Gujarat

મહિલાઓ તાલીમ મેળવીને સાત લાખ સુધીની આવક મેળવતી થઇ છે : રાઘવજી પટેલ

ગાંધીનગર : મહિલાઓના (Woman) સર્વાંગી વિકાસ માટે રાજ્યમાં વિવિધ મહિલા કલ્યાણની યોજનાઓ અમલમાં છે. તમામ ક્ષેત્રે મહિલાઓ પગભર થાય તે માટે રાજ્ય સરકાર વ્યવસાયિક તાલીમથી લઈ સ્વરોજગાર પ્રાપ્તિ સુધી સરકાર મહિલાઓને મદદ કરી રહી છે. ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન દ્વારા આત્મ-નિર્ભર બની લાભાર્થીઓ વાર્ષિક ૭ લાખ સુધીની આવક મેળવતા થયા છે. ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન (RSETI) મારફતે તાલીમ પામેલા લાભાર્થીઓ સાથે ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે સ્વરોજગાર માટે આરસેટીનાં માધ્યમથી બેંક લોન લઇ આજીવિકા ઊભી કરવામાં મદદ મળી છે. ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન દ્વારા મળેલ તાલીમ થકી આત્મ-નિર્ભર બની વાર્ષિક અંદાજિત ૭ લાખ સુધીની આવક મેળવતા થયા છે. ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન (આરસેટી) અંતર્ગત સમગ્ર ગુજરાતનાં ગ્રામીણ વિસ્તારનાં ગરીબ કુટુંબના ૧૮ થી ૪૫ વર્ષના યુવાન-યુવતીઓને સ્વરોજગારી અંગેની નિઃશુલ્ક તાલીમ આપવામાં આવે છે. આ તાલીમમાં તાલીમાર્થીને મફત રહેવા-જમવાની સગવડ, યુનિફોર્મ, તાલીમ મટિરિયલ તથા આ અંગેનો અન્ય તમામ ખર્ચ સરકાર દ્વારા ભોગવવામાં આવે છે.

આરસેટી અંતર્ગત અપાતા તાલીમ કોર્સનો સમયગાળો ૬ થી ૪પ દિવસનો હોય છે, જેમાં ૬૧ પ્રકારના કોર્સની તાલીમ આપવામાં આવે છે. જેમાં કૃષિસંલગ્ન તાલીમ જેવી કે ડેરી, મરઘાં, મધમાખી ઉછેર, બાગાયત, રેશમ ઉછેર, મશરૂમની ખેતી, ફ્લોરીકલ્ચર, મત્સ્યઉછેર, વગેરે તાલીમનો સમાવેશ થાય છે.

Most Popular

To Top