Charchapatra

‘કોઇ લૌટા દે મેરે બીતે હુએ દિન’

‘ગુજરાતમિત્ર’ દૈનિકના તા. ૧૫ એપ્રિલની સીટી પલ્સ પૂર્તિમાં ‘પેઢીનામું’નો શાહ જમનાદાસ ઘારીવાલાનો મીઠો મધુરો લેખ વાંચી લખવા મારા મનને રોકી ન શકયો. ચાર આને અને ત્રણ આને શેર મળતી શુદ્ધ માવાની મીઠાઇઓ અને આઠ આને શેર મળતી બદામ – પીસ્તાની ઘારીની વાત વચ્ચે ફકત એક કાણા પૈસાનું મળતું ભૂસું કેમ ભુલાય? બસ, એ લેખ વાંચી હું મારા પોતાના બચપણના દિવસોની યાદમાં ખોવાઇ ગયો. તે સમયે જયારે પણ અમારે ઘેર મહેમાન આવતા તો તે મહેમાનો પાછા જતી વખતે અમને એક કાણો (ત્રાંબાનો) પૈસો આપતા એટલે આનંદનો અતિરેક તો એટલો કે પેલા કાણા પૈસાને ખીસામાં ન મૂકતાં જમણા હાથની છેલ્લી આંગળીમાં વીંટીની માફક પહેરીને મુઠઠી વાળીને દોડતા સીધા રેલ્વે સ્ટેશને. તે સમયે હાલના સ્ટેશનની બાજુમાં આવેલા ટેકરા ઉપર સ્ટેશન હતું અને એની સામે જ ખૂબ જ મોટો બાગ હતો, જે બાગને પાર કરી ઇશ્વર તુલસીદાસની દુકાને જઇ એક કાણા પૈસાનું ભૂસું લઇ સીધા બાગમાં બેસી ભૂસું ફાકવાનો જે આનંદ આવતો તે આનંદ જ કંઇ ઓર હતો.

એટલું જ નહીં, પણ સદર લેખમાં મીઠાઇઓ સહિત બદામ -પીસ્તાની ઘારીની એટલી બધી આઇટમો જણાવી છે જે વાંચીને પણ મોઢામાં પાણી આ ઉંમરે (૮૦ વર્ષે) આવી ગયું. આજે તો મોટા ભાગની ફરસાણની દુકાને રૂા. ૧૫/- થી ઓછું મળશે નહીં ના લખાણ વાંચવા મળે છે. એટલું જ નહીં, હાલમાં બદામ – પીસ્તાની ઘારી પણ શેરના રૂા. ૩૫૦/- થી વધુના ભાવે મળતા હોય અત્યારની આવી કારમી મોંઘવારીમાં  ભૂસું કે ઘારી કેમ ખવાય? એ તો ભલું થજો ‘ગુજરાતમિત્ર’ દૈનિકનું કે જેણે આવો મીઠો મઘમઘતો લેખ લખ્યો જે વાંચીને જાણે ખરેખર બદામ – પીસ્તાની ઘારી ખાધી હોય તેમ ‘મન’ મનાવી લીધું. બીજું શું?
સુરત      – કીકુભાઇ જી. પટેલ  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top