Charchapatra

કરોડોનાં માદક દ્રવ્યો ઝબ્બે કરનાર દળોને ધન્યવાદ

હમણાં હમણાં આપણાં દરિયાઇ પોલીસ દળો દરિયામાંથી કરોડો રૂપિયાનાં નશીલાં દ્રવ્યો પકડતું રહ્યું છે. માટે એ સર્વે દળોને ખરેખર અભિનંદન અને ધન્યવાદ ઘટે જ છે. આપણા સૌરાષ્ટ્રના દરિયા કિનારેથી પણ આપણા વોચ રાખીને બેઠેલાં દળો, સમયાંતરે કરોડોની કિંમતનાં નશીલાં દ્રવ્યો પકડતાં રહે છે. અફઘાનિસ્તાનથી વાયા પાકિસ્તાન થઇ પાકિસ્તાન ખેપિયાઓ દ્વારા કરાચી બંદરેથી આવાં નશીલાં દ્રવ્યો જહાજો દ્વારા ભારત તરફ રવાના કરવામાં આવતાં હોય છે. પણ સદ્દનસીબે આપણા દરિયાઈ દળો એ દ્રવ્યો એના ખેપિયાઓ સહિત પકડી લેતા હોય છે. અફઘાનિસ્તાન તરફથી વાયા નેપાળ બાજુએથી પણ નશીલાં દ્રવ્યો ભારતમાં ઘુસાડવાના પ્રયાસો થતા રહે છે.

આ રીતે ભારતમાં નશીલાં દ્રવ્યો ઘુસાડવાના કારસાઓ લાંબા સમયથી ચાલતા આવ્યા છે. નશીલાં દ્રવ્યો પકડવા માટે અત્યારે તો આપણાં દળો જીવસટોસટની કામગીરી બજાવી રહ્યા છે. કદાચ ભૂતકાળમાં નશીલાં દ્રવ્યોને ઘુસાડવામાં પાકિસ્તાન ખેપિયાઓને સફળતા મળી પણ હોય. પણ વર્તમાન તો આપણા સતર્ક દરિયાઇ દળો એ ડ્રમ માફિયાઓને ફાવવા દે એમ નથી. નશીલાં દ્રવ્યોનું સેવન આજની યુવા પેઢીના ઘણા મોટા પ્રમાણમાં ફેલાયેલું હોય એમ લાગ્યા વગર રહેતું નથી. જિંદગી બરબાદ કરી નાંખે એવાં આ દ્રવ્યોને ભારતમાં ઘુસાડવાની પાકિસ્તાનીઓની મુરાદને આપણાં દળો સફળ થવા દે એમ નથી. ફરી વાર આ દળોને આપણે સૌ ધન્યવાદ પાઠવતાં રહીએ.
સુરત     – બાબુભાઇ નાઇ   – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top