોતાની જ સરકારના નિરીક્ષણ હેઠળ બનાવાયેલી રસી ઉપર સરકારના પોતાના જ નેતાઓને ભરોસો ન હોય તો પ્રજા કેવી રીતે ભરોસો કરે ?

શરૂઆત જ સરકારે પોતાનાથી કરવી જોઈએ જેથી પ્રજાને વિશ્વાસ આવે : ભૂમિકા આંબલિયા
ભૂમિકા આંબલિયા જણાવે છે કે ‘‘લોકોને વેકસીન લેવી કે નહીં એ અંગે કન્ફ્યુઝન છે. શરૂઆત છે એટલે સ્વાભાવિક છે કે લોકોમાં શંકા ઉદભવે કે વેકસીનની કોઈ આડઅસર તો નહીં થશે ને? એવે વખતે મને લાગે છે કે શરૂઆત જ સરકારે પોતાનાથી કરવી જોઈએ જેથી પ્રજાને વિશ્વાસ આવે પણ એને બદલે નીતિન પટેલે જે ફરમાન કર્યું કે પહેલા પોલિટિશ્યન રસી નહીં લે એ વાજબી નહીં કહેવાય અને જો કદાચ સરકારે પ્રજાહિતમાં આ નિર્ણય લીધો હોય કે પહેલાં જરૂરિયાતમંદ સુધી વેકસીન પહોંચે પછી જ નેતાઓ લે તો પણ પોલિટિશ્યનમાં પણ ઘણાં એજેડ લોકો છે. એમને રસી આપી દાખલો બેસાડવો જોઈએ.

સરકારને તેમની રસીમાં ભરોસો હોય તો કેમ રસી લેવાની ના પાડે? : સ્વાતિબેન ઢોલરિયા
સ્વાતિબેન જણાવે છે કે ‘‘જો સરકારને તેમની બનાવેલી રસીમાં ખરા અર્થમાં વિશ્વાસ અને ભરોસો હોય તો નેતાઓ કેમ આ રસી લેવાની ના પાડે છે? આ વસ્તુની જગ્યાએ કોઈ અન્ય લાભ મળતો હોય ત્યારે એ લાભ લોકો સુધી પણ નહિ પહોંચવા દે પણ પોતાના તથા પોતાનાં સગાંસંબંધી, મિત્રો સુધી પહોંચાડી આપે છે. તો પછી જો ખરા અર્થમાં રસી વિશ્વાસપાત્ર હોય અને લોકોને સરકાર પર વિશ્વાસ હોય તો લોકો હોંશે હોંશે લે. એને બદલે સરકારે જે ફરમાન કર્યું છે કે પહેલા પોલિટિશ્યન રસી નહીં મુકાવે એ ફરમાન વાજબી નથી લાગતું.’’

આપણે જાણ્યું તે મુજબ મોટાભાગનાં લોકોને સરકારનું આ ફરમાન વાજબી નથી લાગતું. મહત્ત્વપૂર્ણ છે કે સરકારના આ ફરમાનથી લોકોમાં પ્રશ્નો ઊઠી રહયા છે કે જો વેકસીનની કોઈ આડઅસર ના થતી હોય તો પહેલા પોલિટિશ્યને જ વેકસીન લઇ લોકોમાં દાખલો બેસાડવો જોઈએ કે જેથી કરી સામાન્ય જનતામાં કોરોનાની વેકસીનને લઈ વિશ્વાસ બેસે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top