Columns

ધ્યેય નજર સામે રાખો

૧૯૫૨ ની વાત છે. ઈંગ્લીશ ચેનલ તરનાર ફ્લોરેન્સ ચેડવિક કેટલીના ચેનલ તરનાર પહેલી ફીમેલ સ્વીમર બનવાના રેકોર્ડથી થોડે જ દૂર હતી.આખી દુનિયાની નજર તેમની પર હતી. ફ્લોરેન્સે પૂરી તાકાત લગાડી દીધી હતી. તે ખરાબ હવામાન, ગાઢ ધુમ્મસ, હાડ ગાળી નાખતી ઠંડી અને ખતરનાક શાર્ક બધા સાથે લડીને આગળ વધી રહી હતી.તે એકદમ થાકી ગઈ હતી અને થોડી થોડી વારે ગોગલ્સમાંથી આજુબાજુ નજર ફેરવતી. તેની આંખો કિનારો શોધી રહી હતી, પણ તેને ગાઢ ધુમ્મસ સિવાય કંઈ દેખાતું ન હતું.તેણે છેવટે હાર માની પ્રયત્નો છોડી દીધા કારણ કે કિનારો ક્યાંય દેખાતો ન હતો અને તેના શરીરમાં હવે આગળ તરવાની તાકાત રહી ન હતી.

તરવાનું છોડીને શીપ પર આવ્યા બાદ ફ્લોરેન્સ એકદમ હતાશ થઈ ગઈ કારણ કે તેને ખબર પડી કે તે કિનારાથી માત્ર અડધો માઈલ જ દૂર હતી. તેણે એટલે પ્રયત્નો છોડ્યા કે તેનું ધ્યેય કિનારો તેને ક્યાંય દેખાતો ન હતો.જો તેનું ધ્યેય તેની નજર સામે હોત તો તે ધ્યેયને જોઇને તેનામાં તાકાત આવત અને તે ચોક્કસ પ્રયત્નો છોડ્યા વિના આગળ વધત. બે મહિના પછી ફ્લોરેન્સ કેટેલીના ચેનલ સફળતાથી તરીને પાર કરી. આ વખતે હવામાન વધુ ખરાબ હતું, છતાં તેણે ધ્યેય સિધ્ધ કર્યું અને બધા રેકોર્ડ તોડીને ચેનલ તરીને પાર કરી.ફ્લોરેન્સને જયારે સફળતાના અભિનંદન આપતાં પૂછવામાં આવ્યું કે ‘બે અનુભવોમાં શું ફરક હતો?’ ફ્લોરેન્સે કહ્યું, ‘મારા પ્રયત્નો બંને વખતે એક સરખા જ હતા, હવામાન તો પહેલી વાર કરતાં પણ વધારે ખરાબ હતું.પણ પહેલી વાર હું ધ્યેય નજર સામે ન દેખાતાં જરાક માટે હિંમત હારી અને ચૂકી ગઈ.

પણ તે અનુભવથી મને સમજાયું કે આપણું ધ્યેય, આપણી શક્તિનો સ્રોત છે તેને નજર સામે જ રાખવો જોઈએ, પણ સાથે સાથે તે આપણા મનને મગજમાં અંકિત થઈ જવું જોઈએ જેથી આપણે તેણે હાંસલ કરી શકીએ.પહેલી વાર મારી નજર ધ્યેય તરફ હતી અને ધ્યેયને શોધી રહી હતી તે ન દેખાતાં મારી હિંમત જરાક માટે ખૂટી ગઈ.આ વખતે મેં મારા ધ્યેયને મન અને મગજમાં જીવંત રાખ્યું હતું અને મારું ધ્યાન તે મેળવવા પર હતું અને મન મક્કમ હતું કે આ વખતે હું મારા ધ્યેય કિનારા પર પહોંચ્યા વિના હાર નહિ જ માનું અને બસ મારા ધ્યેય પરના એકધારા ધ્યાનને કારણે હું સફળ થઇ શકી’ સફળતા મેળવવાનો સચોટ રસ્તો આ પ્રસંગ સમજાવે છે કે ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરો તો સફળતા મળશે જ.

Most Popular

To Top