Dakshin Gujarat

ગણદેવીના દમણીયા હોસ્પીટલમાં ઈંજેક્શન અને ઓક્સિજનની કમી

ગણદેવીમાં કોરોનાના ( CORONA) દર્દીઓને સારવાર આપતી દમણીયા હોસ્પિટલમાં માંગણી મુજબ અને જરૂરિયાત અનુસાર જિલ્લા વહીવટીતંત્ર રેમડેસિવિર ઇન્જેક્શન ( REMDESIVIR INJECTION ) અને ઓક્સિજનના સિલિન્ડર ( OXYGEN CYLINDER) ની ફાળવણી નહીં કરતા દર્દીના સ્વજનો માનસિક તાણ અનુભવી રહ્યા છે. સારવાર લેતાં 35 દર્દીઓમાં છેલ્લા પાંચ દિવસમાં 250 ઇન્જેક્શનની માંગ સામે જેમ તેમ 28 ઇન્જેક્શન અને ઓક્સિજનની 100 બોટલની સામે માત્ર ૪૦ બોટલો થકી કામકાજ ચલાવી લેવામાં આવે છે.

ગણદેવી તાલુકાની સરકારી હોસ્પિટલોમાં તંત્ર આજદિન સુધીમાં એક પણ વેન્ટિલેટરની સુવિધા ઉભી કરી શક્યું નથી. જેને પગલે કોરોનાગ્રસ્ત દર્દીઓએ જીવ બચાવવા ખાનગી હોસ્પિટલ ઉપર આધાર રાખવો પડે છે. ગણદેવીની દમણીયા હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત 35 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમાંથી કેટલાક દર્દીઓ નાજુક સ્થિતિમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. જેમનું જીવન બચાવવા હોસ્પિટલે મંગળવારથી શનિવાર સુધીના પાંચ દિવસોમાં ૨૫૦ જેટલા રેમડેસિવિર ઇન્જેક્શનની માંગણી મૂકી છે. તે પૈકી મંગળવારે 15, બુધવારે ૮, ગુરૂવાર 5 અને શુક્ર અને શનિવારે એક પણ ઇન્જેક્શનની ફાળવણી કરી નથી. તો બીજી તરફ સો જેટલા ઓક્સિજનના સિલિન્ડરની જરૂરિયાત સામે વાપી, પલસાણા, ભરૂચ સુધીની રખડપટ્ટી બાદ માંડ ૪૦ સિલિન્ડરોની વ્યવસ્થા થઇ છે.

એક તરફ ખૂબ જ ઝડપથી વધી રહેલા કોરોનાના પ્રકોપ અને બીજી તરફ ઇન્જેક્શન અને ઓક્સિજનની તંગીને કારણે સ્થિતિ ખૂબ જ ચિંતાજનક અને ડરામણી બની છે. જેને કારણે ઇન્જેક્શન અને ઓક્સિજનનો જથ્થો તાત્કાલિક વધારવાની માંગ થઈ છે. હોસ્પિટલ સંચાલકો, દર્દીઓ અને સ્વજનો આવી વિકટ પરિસ્થિતિમાં ભારે માનસિક તાણ અનુભવી રહ્યા છે. ત્યારે મહામૂલી જિંદગીઓને બચાવી લેવા ગણદેવી તાલુકાને પણ ઓક્સિજન અને ઇન્જેક્શન ફાળવવામાં પ્રાથમિકતા આપવામાં આવે એવી સમયની માંગ છે.

ખેરગામ તાલુકામાં કોરોનાના દર્દીઓને સારવાર માટે યોગ્ય સુવિધાઓ ન હોવાથી ખેરગામના લોકોએ વલસાડ કે નવસારીની હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી રહી છે. ખેરગામની રેફરલ-સિવિલ હોસ્પિટલમાં આગેવાનોએ 5 જેટલા જમ્બો ઓક્સિજનના સિલિન્ડર દાન કર્યા હતા. ત્યાર બાદ વધુ સુવિધા પૂરી પાડવામાં વહીવટી તંત્ર અને રાજકીય નેતાઓ નિષ્ફળ જતાં ખેરગામના કેટલાક આગેવાનોએ રેફરલ હોસ્પિટલમાં ઓક્સિજનના સિલિન્ડરની વ્યવસ્થા કરવાનું નક્કી કર્યુ હતું.

કોરોના દર્દીઓને મદદ કરવા ખેરગામ તાલુકા કોવિડ-19 કેર સમિતિ બનાવાઈ જેમાં નવસારી જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ , ખેરગામ પંચાયતના ઇન્ચાર્જ સરપંચ કાર્તિકભાઈ, ન્યાયસમિતીના અધ્યક્ષ , નવસારી ભાજપના જિલ્લા ભાજપમંત્રી તર્પણાબેન સહિતના આગેવાનની નિમણુંક કરાઈ છે. જેમાંથી અનેક આગેવાનોએ મદદ કરવા નાણાં આપ્યા હતા. હાલમાં રૂ.37,000 ભેગા થઈ ગયા છે. આવનાર બે ત્રણ દિવસોમાં આ રકમ લાખોમાં ભેગી થશે અને તે રકમથી સિવિલમાં જરૂરી ઓક્સિજન સિલિન્ડર સહિત 50 બેડનો આઈસોલેસન વોર્ડ ઉભો કરાશે

Most Popular

To Top