Editorial

જસ્ટિન ટૂડોએ સમજી લેવુ જોઇએ કે ભારત નફરત નહીં પ્રેમ ફેલાવનારો દેશ છે

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ભારતવિરોધી કૃત્યોથી બાજ નથી આવી રહ્યા. તેમણે તાજેતરના વિવાદમાં હિન્દુઓના સ્વસ્તિક ચિહ્નને નફરત ફેલાવનારો ગણાવ્યો છે. સોશિયલ મીડિયા એક્સ પર ટ્રુડોએ લખ્યું કે તે નફરત ફેલાવનારા ચિહ્નોને સંસદ નજીક પ્રદર્શિત કરવાની મંજૂરી નહીં આપે. તેમણે આજે સવારે ટ્વિટ કર્યું કે જ્યારે આપણે ઘૃણાસ્પદ ભાષા અને કલ્પના જોઈએ કે સાંભળીએ તો આપણે તેની ટીકા કરવી જોઇએ. પાર્લામેન્ટ હિલ પર કોઈ વ્યક્તિ દ્વારા સ્વસ્તિકનું પ્રદર્શન અસ્વીકાર્ય છે. કેનેડિયન લોકોને શાંતિપૂર્વક એકઠાં થવાનો અધિકાર છે પણ અમે યહૂદીવિરોધી ભાવના, ઈસ્લામોફોબિયા કે કોઈ પણ પ્રકારની નફરતને સહન નહીં કરીએ.

સોશિયલ મીડિયા પર લોકો ટ્રુડોના આ ટ્વિટની આકરી ઝાટકણી કાઢી રહ્યા છે અને કહી રહ્યા છે કે સ્વસ્તિક ચિહ્ન પવિત્રતાનું પ્રતીક છે. જોકે નાજીઓનું ચિહ્ન હેકેનક્રૂઝ નફરતનું પ્રતીક છે. અમુક દિવસો પહેલાં જ ટ્રુડોએ સંસદમાં બોલાવી એક નાઝી યુદ્ધ અપરાધીને સન્માનિત કર્યો હતો. તેના બાદ તેમની ચોતરફી ટીકા થઈ હતી જેમાં કેનેડાના સ્પીકરે રાજીનામું આપવાની ફરજ પડી હતી. જો કે, જેવી જેની સમજ.

ટૂડોને ખબર જ નથી કે ભારત જ એક એવો દેશ છે જે ચારેય તરફથી દુશ્મનોથી ઘેરાયેલો હોવા છતાં તે વિસ્તારવાદમાં માનતો નથી. પોતાની સરહદ વિસ્તારવા માટે ભારતનું એક પણ યુદ્ધ થયું નથી. ભારત શાંતિમાં માને છે તેનો અર્થ એ નથી કે તેને જવાબ આપતા નથી આવડતું. ભારત ગીતાના સિદ્ધાંતો પર ચાલનારો દેશ છે અને ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે, જ્યારે સમાધાનના તમામ માર્ગ બંધ થઇ જાય ત્યારે જ યુદ્ધ કરવું જોઇએ. મહાભારતના યુદ્ધમાં પણ પાંડવોએ તો માત્ર પાંચ ગામ જ માંગ્યા હતા અને તે પણ દુર્યોધને આપવાનો ઇનકાર કર્યો એટલે તેમણે શસ્ત્રો ઉઠાવવા પડ્યા અને પરિણામ બધાની સામે જ છે. જસ્ટિન ટૂડોને જ્યારે ભારત શું છે?

તેની સંસ્કૃતિ શું છે? તેની જાણકારી જ નથી તેથી તેઓ આ પ્રકારના નિવેદનો કરી રહ્યાં છે. નાઝી અને હિટલર તો 100 વર્ષ પહેલા આવ્યા પરંતુ સ્વસ્તિક તો ભારતની પરંપરામાં હજારો વર્ષથી સંકળાયેલું છે. દરેકના મકાનોના ઊંબરામાં ભારતીયો વર્ષોથી સ્વસ્તિકનું નિશાન દોરે છે કારણ કે, હિન્દુ ધર્મમાં તેને શુભ માનવામાં આવે છે. શુભ કાર્યની શરૂઆતમાં જ સ્વસ્તિક દોરવામાં આવે છે. પરંતુ ટૂડોને હિન્દુ સંસ્કૃતિનું જરાપણ જ્ઞાન નથી તેથી તેઓ આ પ્રકારના ટ્વિટ કરી રહ્યાં છે. હજી પણ સમય છે અને જો જાણકારીના અભાવે આ નિવેદન કરવામાં આવ્યું હોય તો તેમણે બિનશરતી માફી માંગી લેવી જોઇએ.

હિન્દુ ધર્મ તો આદિકાળથી પ્રેમમાં જ માને છે. નફરત તો પશ્વિમી દેશોની સંસ્કૃતિ છએ. આજ કારણે હજી સુધી ભારતમાં કોઇ યુદ્ધ થયું નથી. જે યુદ્ધ થયું છે તે સાર્વભૌમની રક્ષા કાજે થયું છે. તો બીજી તરફ ભારત-કેનેડા વચ્ચે નિજ્જર હત્યા કેસ મામલે સંબંધો વણસેલા છે. ખાલિસ્તાની આતંકવાદી અને પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસના પ્રમુખ પન્નુએ ભારતને ધમકી આપી હતી અને કહ્યું હતું કે, શીખ સમુદાયના લોકોએ 19 નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરવાનું ટાળવું. આ દિવસે તેનો જીવને જોખમ થઇ શકે છે. નફરત કોણ ફેલાવે છે તે ડૂડો સારી રીતે જાણે છે પરંતુ આવા જ લોકોને તો તેઓ શરણ આપી રહ્યાં છે.

Most Popular

To Top