National

કેરળમાં ભૂસ્ખલન થતાં એક જ પરિવારનાં 5 સભ્યો જીવતાં દટાઈ ગયા

કેરળ: કેરળના (Kerala) થોડુપુઝા નજીકના એક ગામમાં સોમવારે ભારે વરસાદને (Heavy Rain) કારણે થયેલા ભૂસ્ખલનથી એક જ પરિવારના પાંચ સભ્યો તેમના ઘરમાં જીવતાં જ દટાઈ જતાં પાંચેય લોકોએ જીવ ગુમાવ્યા (Death) હતા. એમ પોલીસે (Police) જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, કંજરના રહેવાસી થાનકમ્મા (80), તેનો પુત્ર સોમન (52), તેની પત્ની શાજી (50), તેમની પુત્રી સીમા (30) અને દેવાનંદ (05) એ વહેલી સવારે થયેલા ભૂસ્ખલનમાં જીવ ગુમાવ્યો હતો. કેરળના પહાડી વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ મંગળવારે કાસરગોડ સિવાયના તમામ જિલ્લાઓ માટે યલો એલર્ટની આગાહી કરી છે.

કોટ્ટાયમ જિલ્લામાં નેદુનકુનમ, કારુકાચલ સહિતનાં ગામડાઓમાં પૂરનાં પાણી ફરી વળ્યાં છે અને પાણીમાં ફસાયેલા રહેવાસીઓને બહાર કાઢવા માટે ફાયર સર્વિસના કર્મચારીઓને દોડી આવ્યા છે. જ્યારે પથાનમથિટ્ટા જિલ્લા માહિતી અધિકારીએ જણાવ્યું હતું કે, ”મલ્લાપલ્લી તાલુકાના કોટ્ટંગલ ગામમાં પાણી કેટલાક ઘરો અને દુકાનોમાં ઘૂસી ગયાં હતાં. એક કાર વહેતા પાણીમાં તણાઈ ગઈ હતી. જોકે, સ્થાનિકોએ તેને દોરડા વડે એક ઝાડ સાથે બાંધવામાં સફળતા મેળવી હતી.” આ ઉપરાંત, મલપ્પુરમ, કોઝિકોડ અને કન્નુર જિલ્લાના પહાડી વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે પરંતુ ત્યાંથી અત્યાર સુધી કોઈ અપ્રિય ઘટનાઓ નોંધાઈ નથી. મલપ્પુરમ જિલ્લામાં, ઓલિપુઝા તેના કાંઠા પર છલકાઈ રહ્યું હતું અને સત્તાવાળાઓને નદીના કાંઠે રહેતા રહેવાસીઓને રાહત શિબિરોમાં ખસેડવાની ફરજ પડી હતી.

ચીનમાં દુકાળગ્રસ્ત વિસ્તારમાં ભારે વરસાદથી પૂરનું જોખમ
બીજિંગ: દક્ષિણપશ્ચિમ ચીનના એક વિસ્તારમાં ભારે વરસાદના પગલે ત્યાંના 1 લાખ કરતાં વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં, આ વિસ્તાર ઉનાળાના મોટાભાગના સમયમાં હિટવેવ અને દુકાળથી અસરગ્રસ્ત હતો. સિચુઆન પ્રાંત અને ચોંગક્વિંગ શહેરમાં મંગળવાર સુધી ભારે વરસાદની આગાહી છે. ચોંગક્વિંગ પર્વતીય વિસ્તારમાં બનાવવામાં આવેલું મોટું શહેર છે તેની ચારેય બાજુ પર્વતો અને ગામડાઓ આવેલા છે ત્યાં બંને દિવસો માટે પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે.

સિચુઆન કટોકટી પ્રબંધન વહીવટીતંત્રએ સોમવારે કહ્યું હતું કે 1,19,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં. ગોંગયુઆન શહેરના ક્ષેત્રમાં આવતા એક ગામમાં 7.4 ઈંચ વરસાદ નોંધાયો હતો, આ શહેર તે બે શહેરો પૈકી છે જે દુકાળથી સૌથી વધુ અસરગ્રસ્ત હતાં. સિચુઆન, ચોંગક્વિંગ અને પાડોશી ગેનસુ અને શાંક્સી પ્રાંતમાં સૌથી હળવી ચાર વર્ગની ચેતવણી જારી કરવામાં આવી હતી. સૂર્યથી તપેલી જમીન પર જ્યારે ભારે વરસાદ પડે છે તેમાં પ્રાકૃતિક રીતે નાશ થાય છે, એમ સત્તાવાર સમાચાર પત્રએ કહ્યું હતું.

હવામાનમાં બદલાવથી ગરમીથી રાહત મળી હતી અને બે અઠવાડિયાઓ બાદ સિચુઆનની ફેક્ટરીઓમાં પૂર્ણ વીજળી આપવાની શરૂ કરાઈ હતી જે હાઈડ્રોપાવરમાંથી ઓછા વીજપુરવઠાના કારણે ઘટાડવામાં આવી હતી. વરસાદથી ખેડૂતોને મદદ મળશે જેમનો ચોખા, મસાલા અને અન્ય પાક લંબાઈ ગયેલા દુકાળમાં ખરાબ થઈ રહ્યો હતો જ્યારે મોટાભાગના જળાશયોમાં જમીન દેખાવા લાગી હતી. અહીંનું તાપમાન 40 ડિગ્રી સે.ને વટાવી ગયું હતું જે 1961માં રેકોર્ડ રાખવાનો શરૂ કર્યો ત્યારથી અત્યાર સુધીમાં સૌથી વધુ છે.

Most Popular

To Top