Comments

યાસીનનો ચુકાદો: ઉગ્રવાદીઓને લાલબત્તી

નેશનલ ઇન્વેસ્ટીગેટિવ એજન્સીની એક ખાસ અદાલતે જમ્મુ – કાશ્મીર મુકિત મોરચાના નેતા યાસિન મલિકને આજીવન કેદની સજા કરી. તેની સામે ત્રાસવાદી પ્રવૃત્તિઓ માટે ભંડોળ આપવાના અને રાષ્ટ્ર સામે યુદ્ધ છેડવાના તહોમત હતા. જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનપ્રેરિત ત્રાસવાદ સામેની ભારતની લડાઇમાં આ એક મહત્ત્વનું સીમાચિહ્ન છે. જમ્મુ-કાશ્મીરના ત્રાસવાદ સામે કેન્દ્ર સરકારે મજબૂત વલણ અપનાવ્યું હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. એક ટોચના અલગતાવાદીને ગુનેગાર ઠેરવાયા હોય તેવા ત્રાસવાદ માટે ભંડોળનો પણ આ પ્રથમ કિસ્સો છે. પણ તેનાથી કાશ્મીરી પંડિતોને ન્યાય મળશે? ૧૯૯૦ ની હિજરત દરમ્યાન પોતાનાં પરિવારજનોને ગુમાવનાર કાશ્મીરી પંડિતોનાં સ્વજનોને યાસિન મલિકને સજા થવાથી સાંત્વન મળશે?

કદાચ નહીં, એ સમયગાળાની કરુણતા એ છે કે ત્યારે આચરાયેલા કોઇ ગુના માટે પોલીસે મુકદ્દમો નોંધાવ્યો નથી. આ ઉપરાંત સુરક્ષા દળોના હાથે પણ માર્યા ગયેલા તમામ નાગરિકોનાં મૃત્યુની તપાસ માટે વધુ મોટા પ્રમાણમાં વ્યવસ્થા નહીં થાય તો આ હત્યાઓની કોઇ પણ ઉચ્ચ સ્તરીય તપાસની માંગનો  સ્થાનિક રાજકારણીઓ વિરોધ કરે છે. આજની તારીખે ૮૦૦ પંડિત પરિવારો કાશ્મીરમાં વસે છે અને પોતાની સુરક્ષા માટે સંઘર્ષ કરે છે. ‘કાશ્મીરી પંડિતો માટે અમે સમર્પિત છીએ’ એવું બધા કહે છે, પણ પંડિતો પર છૂટાછવાયા હુમલા થાય છે, પરિણામે તેમને ખીણમાં વસાવવાની કોઇ પણ શકયતાનો છેદ ઊડી જાય છે.

તા. ૧૧ મી માર્ચે વિવેક અગ્નિહોત્રી દિગ્દર્શિત ફિલ્મ ‘કાશ્મીર ફાઇલ્સ’ સિનેમાઘરોમાં રજૂ થતાંની સાથે ૧૯૯૦ ની હિજરતના મામલે નવેસરથી ગરમાગરમ ચર્ચા શરૂ થઇ, પણ આ કાશ્મીરી પંડિતોના હત્યાકાંડના કરનારાઓને ન્યાયની દેવડીમાં કઇ રીતે લાવી શકાય તેની તપાસ કરવાનું તેઓ ભૂલી ગયા છે. હા, આ ફિલ્મે દેશના આત્માને હચમચાવી દીધો છે. પણ પછી શું! અલબત્ત, આ ફિલ્મે જે આક્રોશ જગાવ્યો તેને પગલે કાશ્મીરી પંડિતોની સંસ્થા ‘હ્‌ટસ ઇન કાશ્મીર’ એ કાશ્મીરી પંડિતોની હત્યાની નવેસરથી તપાસ માંગતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી લાંબો સમય વીતી ગયો હોવાથી તપાસ માટેની આવાં સંગઠનોની અરજીને રદ કરતા સુપ્રીમ કોર્ટના ૨૦૧૭ ના ચુકાદા સામે આ કયુરેટિવ અરજી કરવામાં આવી હતી.

ધારણા મુજબ  જ યાસિન મલિકને ગુનેગાર ઠેરવતા ચુકાદા સામે કાશ્મીરની ખીણના નેશનલ કોન્ફરંસ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી સહિતના જૂથ ગુપિકારે વિરોધ કરી જણાવ્યું છે કે યાસિન મલિકને અન્યાય થયો છે. કાશ્મીરને વિશિષ્ટ દરજજો આપી અલગતાવાદી આગને હવા આપતી બંધારણની કલમ રદ કરવાના પગલાંને  નહીં સ્વીકારી શકનાર કેટલાક વિરોધપક્ષો પણ વ્યથિત છે. આ વિપક્ષે જાહેર કર્યું છે કે સદરહુ ચુકાદાથી કાશ્મીરમાં શાંતિ નહીં સ્થપાય બલ્કે વધુ અજંપાની શકયતા છે. સ્થાનિક પ્રજા માટે વીર બની ગયેલા બુરહાન વાની અને મકબૂલ ભાટ તેવા યુવા ઉદ્દામવાદીઓના ઉદયને પણ તેઓ ટાંકે છે.

ત્રાસવાદીઓને પૈસા આપવાના મામલે મજબૂત પગલાં લેવાવાં જોઇએ એવા મોદી સરકારના નિર્ણય પછી જ યાસીન મલિક સામે ત્રાસવાદીઓ માટે  ભંડોળ એકત્ર કરવાના મામલે નેશનલ ઇન્વેસ્ટીગેટિવ એજન્સીએ તપાસ શરૂ કરી હતી. નેશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સીએ અદાલતમાં જ સાબિત કર્યું હતું કે યાસીને લશ્કર-એ- તૈબાના વડા હાફીઝ સૈયદ પાસેથી પૈસા લઇ ખીણમાં સક્રિય ત્રાસવાદી જૂથોને આપ્યા હતા. આ પૈસા લશ્કર પર પથ્થરમારો કરનારને અપાયા હતા તેમ જ સુરક્ષા દળ પર પણ પથ્થર ફેંકવા અપાયા હતા અને નકકી કરેલી હત્યા માટે અપાયા હતા. એજન્સીએ યાસીનને દિલ્હીમાં પાકિસ્તાનની એલચી કચેરીમાં કેવા સંપર્કો હતા તેના પણ દસ્તાવેજી પુરાવા આપ્યા હતા તથા  મલિકે હડપ કરેલી મિલ્કતના પુરાવા પણ આપ્યા હતા અને ખાસ અદાલતે રૂા. દસ લાખનો દંડ કર્યો તેનું પણ એક કારણ છે.

નેશનલ ઇન્વેસ્ટીગેટિવ એજન્સીએ ખીણમાં કાશ્મીરી પંડિતોની નૃશંસ હત્યા અને હિજરતમાં યાસીનની ભૂમિકા દર્શાવી હોવા છતાં કોર્ટે કહ્યું કે અહીં ત્રાસવાદ ને ભંડોળનો મામલો લાવવામાં આવ્યો છે, કાશ્મીરી પંડિતો સામેના જુલ્મોમાં તેની ભૂમિકાનો નહીં. વળી સુપ્રીમ કોર્ટે ‘રેરેસ્ટ ઓફ ધી રેર’ ગુનાઓ માટે જે કસોટી નકકી કરી છે તે મુજબ ગુના આચરાયા નથી તેથી આરોપીને મોતની સજા આપી શકાય નહીં?

યાસીન મલિક સામાન્ય ઉદ્દામવાદી નેતા નથી. ત્રાસવાદી હુમલા કરવા શસ્ત્રોની તાલીમ લેવા તે પાકિસ્તાન ગયો હતો અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફતીની બહેન અને કેન્દ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન મુફતી મોહમ્મદ સૈયદની દીકરી રૂબિયાનું અપહરણ પણ યાસીને જ કરાવ્યું હતું તેમ જ ૧૯૯૦ ના જાન્યુઆરીમાં ભારતીય હવાઇ દળના એક કર્મચારી પર હુમલામાં પણ તેનો હાથ હતો અને યાસીન પોતે કેદમાંથી બહાર આવતાં પોતે ગાંધીવાદી હોવાનું જ રટણ કરતો હતો.

કેન્દ્રની ભૂતપૂર્વ સરકારે તેની સાથે વ્યવહાર કરવામાં ભૂલો કરી હતી અને યાસીને ત્રાસવાદી પ્રવૃત્તિઓ માટે પૈસા આપવા ચાલુ રાખ્યું હતું. યાસીનને કસૂરવાર ઠેરવાય તેમાં પાકિસ્તાનને તો પેટમાં દુ:ખે જ એમાં કોઇ નવાઇ નથી, પણ ભારતમાં પણ પાકિસ્તાનના તાલ પર નાચતા મહેબૂબાએ ટેકો આપ્યો હતો. યાસીનનો ચુકાદો બંદૂકની શકિતમાં માનનાર લોકો માટે જોરદાર સંદેશ છે. તેને કારણે કાશ્મીરમાં કયામતની આગાહી કરાતી હોવા છતાં મોદી સરકાર પોતાના અભિગમમાં મકકમ છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top