National

દિલ્હીની કોર્ટમાં વકીલોએ ફાયરીંગ કરતા નાસભાગ મચી ગઈ

નવી દિલ્હી: દિલ્હીની (Delhi) કોર્ટમાં (Court) ફાયરીંગની (Firing) ઘટના સામે આવી છે. અહીંની તીસ હજારી કોર્ટમાં વકીલો (Lawyer) વચ્ચે બોલાચાલી બાદ થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું જે અંતે ગોળીબારમાં (Firing) પરિણમી હતી. આ ફાયરીંગમાં કોઈ ઘાયલ થયું હોઈ તેવું જાણવા મળ્યું નથી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે હવામાં ફાયરીંગ કરવામાં આવી રહ્યું છે. હાલ કોર્ટમાં પોલીસ કાફલાને તૈનાત કરી દેવાયો છે.

પોલીસે કહ્યં કે, સબ્જી મંડી પુલિસ સ્ટેશનની હદમાં આજે બપોરે લગભગ 1.35 કલાકે ફાયરીંગ થયું હતું. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે જાણવા મળ્યું કે વકીલોના બે જૂથ વચ્ચે હવાઈ ફાયરીંગ થયું છે. આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી. તપાસ ચાલી રહી છે.

વીડિયોમાં ગોળી ચલાવતા બે વકીલોને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ બંને વકીલો બાર એસોસિએશનના પદાધિકારી છે. ફાયરીંગ કરનાર મનીષ શર્મા છે. જે તીસ હજારી કોર્ટના બાર એસોસિએશનમાં વાઈસ પ્રેસિડેન્ટ છે. આ વકીલો પાસે હથિયારનું લાયસન્સ છે કે નહીં તે મામલે તપાસ ચાલી રહી છે.

સાકેત કોર્ટમાં મહિલા પર ફાયરિંગ થયું હતું
એપ્રિલ મહિનાની શરૂઆતમાં, સાકેત કોર્ટમાં કડક સુરક્ષા હોવા છતાં, એક વ્યક્તિએ એક મહિલા પર ગોળીઓ ચલાવી હતી, જે પછી હંગામો થયો હતો. વકીલોએ જણાવ્યું હતું કે મહિલા એક કેસના સંબંધમાં કોર્ટ પરિસરમાં પહોંચી હતી અને મહિલાને મુખ્ય દરવાજાના પ્રવેશદ્વાર પાસે ગોળી મારી દેવામાં આવી હતી.

હુમલાખોરની ઓળખ કામેશ્વર પ્રસાદ સિંહ ઉર્ફે બિનોદ સિંહ તરીકે થઈ છે, જે એક વકીલ છે. આરોપીને એક અલગ કેસમાં કાઉન્સિલ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે હુમલાખોર વકીલે પીડિત મહિલાને 25 લાખ રૂપિયા આપ્યા હતા અને બાદમાં મહિલા પૈસા પરત કરવામાં આનાકાની કરી હતી.

Most Popular

To Top