Entertainment

કંગનાની કારકિર્દીમાં ‘ધાકડ’ થી કટોકટી ઊભી થઇ નથી?

જે કંગના રનોતનો રિયાલિટી શો ‘લોક અપ’ OTT પર સફળ રહ્યો હતો તેની નવી ફિલ્મ ‘ધાકડ’ નો કોઇ લેવાલ નથી. એક્તા કપૂર નિર્મિત એકમાત્ર ‘લોક અપ’ નો ભારતીય OTT પર 19 દિવસમાં 10 કરોડ વ્યૂઝનો રેકોર્ડ બન્યો હતો ત્યારે ફિલ્મ ‘ધાકડ’ ને ખરીદવા કોઇ OTT પ્લેટફોર્મ રસ બતાવી રહ્યું નથી. સામાન્ય રીતે ફિલ્મને થિયેટરમાં રજૂ કરવામાં આવે એ પહેલાં જ તેના સેટેલાઇટ અને OTT અધિકાર વેચાઇ જાય છે. ‘ધાકડ’ ના કિસ્સામાં રજૂઆત પછી નિષ્ફળતાને કારણે વધુ મુશ્કેલી આવી રહી છે. નિર્માતાને એટલો બધો વિશ્વાસ હતો કે થિયેટરોમાં રજૂ થયા પછી ફિલ્મ સારી ચાલશે અને વધુ કિંમત મેળવી શકાશે. કેમ કે ફિલ્મોનો નફાનો મોટો ભાગ OTT અધિકારમાંથી જ મળતો હોય છે. હવે સારી કિંમત તો દૂરની વાત છે પણ એના અધિકાર જલદી વેચાશે કે કેમ એ પ્રશ્ન છે.

ફિલ્મને પહેલા અઠવાડિયે થિયેટરોમાં માત્ર રૂ.4 કરોડની જ આવક થઇ છે. અને આઠમા દિવસે માત્ર 20 ટિકિટ વેચાઇ હતી. અત્યાર સુધી કંગનાની કોઇ ફિલ્મ આટલી ખરાબ રીતે બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી નથી. ખુદ કંગનાએ આવી હાલતની કલ્પના કરી નહીં હોય. ફિલ્મને બે દિવસ પછી સિંગલ સ્ક્રીન અને મલ્ટીપ્લેક્સમાંથી ઉતારી લેવાની નોબત આવી હતી. અલબત્ત આ માટે માત્ર કંગનાને જવાબદાર માનવામાં આવતી નથી. સ્પાય થ્રિલર ફિલ્મ ‘ધાકડ’ નું રજનીશ ઘઇનું નિર્દેશન સારું ન હતું અને એને કાર્તિક આર્યનની હોરર- કોમેડી ‘ભુલભુલૈયા 2’ સાથે રજૂ કરવાની ભૂલ થઇ હતી. કાર્તિકની ‘ભુલભુલૈયા 2’ રૂ.100 કરોડની ક્લબમાં આવી ગઇ છે ત્યારે રૂ.100 કરોડના ખર્ચે તૈયાર થયેલી ‘ધાકડ’ ની કુલ આવક રૂ.5 કરોડથી ઓછી નોંધાઇ છે.

‘ધાકડ’ બોક્સ ઓફિસ પર ધડામ કરીને પડ્યા પછી કંગનાની કારકિર્દી ખતમ થઇ રહી હોવાની વાત ચાલી છે. પરંતુ સમીક્ષકો માને છે કે દરેક કલાકારની કારકિર્દીમાં આવા તબક્કા આવતા જ હોય છે. કંગના એક સશક્ત અને હિંમતવાન અભિનેત્રી હોવાથી નિષ્ફળતાઓને ભૂલાવીને ફરી પોતાનું સ્થાન બનાવી શકે છે. કંગનાએ ‘ધાકડ’ ને કારણે કારકિર્દીમાં કોઇ કટોકટી ઊભી થઇ ન હોવાનું સાબિત કરવા પોતાની નવી ફિલ્મ ‘ઇમરજન્સી’ નું શૂટિંગ શરૂ થઇ રહ્યાની જાહેરાત કરી દીધી છે. આ ફિલ્મમાં તે ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવવા સાથે નિર્દેશન પણ કરે એવી શક્યતા છે.

ધનુષનું ધ્યાન બોલિવૂડ પછી હોલિવૂડ પર છે!
ક્ષિણના ધનુષને બોલિવૂડમાં હજુ સુધી મોટી સફળતા મળી નથી ત્યારે હોલિવૂડ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પણ ધનુષની પહેલી અંગ્રેજી ફિલ્મ ‘ધ ગ્રે મેન’ નું ટ્રેલર રજૂ થયા પછી તેના ચાહકોને ખાસ આનંદ થયો નથી કેમ કે રુસો બ્રધર્સની આ ફિલ્મમાં આંતરરાષ્ટ્રીય કલાકારો સાથે ધનુષની ભૂમિકાની નામ માત્રની ઝલક છે. ધનુષને રેન અને ક્રિસની ફિલ્મના ટ્રેલરમાં એટલું ઓછું મહત્ત્વ આપવામાં આવ્યું છે કે આંખનો પલકારો માર્યો હોય તો એનું એક્શન દ્રશ્ય જોવાનું ચૂકી જવાય એમ છે. તેને હોલિવૂડના અભિનેતા સામે ટક્કર લેતો બતાવ્યો છે પરંતુ અત્યાર સુધી બોલિવૂડની અનેક હીરોઇનોએ હોલિવૂડની ફિલ્મો કરી છે એમને સારો અનુભવ રહ્યો નથી. અત્યારે એક અંગ્રેજી શોમાં કામ કરતી પ્રિયંકા ચોપડા- જોનસ આ ફિલ્મના પ્રચારમાં તેની મદદ કરી રહી છે. રુસો બ્રધર્સે પણ પોતે ધનુષના ચાહક હોવાનું કહ્યું છે. ધનુષને ભારતીય જ નહીં દક્ષિણના દર્શકોને ખેંચી લાવવા ફિલ્મમાં રાખવામાં આવ્યો હોવાનું કહેવાય છે. ધનુષની આ ફિલ્મ 15 જુલાઇએ થિયેટરોમાં અને 22 જુલાઇએ નેટફ્લિક્સ પર રજૂ થવાની હોવાથી વધુ દર્શકો મળી શકે છે. આ અગાઉ ધનુષની સતત ત્રણ ફિલ્મો OTT પર રજૂ થઇ ચૂકી છે. એમાં અક્ષયકુમાર સાથેની હિન્દી ‘અતરંગી રે’ પણ હતી. જેમાં ધનુષના અભિનયના વખાણ થયા હતા. તેને હમણાં વધુ એક હિન્દી ફિલ્મ મળી છે ત્યારે તેનું ધ્યેય હોલિવૂડમાં સફળતાનું પણ છે. ‘ધ ગ્રે મેન’ ને કારણે ધનુષની ત્રણ હીરોઇનો સાથેની તમિલ ફિલ્મ ‘થિરુચિત્રમબલમ’ ને હવે 28 જુલાઇએ થિયેટરોમાં રજૂ કરવાની જાહેરાત થઇ છે. ધનુષ દક્ષિણમાં એકસાથે 4 ફિલ્મો કરી રહ્યો છે પરંતુ હવે તે દક્ષિણની ફિલ્મો ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તર પર નામ કમાવવા માગે છે. ધનુષની અતિવ્યસ્ત જિંદગીને કારણે પારિવારિક જીવનને અસર થઇ છે. તેણે 18 વર્ષના લગ્નજીવન પછી પત્ની ઐશ્વર્યાથી છૂટાછેડા લેવાના કરેલા નિર્ણયને કારણે બધાંને નવાઇ લાગી હતી. હમણાં રજનીકાંતની પુત્રી ઐશ્વર્યાના નિર્દેશનમાં નવું ગીત ‘પયાની’ બહાર આવ્યું ત્યારે ધનુષે અભિનંદન આપ્યા હતા. આ ગીતને હિન્દીમાં અંકિત તિવારીના અવાજમાં રજૂ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top