Gujarat

જેમને હાર્દિક પટેલ સાથે મોદી-શાહ જેવી જોડી બનાવવાનાં અરમાન હતાં તે જીજ્ઞેશ મેવાણી…

હા, જીજ્ઞેશ મેવાણીને રાજકારણમાં હાર્દિક પટેલ જ લઇ આવેલો…આવું ખુદ જીજ્ઞેશે એક વાર મને કહ્યું હતું. નરેન્દ્ર મોદીને રાજકારણમાં અમિત શાહ લઇ આવેલા કે પછી, અમિત શાહને રાજકારણમાં નરેન્દ્ર મોદી લઇ આવેલા તેનો કદાચ કોઈને પણ ચોક્કસ ખ્યાલ નહિ જ હોય ! પણ, એક સમયે જીજ્ઞેશ મેવાણીને હાર્દિક પટેલ સાથે મોદી-અમિત શાહ જેવી જોડી બનાવવાની અપાર ખેવના હતી. પણ, વિધિના લેખ કૈંક અલગ જ લખાયેલા અને, હાર્દિક પટેલ જે પોતીકાં ઘણાં બધાંને છોડીને ભાજપમાં જતો રહ્યો તે પોતીકાંમાં જીજ્ઞેશ મેવાણી પ્રથમ પંગતમાં આવે.

જ્યાં સુધી મોદી-અમિત શાહની જોડી અખંડ રહેશે ત્યાં સુધી આ જીજ્ઞેશ મેવાણીને તે વાતે ખૂબ અદેખાઈ થતી રહેવાની છે તે વાત પણ નક્કી !

પત્રકારને કોઈ તેની જાત નથી પૂછતું, કલાકારને કોઈ તેની જાત નથી પૂછતું, અભિનેતાને કોઈ તેની જાત નથી પૂછતું, નાના-મોટા વેપારીઓ કે પેટિયું રળી ખાતાં અન્ય માણસોને કોઈ જાત નથી પૂછતું પણ નેતાને કેમ તેની જાત પૂછવામાં આવે છે ?! અને, લોકોની આ માનસિકતા વિષે જીજ્ઞેશ ખૂબ જ સતર્ક-સજાગ-સભાન અને તે માટે તેને થોડી નફરત પણ ખરી ! જીજ્ઞેશ દલિત સમાજમાંથી આવે છે-દલિત સમાજનું તે પ્રતિનિધિત્વ કરે છે.

દલિત સમાજની સેવા કરતાં-કરતાં રાજકારણમાં આગળ આવવાની ઈચ્છા થવી બહુ જ સ્વાભાવિક છે. જેમ બીજો કોઈ નેતા ચૂકે નહિ તેમ આ જીજ્ઞેશ પણ રાજકારણમાં ઝંપલાવવાનું ચૂકે તેમ નહોતો. વડગામની બેઠક પરથી તે 2017માં અપક્ષ ઉમેદવાર તરીકે ઊભો રહેલો અને સારી કહી શકાય તેવી સરસાઈથી તેણે ભાજપના વિજય ચક્રવર્તીને પરાજય અપાવેલો. 2017 પહેલાં 2012ની ચૂંટણી જે ચૂંટણી થયેલી તેમાં આ વડગામ બેઠક પરથી જ પણ, ભાજપના (ઉમેદવાર અલગ હતા !) ફકીર વાઘેલાને કોંગ્રેસના મણીલાલ વાઘેલાએ જીજ્ઞેશ જેવી જ મોટી સરસાઈથી હરાવેલા (2007ની ચૂંટણીમાં ભાજપના ફકીર વાઘેલા ચૂંટણી જીતેલા !)

2017માં જીજ્ઞેશ પહેલી જ વાર ચૂંટણી લડ્યો અને અપક્ષ લડ્યો તો પણ, ચૂંટણી જીતી ગયો ! હવે, આ ચૂંટણીમાં જીજ્ઞેશ અપક્ષ તરીકે નથી ઊભો પણ કોંગ્રેસ તરફથી ઊભો છે અને સામે ભાજપે તેમજ આમ આદમી પાર્ટીએ પણ પોતાના મજબૂત ઉમેદવારોને જીગેશ સાથે બાથ ભીડવા ઉતાર્યા છે…જે કોંગ્રેસના મણીલાલ વાઘેલાએ ભાજપના ફકીર વાઘેલાને આ જ બેઠક પરથી 15 વર્ષ પૂર્વે ચીત તે મણીલાલ વાઘેલા હવે, પંદર વરસ પછી કોંગ્રેસને બદલે ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે…! લોકશાહીનું આ સદભાગ્ય કહેવાય કે દુર્ભાગ્ય તે ખબર નથી, પરંતુ રાજકીય પક્ષોની આ મહાન કરુણતા છે.

પણ, જીજ્ઞેશ માટે ચૂંટણી લડવાનું-જીતવાનું કામ એટલું બધું અગત્યનું નથી…પાવર અગર પોસ્ટ માટે તેને ખાસ પ્રેમ નથી એવું તે પોતે અનેક વાર કહી ચૂક્યો છે. તમે એક વાતની નોંધ લીધી ? તે પોતે જ એક વાર કન્હૈયા સાથે હતો ત્યારે કહી ગયેલો કે…હમ લવ-જેહાદવાલે નહીં હૈ-હમ તો પ્યાર-મોહબ્બત કી દવાત હૈ ! જીજ્ઞેશ 42 વર્ષનો થયો પણ, આજે ય તમને 22-25 વર્ષનો કોઈ તેજતર્રાર લબરમુછીયો જ લાગે. જીજ્ઞેશનાં લગ્ન ક્યારે થશે એવા સવાલના જવાબમાં મને તેના એક ખાસ મિત્રે કહેલું કે, જીજ્ઞેશ જ્યાં સુધી જીન્સ-ટી શર્ટમાં તમને જોવા મળે છે ત્યાં સુધી તમારે તે કુંવારો જ છે એમ માનવાનું !

જીજ્ઞેશને જેટલો પ્રેમ તેની લવર સાથે છે તેટલો જ પ્રેમ ભારતના સંવિધાન સાથે પણ છે ! તેને આરએસએસ જોડે વાંધો એટલા માટે નહિ કે આરએસએસનું ભાજપ સાથે સેટિંગ છે પણ, એટલા માટે કે આરએસએસ દેશના સંવિધાન કરતાં વધુ અનુસરણ મનુસ્મૃતિનું કરે છે ! કોંગ્રેસ સાથે જીજ્ઞેશની પટે છે કેમ કે, રાહુલ ગાંધી તેમના અંગત મિત્ર છે.

જીજ્ઞેશ પોતે પોતાની આઝાદીનો પણ ચાહક અને તેથી સ્તો હાર્દિક ભલે ભાજપમાં જોડાઈ ગયો પણ, તે પોતે ભાજપમાં જોડાયો નહિ.

જીજ્ઞેશના પિતા અમદાવાદ મહાનગરપાલિકામાં કારકુન હતા અને, જન્મ જ્યાં થયેલો તે (મહેસાણાનું એક ગામ) મેવુ પરથી તેણે પોતાની અટક “મેવાણી” ધારણ કરી લીધી !

જીજ્ઞેશ એક સવાલ હંમેશા પૂછ્યા કરે છે કે મોદીજી અમેરિકા જાય છે ત્યારે ખેડૂતોને કેમ સાથે નથી લઇ જતા ? મોદીને આવો જ કોઈ સવાલ કરવામાં કે પછી, જવાબ આપવામાં તેને મોદીનું અપમાન ગણી કોઈકે જીજ્ઞેશ પર પોલીસ કેસ કરેલો અને જામીન પર તેણે છૂટવું પડેલું…પણ, છૂટીને પાછો જીજ્ઞેશ એમ જ કહેવા લાગ્યો કે…મોદીને ખોટું લાગ્યું હોય તો મોદીએ મારી પર કેસ કરવાનો ને, બીજા કેવી રીતે કેસ માંડી શકે ?! જીજ્ઞેશ કાયદાનો સ્નાતક પણ ખરો અને, હાઈકોર્ટોમાં વકીલાત પણ કરે છે…તે પત્રકારત્વનું પણ ભણ્યો છે ને બે વરસ ‘અભિયાન’માં નોકરી પણ તેણે કરેલી ! આવાં જીજ્ઞેશને પોતે દુનિયા બીજી કોઈ રીતે નહિ ઓળખે પણ બસ એક ભારતીય નાગરિક તરીકે ઓળખે એટલે તે ખુશ ખુશ !

– ડો.કૌશિક કુમાર દીક્ષિત

Most Popular

To Top