Dakshin Gujarat

કડોદરાના વેપારીએ ઉછીના રૂપિયા પરત માંગતાં ૩ ઇસમનો લોખંડના સળિયાથી હુમલો

પલસાણા: કડોદરા (Kadodara) નગ૨માં રહેતા અને ચલથાણ ગામે ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવતા બે ભાઇએ અન્ય ઇસમોને ઉછીના રૂપિયા આપ્યા હતા. જે રૂપિયા પરત માંગતાં ૩ ઇસમે ઉશ્કેરાઇ જઇ લોખંડના સળિયા તેમજ લાકડાના દંડા વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં કડોદરા પોલીસમથકે (Police) ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કડોદરા નગરના સાંઇ આશીર્વાદમાં રહેતા દીપકસીંગ સૂરજસીંગ ધાકડ (ઉં.વ.26) તેમજ તેમના મોટા ભાઇ રાજુલાલ તેમના સંયુક્ત પરિવારમાં રહેતા હતા. અને પલસાણાના ચલથાણ ગામે રાજ કેમિકલ તથા ઇલેક્ટ્રિક સર્વિસની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

ઇજાગ્રસ્ત બંને ભાઇઓને હોસ્પિટલમાં ખસેડાયા
દરમિયાન રાજુલાલો સુરતના કુંભારિયામાં રહેતા રામ અવતાર જગદીશપ્રસાદ તેમજ તેજબહાદુર ધાકડ અને સૂરજ ધાકડને અગાઉ રૂપિયા આપ્યા હતા. જે નાણાં રાજુલાલે પરત માંગ્યા હતા. આ વાતથી ગુસ્સે થયેલા ત્રણે ઈસમે બંને ભાઇને ગતરોજ ચલથાણથી દુકાન બંધ કરી સાંજે તેમના ઘરે પહોંચી સાંઇ આશીર્વાદના પાર્કિંગમાં તેમની બાઇક પાર્ક કરતા હતા, ત્યારે રામઅવતાર, તેજબહાદુ૨ તેમજ સંજયે લોખંડના સળિયા અને પાવડાના હાથા વડે બંને ભાઇને માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત બંને ભાઇઓને ત્યાં હાજર લોકોએ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેઓને હાથ તેમજ પગના ભાગે ફેક્ચર હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. આ ઘટના અંગે કડોદરા પોલીસે ત્રણેય ઇસમ વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કામરેજ ચાર રસ્તા ખાતે જમીનના સોદા બાબતે ગેરેજ ચલાવતા ઈસમ પર હુમલો
કામરેજ: મૂળ ભાવનગરના વતની અને હાલ નાના વરાછા કારગિલ ચોક ખાતે બાલકૃષ્ણ સોસાયટીમાં મકાન નં.39માં કેયુર પ્રકાશ અજાણી રહે છે. સીમાડા નાકા પાસે અનિલગીરી ગૌસ્વામી સાથે ભાગીદારીમાં ફોર વ્હીલ કારનું ગેરેજ ચલાવે છે. બે દિવસ અગાઉ મિત્ર મેહુલ મારડિયા સાથે કામરેજ ખાતે રાજુ કસોટિયા અને ભુરા સાટિયા સાથે જમીનનો સોદો કર્યો હતો. આ બાબતે મેહુલ સાથે કામરેજથી કોળી ભરથાણા જતા રોડ પર મળવા માટે બોલાવ્યા હતા. જમીનના સોદા બાબતે મીટિંગ કરી કોરા કાગળમાં સહી કરાવી હતી. ગુરુવારે રાત્રિના 7.30 કલાકે ભુરા સાટિયાને ફોન કરી મિત્ર મેહુલે જમીનનો સોદો કર્યો તેનું શું થયું તેમ કહેતાં મિત્ર મેહુલ સાથે કામરેજ ચાર રસ્તા ખાતે ખેતલા આપા ટી સ્ટોલ પાસે આવો, રૂબરૂ મુલાકાત કરીશું તેવી વાતો કરતાં મેહુલને ફોન કરી કામરેજ આવવા કહીને પોતે એકલા સુરતથી નીકળ્યા હતા.

લોખંડનો પાઈપ માથાના ભાગે મારી દેતાં લોહીલુહાણ
કામરેજ ચાર રસ્તા ખાતે ભુરા સાટિયા, તેમનો પુત્ર, રાજુ કસોટિયા આવી મેહુલ ક્યાં છે, જલદી બોલાવ તેમ કહેતાં આવે છે એવું ભુરા સાટિયા જણાવતાં ભુરાનો પુત્ર એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી માર મારવા લાગ્યો હતો. ભુરા સાટિયા લોખંડનો પાઈપ માથાના ભાગે મારી દેતાં લોહીલુહાણ થઈ જતાં જમીન પર પડી જતાં લોકોનું ટોળું ભેગું થઈ જતાં ત્રણેય ઈસમ નાસી છૂટ્યા હતા. કામરેજ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top