Dakshin Gujarat

કલેકટર સહિતના અધિકારીઓને બહાર બેસાડી રાખી આરોગ્ય મંત્રીએ પહેલા પક્ષના નેતાઓ સાથે બેઠક કરી!

બારડોલી: બારડોલી સર્કિટ હાઉસ (bardoli circuit house) ખાતે ”મારું ગામ, કોરોનામુક્ત ગામ” (maru gam corona mukt gam) અભિયાનની કામગીરીની સમીક્ષા (review)-માર્ગદર્શન માટે આરોગ્ય રાજ્યમંત્રી (state health minister) કિશોરભાઈ કાનાણીએ તંત્રને પ્રાધાન્ય આપવાની જગ્યાએ પહેલા પાર્ટી (party)ના હોદ્દેદારો સાથે બેઠક (meeting) કરતાં કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓને દોઢ કલાક સુધી બહાર બેસી રહેવાનો વારો આવ્યો હતો. હાલ આરોગ્ય તંત્રને નવરાશનો સમય મળતો નથી. ત્યારે જિલ્લાના તમામ તાલુકાના આરોગ્ય અધિકારીઓ અને CHCના અધિક્ષકોને લાંબો સમય બેસાડી મૂકતાં અધિકારીઓમાં પણ છૂપો રોષ જોવા મળ્યો હતો.

સમગ્ર સુરત જિલ્લામાં છેલ્લા પંદર દિવસમાં 5000થી વધુ કોરોનાના કેસો સામે આવ્યા છે. વધી રહેલા કેસો છતાં આરોગ્ય રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાને હરાવવા રાજ્ય સરકાર યોગ્ય દિશામાં અને સ્પષ્ટ રણનીતિ સાથે આગળ વધી રહી છે. રાજ્યના તમામ ગામોમાં કોરોનાના સંક્રમણને ગામમાં જ દબાવી દેવા રાજ્ય સરકારે “મારું ગામ, કોરોનામુક્ત ગામ” અભિયાનનો પ્રારંભ કર્યો છે. ગુજરાતનાં ગામડાંને સંપૂર્ણ કોરોનામુક્ત કરવા આ ૧૫ દિવસનું અભિયાન ખૂબ જ નિર્ણાયક સાબિત થશે. સુરત જિલ્લામાં 12 CHC અને 55 PHCના સહયોગથી તેમના વિસ્તારમાં આવતા 545 ગ્રામ પંચાયતોમાં અભિયાનને વેગવાન બનાવાશે. જો કે, આરોગ્ય રાજ્યમંત્રી બારડોલી ખાતે કોરોનાને લઈને મારું ગામ કોરોનામુક્ત ગામ અભિયાન અંતર્ગત સમીક્ષા બેઠક માટે આવ્યાં હતાં.

આ બેઠકમાં કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ હંમેશાંની જેમ વાહવાહી લૂંટવાના પ્રયાસમાં મંત્રી કિશોર કાનાણીએ તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરવાની જગ્યાએ પહેલા પક્ષના હોદ્દેદારો સાથે ચર્ચા કરી હતી. એટલું જ નહીં પરંતુ જે તંત્ર કોરોના મહામારીમાં ખૂબ જ વ્યસ્ત હોવા છતાં અલગ અલગ તાલુકામાંથી આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમને દોઢ કલાક સુધી બહાર બેસાડી મૂકવામાં આવ્યા હતા.

file photo

એક તરફ સરકાર દ્વારા રાજકીય મેળાવડા બંધ કરવાની વાત કરવામાં આવે છે અને તે જ સરકારના આરોગ્ય મંત્રી તંત્ર સાથે બેઠક કરવાની જગ્યાએ પહેલા પક્ષના નેતાઓ સાથે દોઢ કલાક સુધી ચર્ચા કરે ત્યારે તેમની રાજકીય લાભ ખાટવાની નીતિ ખુલ્લી પડી જાય છે. પત્રકારો સાથેની વાતચીતમાં છેલ્લા બે દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં બંગાળ હિંસાના વિરોધમાં ધરણાં પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે તેમજ અધિકારીઓને દોઢ કલાક સુધી બહાર બેસાડી મૂકવા બાબતે પૂછતાં મીટિંગ શરૂ થઈ ગઈ છે એમ કહી તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું.

માત્ર સરકારી કાર્યક્રમ અંગે માહિતી આપી પોતાની વાત પૂરી કરી હતી. હાલ સમગ્ર આરોગ્ય તંત્ર કોવિડ દર્દીઓની સેવામાં ખડેપગે છે. ત્યારે આરોગ્યના અધિકારીઓનો પણ સમય બરબાદ કરી મંત્રી કિશોર કાનાણી દ્વારા કરવામાં આવેલી ચેષ્ટા કેટલા અંગે યોગ્ય ગણાય તે અંગે પણ ચર્ચા ઊઠી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top