Columns

કિસ કા જલાં આશિયાં, બીજલી કો યે કયા ખબર?

લોકો જમ્યા વગર બે દિવસ ચલાવી લેશે પણ આજના ઉનાળામાં વીજળી વગર બે કલાક કાઢવાનું અસહ્ય લાગે. લોકો, મશીનો, આર્થિક વિકાસ બધું જ ઠપ થઇ જાય. ઘણાના જીવ પણ થંભી જાય છે. હમણાં જ સુરતથી સૌરાષ્ટ્રમાં ગયેલા આ લખનારના એક મિત્રનું અતિ ગરમીને કારણે અકાળે અવસાન થયું. ઉનાળામાં જેની ખાસ જરૂર પડે તે પાણીનું પણ વીજળી સાથે વિદાય અને આગમન થાય. મોટાં શહેરો સરકારોને ખૂબ વહાલાં. પણ ગ્રામીણ વિસ્તારોમાં દિવસના પંદરથી સોળ કલાક વીજળી કાપ રહે છે.

મધ્યમ કદનાં શહેરોમાં લાઇનોનાં મેન્ટેનન્સના બહાને સપ્તાહમાં એક દિવસ બોર્ડ દ્વારા વીજળી ગુલ કરાય અને વરસાદના હજી અમી-છાંટણાં થાય ત્યાં જ વલસાડના કોઇ સબસ્ટેશનમાં મોટા ધડાકા સાથે ફયુઝ ઊડી જાય. ભલા એન્જિનિયરો અને લાઇનમેનો, તમે આખો શિયાળો અને ઉનાળો શેનું મેન્ટેનન્સ કરતા હતા? તેઓ જવાબ આપતા હોય છે કે ચોમાસા અગાઉ મેન્ટેનન્સ કરવું જરૂરી હોય છે. જાણે કે માત્ર ભારતમાં જ ચોમાસું આવે છે અને ત્યારે મુંબઇમાં કે સુરતમાં વરાછા રોડ પર નથી આવતું પણ રાંદેર અને અડાજણમાં આવે. જયાં ટોરેન્ટ હોય ત્યાં વરસાદ ન આવે. શ્લેષ છે પણ અભિપ્રેત નથી.

એક તરફ વસતિ અને ગરમી વધી રહ્યા છે. બીજી તરફ કોલસા, ઓઇલ, ગેસ વગેરે મોંઘાં બની રહ્યાં છે. ત્રીજી તરફ, ગરમ થતી પૃથ્વી વધુ ગરમ ન થાય તે માટે અશ્મિજન્ય કોલસો વગેરેનો વપરાશ ઓછો કરવો જરૂરી છે. તેના બદલે વધી રહ્યો છે અને ભારતમાં આ વરસે ગરમીએ નવા રેકોર્ડ બનાવ્યા. 47 ડિગ્રીની ઉપર તાપમાન જતું રહે. નદીઓ, તળાવો સુકાઇ ગયાં. પાણીના તળ અમુક સ્થળોએ 1500થી 2000 ફૂટ ઊંડાં જતાં રહ્યાં છે. ત્યાંથી સબમર્સિબલ પંપો દ્વારા પાણી ખેંચવા વધુ વીજળીની જરૂર પડે. ગંધકવાળા ગરમ ફળફળતાં પાણી, અમુક સ્થળોની કાયમી ઓળખાણ બની ગયાં છે. તેમાં આધુનિક જમાનામાં એરકન્ડીશનરો, પંખાઓ, ઇન્વર્ટરો વધી ગયાં. વાતાનુકૂલિત મોલ, મેગાસ્ટોર, સિનેમાઘરો, હોટેલો, રેસ્ટોરાં. લગ્નની વાડીઓ, વાતાનુકૂલિત કારખાનાંઓની ભરમાર લાગી છે.

આ બધું ઘણું ઝડપથી થયું છે પણ સાવ અચાનક નથી થયું. દાયકાઓથી વસતિ, ઘટતાં નીર, વધી રહેલા ઉદ્યોગધંધાની આપણને જાણ છે. વરસ 2008 અને 2009માં ચૂંટણીના 6 મહિના અગાઉ મનમોહનસિંહે અણુ ઊર્જા કેન્દ્રો સ્થાપવાની હિમાયતમાં પોતાની સરકાર જોખમમાં મૂકી હતી. જો કે એ જોખમ પાકી ગણતરીપૂર્વકનું હતું. કોંગ્રેસ સરકાર આવાં કેન્દ્રો સ્થાપવા માગતી હતી પણ સામ્યવાદી સાંસદોના ટેકાથી સરકાર ચાલતી હતી તેઓએ ટેકો પાછો ખેંચી લીધો હતો. ચૂંટણીને 6 મહિના જ બાકી હતા અને વીજળીના મુદ્દા પર મનમોહન સરકાર વધુ બહુમતીથી ચૂંટાઇ આવી.

સરકાર તે દિશામાં થોડી આગળ વધી પરંતુ 2010 માં ફુકુયામા (જપાન) ખાતે સુનામીને કારણે અણુઊર્જા કેન્દ્ર ધ્વસ્ત થયું. જેનો ડર હતો તે રેડીએશન ફેલાયું અને હવે દુનિયા ફરીથી અણુ વીજ મથકો બાબતમાં ચિંતાતુર બની છે. ભારતમાં કેદારનાથમાં અતિવૃષ્ટિની તારાજીએ હાઇડ્રોપાવર સ્ટેશનો પર પૂર્ણવિરામ લગાવી દીધાં. હવે માત્ર કોલસો, ગેસ જે છે તે હાઇડ્રોથર્મલ સ્ટેશનો તેમ જ સૂર્ય અને પવન – શકિતના સોર્સ પર આધાર રાખવો પડે છે. જો કે ભારતમાં તારાપુર, ટ્રોમ્બે (મહારાષ્ટ્ર) માં અણુવીજળી કેન્દ્રો દાયકાઓથી સલામતીપૂર્વક ચાલે છે.

ફ્રાન્સ જેવા અનેક યુરોપીઅન દેશો, અમેરિકનો વગેરે અણુકેન્દ્રો પર આધાર રાખે છે પણ જે દેશોમાં લોકોમાં બેદરકારી, લાપરવાહીનું પ્રમાણ વધુ હોય તેઓએ અણુ વિદ્યુત મથકો બાંધવાથી દૂર રહેવું જોઇએ. તેમ છતાં ભારત સરકારે સામ્યવાદીઓ પાસેથી વીજળી ઉત્પાદન માટેના વિકલ્પો માગવા જોઇએ. સાર એ છે કે સગવડતા પણ જોઇએ છે. વિકાસ જોઇએ છે પણ એ કયાંથી આવશે તેની સમજણ ન હોવા છતાં સાધનોનો વિરોધ કરવો છે.

મહારાજ જગ્ગી વાસુદેવ, ઇશા ફાઉન્ડેશનના સ્થાપક અને અસ્ખલિત અંગ્રેજીમાં તર્કબધ્ધ અને બુધ્ધિગમ્ય રજૂઆતો કરવા માટે જાણીતા છે. સદ્‌ગુરુના નામે ઓળખાય. થોડા દિવસ અગાઉ મુંબઇમાં પર્યાવરણ વિષે જાગૃતિ આણવાના ઇરાદાથી એમણે મુંબઇમાં ઠેર ઠેર મોટર સાઈકલોની રેલીઓ યોજી. એક એક રેલીમાં 200-200 મોટર સાઈકલો જોડાઇ હતી. જો પગપાળા રેલીઓ યોજી હોત તો પ્રદૂષણ, થોડું તો થોડું, પણ જરૂર ઘટયું હોત. આપણા દેશના લોકોની મનોવૃત્તિમાં વિરોધ છે પણ ઉપાયો નથી. અખિલેશ, કેજરીવાલ, કેન્દ્ર સરકાર, રાજય સરકારો વીજળીના મુદ્દે સામસામી આક્ષેપબાજીઓ કરે છે. પોતપોતાના શાસનને સૌથી સારું ગણાવે છે પણ કુલ ઉત્પાદનમાં કોઇ વધારો થયો નથી.

આજે ઊર્જા ઉત્પાદન, આગળ જણાવ્યું તેમ અનેક પ્રકારનાં વિષચક્રો અને સમસ્યાઓમાં સપડાયું છે ત્યારે નડી રહેલાં તમામ પરિબળોની, સંભાવનાઓની પાકી ગણતરી કરી વરસો સુધીનું આયોજન, તમામ પક્ષોએ સાથે મળીને કરવું પડે. મુલાયમ સિંહના પોતાના  બંગલાનું વીજળી બિલ મહિને 4 લાખ રૂપિયાનું આવતું હતું તે ઉત્તર પ્રદેશની સરકાર ભરતી હતી. પણ હવે ન તો વીજળી આવશે કે ન બિલ એવા સંજોગો ઊભા થઇ શકે છે. જો કે યોગી આદિત્યનાથ વીજળી સમસ્યા ઉકેલવા માટે ફરી ચૂંટાયા બાદ પ્રયત્નશીલ બની ગયા છે. ફેબ્રુઆરીમાં ચૂંટણીને કારણે વીજ ઉત્પાદન ખોરંભે ચડી ગયું હતું પરંતુ વીજ ઉત્પાદન બાબતે તો વરસાદ આવે તે પહેલાં જ બધી તૈયારીઓ કરવી પડે.

આજના ડિજિટલ યુગમાં થોડી મિનિટો વીજળી ગુલ થાય તો કરોડો, અબજો રૂપિયાનું નુકસાન થઇ જાય. દેશમાં વીજળીની ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે ખૂબ મોટી અસમતુલા છે. ગુજરાતમાં હજી સ્થિતિ ઘણી સારી છે પણ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, બિહાર, આન્ધ્ર પ્રદેશ અને ઝારખંડમાં લોકો તોબા પોકારી ઊઠયા છે. પૂજા સિંઘલને ત્યાંથી કોલસાની દલાલીની સેંકડો કરોડની રકમ મળે છે. આ સાંભળીને લોકોનો ફયુઝ ઊડી જાય છે.

આ વરસે વીજળીની ડિમાન્ડ પણ ખૂબ રહી. સ્વાભાવિક છે. અમુક દિવસોમાં 210 ગીગાવોટથી પણ વધુ ડિમાન્ડ આવી હતી. કોરોનાના બે વરસમાં, મંદી અને લોકડાઉનને કારણે કારખાનાં, કાર્યાલયો વગેરે બંધ હતાં અને તેથી ડિમાન્ડ ઓછી હતી પણ હજી બે મહિના અગાઉ કોરોના સંકટમાંથી ઉદ્યોગો બહાર નીકળી ગયા હોય તેમ તેજી આવી. GSTની વસૂલાત 1 લાખ 60 કરોડ રૂપિયા પર પહોંચી જે અગાઉ કરતાં દોઢ ગણાથી વધુ હતી.

ત્યાં વળી આ ગરમી અને વીજળીની સમસ્યા આવી. સરકારો બતાવે છે કે માત્ર 10 ગીગાવોટ જેટલી વીજળીની અછત છે પણ નિષ્ણાતો કહે છે કે આ આંકડા સાચા નથી કારણ કે અમુક રાજયોમાં સ્થિતિ ખૂબ ખરાબ છે. સરકારો ગણાવે છે કે સરેરાશ 5% જેટલી વીજળીની ટંચાઇ જણાઇ રહી છે પરંતુ રાજયો પ્રમાણે જોઇએ તો હરયાણામાં 27%, રાજસ્થાનમાં 12% અને મહારાષ્ટ્રમાં 16% અછત છે. તમામ પ્રકારના સર્વાંગી આયોજનોનો અભાવ હવે પરિણામો બતાવી રહ્યો છે. કેટલાંક ખરાબ પરિણામો હંગામી અવ્યવસ્થાને કારણે પેદાં થયાં છે. જેમ કે વિધાનસભાઓની ચૂંટણી ટાણે કોલ ઇન્ડિયા લિમિટેડ ઉત્તર પ્રદેશની સરકાર પાસેથી રૂપિયા 1600 કરોડ, ઉધાર બાકીના મેળવવાના હતા પણ ચૂંટણીને કારણે તેની ચૂકવણીમાં મોડું થયું અને UP સરકારને સમયસર કોલસો મળ્યો નહીં.

  યોગીએ ફરી સત્તા સંભાળતાની સાથે જ 1300 કરોડ રૂપિયાની ચૂકવણી કરી દીધી પણ પાઘડીનો વળ હવે છેડે આવ્યો. ગયા જુલાઇથી UP પાવર કોર્પોરેશન લગાતાર લગભગ 25 હજાર મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરતું આવ્યું હતું. હમણાં ડીમાન્ડ વધી છે તો પણ રાજય પાવર કોર્પોરેશન માત્ર 23 હજાર મેગાવોટનું જ ઉત્પાદન કરી શકે છે. યોગીજીએ વ્યવસ્થા સંભાળી હોવાથી હવે તે સ્થિતિમાં સુધારો થશે. વરસાદ પણ આવવાનો છે. વહેલો આવશે તો વહેલો સુધારો થશે.

દેશમાં 4 સંસ્થાઓ વીજ ઉત્પાદન અને પુરવઠાનું વ્યવસ્થાપન સંભાળે છે અથવા તેની સાથે જોડાયેલી છે. કોલ ઇન્ડિયા લિમિટેડ કોલસો પૂરો પાડવાનું કામ કરે. ભારતીય રેલ કોલસાના વહનની જવાબદારી સંભાળે. વીજ ઉત્પાદન કરતી કંપનીઓ કે કોર્પોરેશનો અને ચોથા છે વીજળી સપ્લાય કરતી કંપનીઓ. ભારતમાં ગયા આર્થિક વરસમાં લગભગ 1500 અબજ યુનિટ વીજળીનું ઉત્પાદન થયું હતું જેમાંથી 77 %નું કોલસા અને ગેસ વડે થયું હતું. એવું પણ નથી કે ભારતમાં ડિમાન્ડ જેટલી વીજળીની ઉત્પાદનની ક્ષમતા નથી. કહે છે કે ભારત પાસે 400 ગીગાવોટ વીજળીના ઉત્પાદનની ક્ષમતા છે પણ તો પછી આટલી બધી અછત શા માટે?

શું સપ્લાય કંપનીઓ લાપરવાહ છે? આ એક મોટો કોયડો છે. જો ડિમાન્ડ કરતા, કહેવામાં આવે છે તેમ 25% વધુ ઉત્પાદનની ક્ષમતા છે તો પછી હાલના ‘ધાંધિયા’ પાછળ લાપરવાહી ઉપરાંત વ્યાપારિક કારણ હોઇ શકે. સરકાર ભલે ઊંચી ક્ષમતાના દાવાઓ કરે. સરકારના વિવિધ વિભાગો, વીજળી મંત્રાલય અને અન્ય સંસ્થાઓ વચ્ચે સંકલનનો અભાવ છે. તેના પ્રતાપે કેટલી ડિમાન્ડ રહેશે તેનું ખરું આકલન તેઓ કરતી નથી અથવા કરી શકતી નથી. ઉપર બતાવેલી સંસ્થાઓના એકમેકની પાસેથી બાકી નીકળતી રકમોની ચૂકવણી સમયસર થતી નથી. વીજ ઉત્પાદન કરતી કંપનીઓને કોલ ઇન્ડિયાએ 12 હજાર 300 કરોડ ચૂકવવાના બાકી છે.

સપ્લાય કરતી કંપનીઓએ ઉત્પાદન કરતી કંપનીઓને લગભગ 1 લાખ કરોડ ચૂકવવાના બાકી છે અને સપ્લાય કરતી કંપનીઓ પર 1 લાખ 10 હજાર કરોડ રૂપિયાનું વિત્તિય સંસ્થાઓનું કરજ છે. આવી કારમી સ્થિતિ જાણ્યા વગર સરકારો, કેજરીવાલ એન્ડ ટોળકી, વીજળી મફતમાં આપવાની, જૂનાં બિલ માફ કરી દેવાની ઘોષણાઓ કરી ચૂંટણી જીતી જાય છે પણ વીજળી કંનીઓને અને કોલ ઇન્ડિયા વગેરેને ચૂકવવાના પૈસા ચૂકવી શકતા નથી. દેશ ભલે જાય અંધારામાં, આપણને સત્તા મળવી જોઇએ. કેજરીવાલ એટલે અંધેર નગરીનો ગંડુ રાજા. પણ લોકો ખરી સ્થિતિ જાણી શકે એટલા ઊંડે ઊતરતાં નથી. વળી લોકો અને વિપક્ષોના વિરોધને કારણે સરકારો વીજળીના દર વધારી શકતી નથી. તેનો માર સપ્લાય કંપનીઓને પડે છે.

 વિરોધ પક્ષ તરીકે જે કોઇ પક્ષ આવે, વીજળીના દર વધારાનો વિરોધ કરે છે, જે રીતે હાલમાં કોંગ્રેસ  પેટ્રોલ-ડિઝલના ભાવવધારાનો વિરોધ કરે છે પણ મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં કોંગ્રેસની અને આઘાડીની સરકારો સ્થાનિક કર ઘટાડતી નથી તેથી ત્યાં ડિઝલ પેટ્રોલ મોંઘા છે અને રાહુલ ગાંધી દિલ્હીમાં બેસીને બોલતા રહે છે કે કોંગ્રેસી સરકાર એટલે ગરીબોની હમદર્દ. ભારતમાં વીજ સપ્લાય કરતી 32 કંપનીઓ કે કોર્પોરેશનો છે જેમાં મોટા ભાગના રાજય સરકારોની માલિકીના છે. અમુક કામ ખાનગી કંપનીઓ સંભાળે છે. જેમ કે ટોરેન્ટ, અદાણી, ટાટા વગેરે. દેશમાં કોલસાની તંગી જણાઇ રહી છે. વિદેશોમાંથી ખરીદવાની વાત આવી તો અમુક લોકો UPમાં વિદ્યુત નિયામક આયોગ સમક્ષ ફરિયાદ લઇને પહોંચ્યા. વાત વિવાદમાં ફસાઇ ગઇ. બીજી તરફ કોલસાનું વહન કરતાં રેલવે વેગનોની પણ તંગી છે. ઘણાં રાજયોમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર વગેરેમાં વીજળી ઉત્પાદન મથકોની મશીનરી ખૂબ જૂનીપુરાણી થઇ ચૂકી છે.

 તેમાં આયાતી કોલસા વાપરી શકાતા નથી. જેની ઇન્ડોનેશિયાએ કોલસાની નિકાસ બંધ કરી દીધી છે અને યુક્રેન-રશિયા યુધ્ધે સ્થિતિને વણસાવી છે. કોલસાની કિંમતોમાં લગભગ 3 ગણો વધારો થયો છે. ગ્રાહકો માગણી કરે છે પણ પુરવઠા કંપનીઓને વીજળી મોંઘી પડે છે તેથી વધારાની ડિમાન્ડ મુજબ ખરીદવાને બદલે વીજ પુરવઠા સંસ્થાઓ લોડ શેડિંગ અપનાવવા લાગી. દેશમાં પૂરી ક્ષમતાથી વીજ ઉત્પાદન થાય તે માટે 96 કરોડ ટન કોલસાની વાર્ષિક જરૂર પડે છે પણ ગયા વરસે 25 મેટ્રીક ટન કોલસો વિદેશોમાંથી આયાત કરવો પડયો હતો. ગયા મહિને વીજળીના ઉત્પાદનમાં લગભગ 50 ઝીગાવોટની કમી થઇ. પરિણામે વીજળીના અભાવમાં ઘર, ઓફિસ, કારખાનાં, મગજ અને રાજકારણ ગરમ થઇ ગયા. શિયાળો આવશે અને આદત મુજબ આપણે વીજળીની સમસ્યા ભૂલી ગયા હોઇશું અને કોઇક નવી સાથે લડતા હોઇશું. જો એ સમસ્યા કુદરતી નહીં હોય તો આપણે સાથે મળીને ઊભી કરી હશે.

Most Popular

To Top