Dakshin Gujarat

કિમ ચાર રસ્તા નજીક શોપિંગ સેન્ટરમાંથી 9 કિલો ગાંજા સાથે બે ઝડપાયા

કિમ: સુરત (Surat) જિલ્લાના માંગરોળ તાલુકાનાં પાલોદ (Palod) ગામની સીમમાં કીમ (Kim) ચાર રસ્તા ઓવરબ્રિજની નજીક આવેલ એક શોપિંગ સેન્ટરમાંથી સુરત ગ્રામ્ય એસ.ઑ.જી (SOG) પોલીસની ટીમે ગાંજાના (Cannabis) જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે 9.850 કિલોગ્રામ ગાંજાનો જથ્થો તેમજ બે બાઇક, મોબાઈલ ડોન તેમજ રોકડ રકમ મળી કુલ રૂ, 1,80,500 નો મુદ્દામાલ કબ્જે કરી એક શખ્સને વોંટેડ જાહેર કર્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ સુરત જિલ્લા એસઓજી પોલીસની અલગ અલગ ટીમો પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન તેઓને બાતમી મળતા તેમણે માંગરોળ તાલુકાનાં પાલોદ ગામની સીમમાં કીમ ચાર રસ્તા ઓવરબ્રિજની બાજુમાં આવેલ ઝમઝમ રેસિડન્સી શોપિંગ સેન્ટરની દુકાન નંબર-04 ખાતે રેડ કરી હતી. તે દરમ્યાન ત્યાંથી બે ઇસમો અફઝલ બશીર અલીયાણી (રહે, ઓલપાડ, જીલમીલ રો-હાઉસ, પરા ત્રણ રસ્તા નજીક, તા-ઓલપાડ, મૂળ રહે, લાઠી ગામ, જી,અમરેલી) તથા મુશ્તાક હુસેન કચરા (રહે, રેવન પાનની ગલી, અમરેલી) ને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી એક રેક્ઝિનની બેગમાં ભરેલ ગાંજાનો 9.850 કિલોગ્રામ ગાંજો કિંમત રૂ, 98,500 નો જથ્થો કબ્જે કર્યો હતો. તેમજ પોલીસે બે મોબાઈલ ફોન તેમજ બાઇક નંબર જીજે-05-એમ.સી- 8303 તથા જીજે-05-એફક્યૂ-5199 તેમજ રોકડ રકમ મળી કુલ રૂ, 1,80,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ આ ગુનામાં સંડોવાયેલ ભગવાન નામનો ઈસમ (રહે, સુરત) ને વોંટેડ જાહેર કરી ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંજાનો જથ્થો અમરેલી ખાતે લઈ જવામાં આવી રહ્યો હતો
ગાંજાના જથ્થા સાથે પકડાયેલ મુશ્તાક કચરા નામનો શખ્સ અમરેલી ખાતે ગાંજાનો છૂટક વેપાર કરે છે. અને અફઝલ અલીયાણી કમિશનથી ગાંજો વેચે છે. મુશ્તાક બાઇક પર ગાંજો લેવા આવ્યો હતો. અને અફઝલને કમિશનથી ગાંજાનો જથ્થો આપવા જણાવ્યુ હતું. જેથી અફઝલે ભગવાન નામના શખ્સ પાસેથી ગાંજાનો જથ્થો મંગાવ્યો હતો. ભગવાન નામના શખ્સ પાસેથી અફઝલે 1 કિલો ગાંજાના 6 હજાર ના ભાવે લેવાનું નક્કી કર્યું હતું. અને તેના પર અફઝલ 1 કિલોના 500 રૂ. કમિશન લઈ મુશ્તાકને આપવા જણાવ્યુ હતું. જેથી અફઝલ તેના મિત્રની બાઇક લઈ બંને કીમ ચાર રસ્તાથી અલગ અલગ બાઇક ઉપર નીકળ્યા હતા. અને બંને નવી પારડી રાજ હોટલ ખાતે પહોંચ્યા હતા જ્યાં ભગવાન નામનો શખ્સ ગાંજો ભરેલ બેગ અફઝલને આપી ગયા હતા. અને આ ગાંજો મુશ્તાક અમરેલી ખાતે લઈ જવાનો હતો. પરંતુ પોલીસે બાતમીના આધારે આ બંનેને ઝડપી પાડ્યા હતા.

Most Popular

To Top