Columns

કેદારનાથ ધામ

પ્રત્યેક સનાતનીઓની એક ઇચ્છા હોય છે કે તક મળે ત્યારે બાબા કેદરનાથના દર્શને જવું છે. પણ સ્વાભાવિક છે કે સમયની પ્રતિકૂળતા, આર્થિક કે શારીરિક તકલીફ હોય તો દરેક લોકોને આ કઠિન યાત્રાનો લાભ નથી મળી શકતો. દેશના શિરમુકુટ સમાન હિમાલયના હિમશિખરો વચ્ચે સમુદ્રતટથી 22000 ફૂટની ઊંચાઇ પર કેદાર શિખર પર બાબા કેદારનાથનું પવિત્ર પાવન ધામ આવેલું છે. જયા એક બાજુ 21600 ફૂટની ઉંચાઇ પર કરચકુંડ અને બીજી તરફ 22700 ફૂટની ઊંચાઇએ પૌરાણિક ભરતકુંડ આવેલા છે.

આ ત્રણેય હિમશિખરો મંદાકિની, મધુગંગા, ચિરગંગા, સરસ્વતી અને સ્વરંદરી એમ પાંચ નદીઓનું ઉદ્‌ગમ સ્થાન છે. દિવાળી પછીથી શરૂ થતી શિયાળાની ઠંડીમાં સખત ઠંડી અને હિમવર્ષાનું વાતાવરણ લગભગ છ મહિના સુધી રહે છે. જીવન જીવવાની પ્રતિકુળ આવી જગ્યામાં કેદરનાથ ધામ એક ચમત્કારથી વિશેષ કંઇ નથી. હજારો વર્ષ જુની સનાતની પરંપરાના આવા શ્રધ્ધાના પરમધામો પણ પૌરાણિક હોવાના પ્રમાણો સાથે વિજ્ઞાન પણ ના પહોંચી શકે એવા અવિશ્વસનીય અદ્‌ભૂત રહસ્યો સાથે અડીખમ સાક્ષી બની ઊભા છે.

બાબા કેદારનાથ એ દ્વાદશ જયોતિર્લિંગમાંનુ એક જયોતિર્લિંગ છે. જયોતિર્લિંગ હોય છે ત્યારે તેની પૌરાણિક ધાર્મિક કથાઓ આપણા વેદ-પુરાણોમાં અવશ્ય જોવા મળે છે. મહાભારતના યુદ્ધ પછી પાંડવ બંધુઓ તેના ગોત્ર-બંધુઓની હત્યાથી અને ગુરૂજનોની હત્યાના પાપમાંથી મુકિત મેળવવા મહર્ષિ વ્યાસજી પાસે જઇ ઉપાય સૂચવવા વિનંતી કરી ત્યારે વ્યાસજીએ કહ્યું કે આવા કોઇ પાપમાંથી મુકિત મળે તેવું નિવારણ શાસ્ત્રોમાં તો કયાય નથી પણ ભગવાન શિવજીને શરણે જાઓ તો એ ભોળોનાથ તમને આવા પાપોમાંથી મુકિત અપાવે. આ કથા સ્કન્દ પુરાણના કેદારખંડના પ્રથમ ભાગના 40 માં અધ્યાયમાં જેાવા મળે છે.

ગુપ્તકાશીમાં ભગવાન શિવજી નિવાસ કરતા હોવાની ખબર પડતા પાંડવો ગુપ્તકાશી પહોંચ્યા. જોકે પાંડવોના દ્વારા ધર્મયુદ્ધમાં થયેલ ગોત્રબંધુઓની હત્યા તો આખરે હત્યા જ હતી તેથી શિવજી પણ કોપાયમાન હતા અને પાંડવોને મળવા નહોતા માંગતા તેથી ગુપ્તમાર્ગે કેદારશ્રૃંગ પર પહોંચી ગયા. પાંડવોને ખબર પડી કે શિવજી ગુપ્ત કાશીથી નિકળી હિમાલયના કેદારશ્રૃંગ પર ચાલ્યા ગયા છે તો તેઓ ભલે હિમાલયે હાડ ગળી જાય પણ હિમાલય પર જવું જ છે એવા નિર્ધાર સાથે કેદારેશ્વર પહોંચ્યા. શિવજીને ખબર પડી કે પાંડવો અહીં પણ આવી ગયા છે તેથી નંદીનું સ્વરૂપ ધારણ કરી જમીન ખોતરી ધરતીમાં સંતાઇ જવા લાગ્યાં ત્યારે જ પહોંચેલા પાંડવોએ ધરતીમા છુપાવવા જતા નંદીની ખૂંધ પકડીને શિવજીને પ્રાર્થના કરવા લાગ્યા.

અંતે શિવજીએ પ્રગટ થઇને તેઓને સર્વ પાપ-મુકત કર્યા હોવાનું વરદાન આપી સ્વર્ગ પ્રવેશનો માર્ગ મોકળો કરી આપ્યો. પાંડવોએ નંદીની ખૂંધ પકડી હતી તે આકારનું કેદારેશ્વરમાં શિવલિંગ છે. કેદારેશ્વરમાં પાંડવોના પ્રપૌત્ર જન્મજયે આ શિવલિંગ પર મંદિરનું સ્થાપત્ય કરાવ્યું હોવાનું પુરાણો કહે છે. અન્ય એક કથામાં ભગવાન વિષ્ણુના અવતાર ગણાતા મહાતપસ્વી નર અને નારાયણે હિમાલયના કેદાર શ્રૃંગ પર ભગવાન શિવની તપસ્યા કરી હતી તેની આકરી તપસ્યાથી પ્રસન્ન થઇ ભગવાન શિવજી પ્રગટ થઇ દર્શન દીધા અને નર-નારાયણની પ્રાર્થનાથી જયોતિર્લિંગ સ્વરૂપે સદા અહીં નિવાસ કર્યો હોવાનું પુરાણોકત વિધાનો દ્વારા જાણવા મળે છે.

પુરાણોકત આ કથાના દૌરને આગળ જોડતા વિદ્વાનો એવું કહે છે કે પાંડવો દ્વારા નિર્મિત મંદિર સમય સાથે જીર્ણ થઇ ગયું હતું આઠમી સદીમાં થઇ ગયેલા શંકરાચાર્યએ ભારતમાં ચારેય દિશામાં ધર્મ મઠોની સ્થાપના કરી માત્ર 32 વર્ષથી અહીં આવીને મંદિરનું પુન:નિર્માણ કરાવ્યું હતું. મંદિરના નિર્માણ બાદ આ સ્થળે જ સમાધિ લીધી હતી. અગિયારમી સદીમાં માળવાના રાજા ભોજે સન 1076 થી 1099 દરમ્યાન આ મંદિરનો જીર્ણોધ્ધાર કરી નવનિર્માણ કરાવેલું.

આ મંદિરના અદ્‌ભુત નિર્માણ અંગે આધુનિક યુગના સ્થાપત્યકારોનું વિજ્ઞાની-જ્ઞાન પણ પામી નથી શકયું કે આટલી ઉંચાઇ પર કે જ્યાં પથ્થરોની ખાણ નથી તેવી જગ્યાએ વિશાળ ભૂખરા પથ્થરો કેવી રીતે પહોંચાડયા હશે. ખાસ બાબત તો એવી છે કે 1000 કરતાં વધુ વર્ષોથી વિષમ વાતાવરણમાં કેદારેશ્વરની અખંડિતતા કેવી રીતે જળવાઇ રહી છે!!? સામાન્ય રીતે મંદિરો પૂર્વ-પશ્ચિમ દિશા નકકી કરી નિર્માણ થતા હોય છે પણ ત્યારે સ્થાપત્યકારોએ વાતાવરણનો અભ્યાસ કરી ઉત્તર-દક્ષિણે આ મંદિરનું નિર્માણ કર્યું છે.

ઇંટ – સિમેન્ટ વગર પથ્થરો તરાસી એક-બીજામાં જોડીને 6 ફૂટ ઉંચા ચબુતરા ઉપર 187 ફૂટ લાંબુ, 80 ફૂટ પહોળું અને 85 ફૂટ ઊંચા મંદિરનું નિર્માણ કરાયું છે. મજબુતાઇ માટે દિવાલોની પહોળાઇ 12 ફૂટની રખાઇ છે. ઇતિહાસકારો કહે છે કે 14 મી સદીના મધ્યકાળમાં હિમ ગ્લેશીયર દરમ્યાન આખુ મંદિર દબાઇ ગયું હતું તે છેક 400 વર્ષ પછી સન 1748 માં ફરી બહાર કાઢવામાં આવેલ. દહેરાદૂનની વાડિયા ઇન્સ્ટિટયુટ ઓફ જીઓલોજીના નિષ્ણાંતોએ મંદિરની અને પથ્થરોની ચકાસણી ‘લિગ્નોમેટ્રિક ડેટિંગ’ દ્વારા કરાતા તે પરિક્ષણના આધારે પ્રમાણ પણ આપ્યું છે કે 14મીથી 17મી સદી સુધી આ મંદિર બરફ નીચે દટાયેલું રહેલું.

છતાં મંદિરના નિર્માણને કયાંય કશુ નુકસાન નહોતું થયું. 2013માં કેદારનાથમાં આવેલ વિનાશક પુર તો હમણાંનો જ બનાવ છે અને સૌ જાણે છે કે ત્યાં આધુનિક બાંધકામોની હોટલો-ઘરોની ઇમારતો સઘળુ ધ્વંશ થઇ પારાવાર નુકશાન થયું હતું. સરકારી આંકડા મુજબ આ પુરમાં 5748 લોકોએ જાન ગુમાવ્યા હતાં તો 4200 જેટલાં ગામોને પુષ્કળ પ્રમાણમાં વિવિધ પ્રકારનું નુકસાન થયું હતું. પણ એક હજારથી વધુ વર્ષ પહેલાનાં આ કેદારનાથ ધામ મંદિરને  જરા પણ નુકસાન નહોતું થયું એને શ્રધ્ધાળુઓ એક ચમત્કાર જ ગણે છે. આર્કિયોલોજિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા અને IIIT મદ્રાસ દ્વારા આ હોનારત પછી આધુનિક રીતે મંદિરનું પરિક્ષણ કર્યા પછી સંપૂર્ણ  સુરક્ષિત અને મજબૂત હોવાનું પ્રમાણ આપ્યું હતું.

કેદારનાથ ધામ એ ચાર ધામ યાત્રામાંનું એક ધામ છે. દિવાળીના બીજા દિવસથી મંદિર 6 મહિના માટે બંધ કરીને ભગવાનના વિગ્રહ અને દંડ 6 મહિના માટે પહાડીઓની નીચે લાવી ઉખીમઠ ખાતે લઇ જવાય છે. ત્યાં વિધિ અનુસાર સવાર-સાંજ પૂજા કરાય છે. 6 મહિના પછી એપ્રિલના અંતમાં કે મે મહિનાની શરૂઆતમાં મંદિરના કપાટ ખૂલે છે. ત્યારે ઉત્તરાખંડની યાત્રા શરૂ થાય છે. આશ્ચર્યની વાત એ છે કે છ મહિના દરમ્યાન કેદારેશ્વર મંદિરની આસપાસ કોઇ રહેતું નહિ હોવા છતાં ત્યાં પ્રકટાવેલ દીવો 6 મહિના સુધી પ્રજજવલિત જ રહે છે અને મંદિરના કપાટ ખૂલતાં રોજ થતી સફાઇ જેટલી સ્વચ્છતા જોવા મળે છે. અહીં સવારની પૂજામાં સ્નાનાદિ પછી ઘીના અભિષેક કરાય છે. મંત્ર જાપ સાથે દીવાઓની આરતી કરાય છે. આ સમયે યાત્રીઓને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશવાની છૂટ હોય છે. જેથી શિવલિંગને સ્પર્શીને કે બાથ ભરીને ભેટી શકો. રોજ સવારે 7 વાગે દર્શન માટે કપાટ ખુલે છે જેમાં ભગવાન શિવજીની પૂજાના ક્રમે પ્રાત: શિવપૂજન, અભિષેક, મહાઅભિષેક પૂજા, લઘુ રૂદ્રાભિષેક પૂજા, ષોડશોપચાર પૂજા, અષ્ટોપચાર પૂજા, સંપૂર્ણ આરતી, ગણેશ પૂજા, પાંડવપૂજા, ભૈરવપૂજા તેમજ શિવસહસ્ત્રનામ પૂજા વગેરે પૂજાકાર્યો ચાલતા હોય છે જેમાં ભાગ લેવા ઇચ્છુકો મંદિરના કાર્યાલયમાં નામ લખાવી લાભ લઇ શકતા હોય છે.

ઋષિકેશ – હરિદ્વારથી કેદારનાથ 230 કિ.મી. દૂર છે. કેદારનાથ હિમ શિખરોથી નીચે ગૌરીકુંડ સુધી પહોંચવા માટે ઋષિકેશથી ગૌરીકુંડ સુધી 216 કિ.મી. કાપવા માટે રાજય સરકારની બસો, પ્રાઇવેટ બસ, કાર, ટેકસીની સુવિધા છે. ગૌરીકુંડથી 16 કિ.મી.નો રસ્તો કઠીન છે. તમે શારીરિક સશકત હોવ તો ચાલતા જઇ શકાય છે એ સિવાય ડોલી, પાલખી અને ઘોડા પર જઇને કેદારનાથ સુધી પહોંચી શકાય છે.  હવે તો હેલિકોપ્ટરની સુવિધા પણ છે. શટલ જર્નીમાં આવવા જવાના પાંચ હજાર ખર્ચો તો બાબાના દર્શન વિના મુશ્કેલીથી થઇ શકે છે.

પણ યાત્રાનો ખરો આનંદ આ 16 કિ.મી.ની યાત્રાનો જ છે. સુરક્ષા માટે ભારતીય આર્મીના જવાનો તૈનાતમાં હોય છે તો રસ્તામાં સેવાભાવી સંસ્થાઓ અને સરકારી વિશ્રામસ્થળો પર ચા-પાણી અને નાસ્તાની સુવિધા ઊભી કરાય છે. ચાલતા જનારા માટે સરકાર દ્વારા હવે મસાજ સેવા પણ ઉપલબ્ધ કરાવાઇ છે. કેદારનાથ મંદિર પરિસર અને આજુબાજુ સરકાર દ્વારા રિવોનેશન કરાવાયા બાદ અનેક સુવિધાઓ વધારાઇ છે. ગત વર્ષે શંકરાચાર્યની બેઠેલી મુદ્રાની મૂર્તિનું વડાપ્રધાન મોદીજીના હસ્તે અહીં પ્રસ્થાપન કરાયું છે. 13 ફૂટની ઊંચી અને 35 ટનની આ મૂર્તિ બેંગ્લોરના મૂર્તકાર યોગીરાજે એક વર્ષ દરમ્યાન રોજ 14 કલાક કામ કરીને બનાવી છે. વર્તમાન સરકારની યાત્રાધામોને સગવડદાયી બનાવવાની નીતિથી શ્રધ્ધાળુઓને લાંબી અને કઠીન યાત્રાઓ હવે સરળ લાગવા લાગી છે.

Most Popular

To Top