Dakshin Gujarat

એક પથ્થર માટે ભરૂચના દેસાઈ પરિવારે અંગ્રેજ સલ્તનત સામે મોરચો માંડ્યો હતો, વીસ વર્ષે કેસ જિત્યા

ભરૂચ: “ભાંગ્યું ભાંગ્યું તોયે ભરૂચ”થી ઐતિહાસિક નગરીથી પ્રચલિત છે. ભૂતકાળમાં કાશી (Kashi) બાદ સૌથી જૂના નગર તરીકે ભરૂચને (Bharuch) ઓળખવામાં આવે છે. ફેંચ ઈતિહાસકાર સંશોધક ડો.માઈકલ રાકોટોઝોનિયા અને ડો.સારા કેલરે પોતાના સંશોધનમાં લગભગ ૨૦૦૦ વર્ષ પહેલાં ભરૂચ એ ભારતનું દુબઈ (Dubai) ગણાતું હતું. જો કે, આમેય ભરૂચમાં સોનાના નામે ત્રણ વસ્તુ ખૂબ પ્રખ્યાત છે. ગોલ્ડન બ્રિજ, સોનેરી મહેલ અને સોનાનો પથ્થર, નર્મદા નદી ઉપરનો મજબૂત બ્રિજ સોનાનો પુલ એટલે કે ગોલ્ડન બ્રિજ તરીકે ઓળખાય છે. જૂના ભરૂચના એક સમયના જાહોજલાલીવાળો વિસ્તાર સોનેરી મહેલ તરીકે નામના ધરાવે છે. જ્યારે આ તમામની સાથે એક પથ્થર છે. જે સોનાના પથ્થર તરીકે ઓળખાય છે. જો કે, આ પથ્થર ખરા અર્થમાં સોનાનો નથી. છતાં તેને કેમ સોનાના પથ્થર તરીકે ઓળખવામાં આવે છે એ અંગ્રેજ સલ્તનત માટે લડતનો મુદ્દો બની ગયો હતો.

  • ભરૂચ નગરમાં સોનાના પથ્થરની ઓળખાણ
  • પથ્થર હકીકતમાં સોનાનો નથી છતાં તેની “સોનાના પથ્થર” તરીકે પહેચાન બની ગઈ

મૂળ તો વર્ષ-૧૮૭૦માં ચુનારવાડાથી જૂના બજાર સુધી જવા માટે અંગ્રેજોએ રસ્તો બનાવ્યો. જે દેસાઇજી પરિવારના જૂના ઘર સુધી આવ્યો. જે રસ્તાને લાલ બજાર લઇ જવો હોય તો દેસાઇજીની હવેલીનો કેટલોક હિસ્સો પાલિકાએ લેવો પડે. એ સમયે દેસાઈ પરિવારે એકપણ રૂપિયો લીધા વગર કેટલીક જગ્યા સરકારને આપી હતી. હવે વાત આવે છે આ પથ્થરની. રસ્તો બનાવવા હવેલીની ખાનગી જગ્યા તો સરકારને આપી, પણ ત્યાંથી વાહન વ્યવહાર પસાર થતાં અને લોકોની અવરજવર શરૂ થતાં દેસાઇ પરિવારને લાગ્યું કે, હવેલીના ખૂણાના ભાગને નુકસાન થઇ શકે છે. જેથી દેસાઇ પરિવારે એક મોટો પથ્થર ત્યાં ઊભો કરી દીધો. પરંતુ સરકારને આ પથ્થર નડતરરૂપ લાગતાં દેસાઇ પરિવારને આ પથ્થર હટાવવા એક નોટિસ આપી, પણ હવેલીના રહેવાસીઓએ સાફ શબ્દોમાં ના પાડી.

પથ્થર હટાવવાનો ઇન્કાર કરતાં આ મુદ્દે કોર્ટમાં કેસ ચાલ્યો, જે કેસ શરૂઆતમાં ભરૂચ શહેરમાં ચાલ્યો પણ દેસાઇ પરિવાર આ કેસ પહેલાં તો હારી ગયો. ત્યારબાદ હાર ન માનતાં દેસાઈ પરિવારના કલ્યાણરાય દેસાઈ તથા તેમનો પરિવાર બ્રિટિશ કોર્ટમાં ગયા. જ્યાં વર્ષ-૧૮૭૫થી ૧૮૯૫ સુધી એટલે કે ૨૦ વર્ષ જેટલો સમય કેસ ચાલ્યા બાદ આખરે દેસાઇ પરિવારની જીત થઇ.

દેસાઈ પરિવારને પથ્થર ન હટાવવાનો કેસ લડવામાં ‘સોનાના પથ્થર’ જેટલો ખર્ચ થયો
જો કે, આ પથ્થર એક સાદો છે, પણ તે સોનાનો એટલે થઇ ગયો કે, આ પથ્થરને ત્યાંથી ન હટાવવા પાછળ દેસાઇ પરિવારને એટલો ખર્ચ થયો કે તે ખર્ચની રકમમાં સોનાનો પથ્થર બની જાય. ત્યારથી આ પથ્થર સોનાના પથ્થર તરીકે ઓળખાવા લાગ્યો છે. આજે પણ આ પથ્થર આ જ સ્થળે સ્થાપિત છે. તાજેતરમાં હેરિટેજ વોક શરૂ કરવામાં આવી, જેમાં આ પથ્થરનો સમાવેશ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા પણ આ પથ્થરને ઐતિહાસિક ધરોહર તરીકે જાહેર કરી તેની જાળવણી કરવામાં આવી રહી છે, પરંતુ હાલ પાછલા કેટલાક સમયથી આ ઐતિહાસિક ધરોહરની આસપાસ કચરો અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જે અંગે સ્થાનિક રહીશોમાં ભારોભાર નારાજગી છે.

Most Popular

To Top