Gujarat

રિન્કુ સિંહના દુસ્વપ્નને ભુલી ગુજરાત ટાઇટન્સ આજે પંજાબ કિંગ્સ સામે બાથ ભીડશે

મોહાલી : આઇપીએલની (IPL) ડિફેન્ડીંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (GT) માટે તેમની છેલ્લી મેચ રિન્કુ સિંહે એક દુસ્વપ્ન સમાન બનાવી દીધી હતી. કેકેઆર (KKR) સામેની એ મેચમાં અંતિમ ઓવરમાં રિન્કુએ પાંચ છગ્ગા ફટકારીને કોલકાતા નાઇટ રાઇડર્સને જીતાડ્યું હતું, ત્યારે હવે આવતીકાલે અહીં ગુજરાત ટાઇટન્સ પંજાબ કિંગસ સામે મેદાને ઉતરશે ત્યારે તેમણે એ દુસ્વપ્નને ભુલીને જીતના માર્ગે પરત ફરવા ભણી વિચારવું પડશે.

કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની છેલ્લી મેચમાં સ્ટેન્ડ-ઈન કેપ્ટન રાશિદ ખાને ગુજરાત માટે હેટ્રિક લીધી હતી. સાંઈ સુદર્શન અને વિજય શંકરે શાનદાર ઇનિંગ્સ રમી હતી, પરંતુ રિંકુના બેટમાંથી નીકળેલા પાંચ છગ્ગાએ એ બધું જ ધોઇ નાંખ્યું હતું. રિંકુએ છેલ્લી ઓવરમાં પાંચ છગ્ગા ફટકારીને કેકેઆરને ચમત્કારિક જીત અપાવી હતી. આ હાર ગુજરાતને લાંબા સમય સુધી યાદ રહેશે, પરંતુ હવે તેણે આગામી મેચ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

પોઈન્ટ ટેબલમાં ત્રણ મેચમાં ચાર પોઈન્ટ સાથે ચોથા સ્થાને રહેલી ગુજરાતે આવતીકાલે ગુરૂવારે આત્મવિશ્વાસથી ભરપૂર પંજાબ સામે શાનદાર પ્રદર્શન કરવું પડશે. પંજાબ કિંગ્સના વર્તમાન ફોર્મ પર નજર કરીએ તો, સનરાઈઝર્સ હૈદરાબાદ સામે આઠ વિકેટની હાર સિવાય, સુકાની શિખર ધવન અને ફાસ્ટ બોલર અર્શદીપ સિંહના ફોર્મને કારણે તેમનું પ્રદર્શન પ્રભાવક રહ્યું છે. એક છેડેથી વિકેટો પડતી હતી ત્યારે ધવને સનરાઇઝર્સ સામે 99 રન બનાવ્યા છતાં ટીમને હારમાંથી બચાવી શક્યો નહીં. તેણે રાજસ્થાન રોયલ્સ સામે અણનમ 86 અને કેકેઆર સામે 40 રન બનાવીને ટીમને જીત અપાવી હતી.

Most Popular

To Top