Sports

ભારતના કેટલાક બોલર્સ એનસીએના કાયમી રહીશ બની ગયા છે : રવિ શાસ્ત્રી

નવી દિલ્હી : ભારતીય ટીમના (Indian Team) માજી કોચ રવિ શાસ્ત્રીએ દેશના મુખ્ય બોલરોની ઇજા મામલે ટીકાત્મક વલણ અપનાવીને કહ્યું હતું કે તેઓ રિહેબિલિટેશનને કારણે ટૂંકમાં જ નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)ના કાયમી સભ્ય બની જશે. આમ તો શાસ્ત્રીએ કોઇનું નામ લીધું નથી પણ તેનો ઇશારો મોટાભાગે ચેન્નાઇ સુપર કિંગ્સના દીપક ચાહર ભણી હોવાની સંભાવના છે, કે જે એનસીએ સ્થિત નીતિન પટેલની આગેવાની હેઠળની મેડિકલ ટીમ દ્વારા ફિટ જાહેર થયા પછી છેલ્લા આઠ મહિનામાં ચાલુ મેચે બે વાર બ્રોકડાઉન થયો છે.

  • આ બોલરો એવા છે કે જેઓ સતત ચાર મેચ પણ રમી નથી શકતાં અને ઘાયલ થઇ જાય છે : માજી મુખ્ય કોચ
  • કેટલાક ખેલાડીઓ એનસીએમાંથી બહાર આવે છે અને ત્રણથી ચાર મેચ રમીને પાછા એનસીએમાં પહોંચી જાય છે

રવિ શાસ્ત્રીએ એક સ્પોર્ટસ વેબસાઇટના ડિજીટલ વીડિયોમાં વ્યંગાત્મક રીતે કહ્યું હતું કે છેલ્લા ત્રણ ચાર વર્ષોમાં કેટલાક ખેલાડી એનસીએના કાયમી રહીશ બની ચૂક્યા છે. ટૂંકમાં જ તેમને ત્યાં કોઇપણ સમયે આવવા જવાની મંજૂરી મળી જશે અને આ કોઇ રીતે સારી વાત નથી. જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ પોતાની લોઅર બેક ઇજાની સર્જરી ન્યૂઝીલેન્ડમાં કરાવી છે, જ્યારે દીપક ચાહર ડાબી હેમસ્ટ્રીંગ ઇન્જરીથી પીડાઇ રહ્યો છે. ભારતીય ટીમના માજી કોચ શાસ્ત્રીએ નવાઇ દર્શાવતા કહ્યું હતું કે કેટલાક બોલર તમામ ફોર્મેટમાં રમતા પણ નથી પણ તે છતાં તેઓ ટી-20 મેચમાં ચાર ઓવર પણ પુરી કરી શકતાં નથી.

શાસ્ત્રીએ કહ્યું હતું કે તમે એટલી મેચ પણ નથી રમતાં કે વારંવાર ઘાયલ થઇ જાવ છો. તમે સતત ચાર મેચ પણ નથી રમી શકતાં, તમે એનસીએમાં શુ કરો છો? તમે ત્યાં જઇને આવો છો અને ત્રણ મેચ રમીને ફરી ત્યાં જ પહોંચી જાઓ છો. તમારે જાતે એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે તમે સંપૂર્ણ ફિટ થઇને જ ત્યાંથી પાછા આવો. માત્ર ખેલાડી જ નહીં પણ ટીમ, બીસીસીઆઇ અને આઇપીએલ ટીમોના કેપ્ટન માટે પણ આ સમસ્યા વધારનારી બાબત છે એવું તેણે ઉમેર્યું હતું.

Most Popular

To Top