Comments

બિહારના જમુઈ સુવર્ણ ભંડારમાંથી હવે સોનાનું ઉત્પાદન શરૂ થશે

ભારત કોઈ સમયે સોનાની ચીડિયા તરીકે ઓળખાતું હતું, કારણ કે ભારતમાં આવેલી સોનાની ખાણોમાં પીળી ધાતુનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થતું હતું. તદુપરાંત ભારતના સાહિસક વેપારીઓ દુનિયામાં રેશમ, કાપડ, મરીમસાલા વગેરે ચીજોની નિકાસ કરીને તેની સામે મબલખ સોનું ભારતમાં લાવતા હતા. ભારતની મહિલાઓને પણ સોનાના દાગીનાઓનો શોખ હોવાથી ભારતના પ્રત્યેક ઘરમાં સોનાનો નોંધપાત્ર જથ્થો રહેતો હતો. દેશનાં શ્રદ્ધાળુઓ પોતાની પાસેનું સોનું મંદિરોમાં અર્પણ કરતાં હોવાથી ભારતનાં અનેક મંદિરો પાસે સોનાના ભંડારો રહેતા હતા. ભારતમાં રાજ કરવા આવેલા મોગલો અને અંગ્રેજો ભારતમાંથી હજારો ટન સોનું લૂંટી ગયા તે પછી પણ ભારતનાં ઘરોમાં અને મંદિરોમાં આજે હજારો ટન સોનું સંગ્રહિત કરવામાં આવેલું છે. તેની સરખામણીમાં ભારતીય રિઝર્વ બેન્ક પાસે ૭૪૩ ટન સોનાનો જ સંગ્રહ જોવા મળે છે.

ભારતનાં ઘરોમાં આશરે ૨૦,૦૦૦ ટન અને મંદિરોમાં ૪,૦૦૦ ટન જેટલા સોનાનો ભંડાર રાખવામાં આવ્યા હોવાનો અંદાજ છે. કર્ણાટકમાં આવેલું કોલાર ગોલ્ડ ફિલ્ડ ભારતની મોટામાં મોટી સોનાની ખાણ હતી. આ ખાણ આશરે હજાર વર્ષથી અસ્તિત્વમાં હતી. ૧૯૫૬ માં ભારત સરકારે તેનું રાષ્ટ્રીયકરણ કર્યું તે પછી તેમાંથી આશરે ૯૦૦ ટન સોનું કાઢવામાં આવ્યું હતું, જે રિઝર્વ બેન્કના સોનાના ભંડાર કરતાં પણ વધુ છે. ૨૦૦૧ માં કોલારની ખાણમાંથી સોનું કાઢવાનું બંધ કરવામાં આવ્યું હતું, કારણ કે ત્યારે સોનાના ભાવો ઘટી ગયા હતા અને ખાણમાંથી સોનું કાઢવાનો ખર્ચ વધી ગયો હતો. કોલારમાં સોનાની ખાણ બંધ થઈ તે પછી ઉત્તર પ્રદેશમાં આવેલા શોણભદ્રમાં આવેલી ખાણમાંથી સોનું કાઢવાની યોજના બની રહી છે. વચ્ચે એવી અફવા ફેલાઈ ગઈ હતી કે તેમાં ૩,૫૦૦ ટન જેટલું સોનું છે, પણ તેને સરકાર દ્વારા રદિયો આપવામાં આવ્યો છે. હવે બિહારના જમુઈ જિલ્લાની ખાણમાંથી સોનું કાઢવા માટે બિહાર સરકાર તૈયાર થઈ ગઈ છે.

બિહારના નકસલવાદી વિસ્તાર જમુઈમાં જૈનોના ૨૪ મા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભગવાનનું જન્મસ્થળ ક્ષત્રિયકુંડ આવેલું છે અને તેની બાજુમાં સ્વર્ણગિરિ તરીકે ઓળખાતો પહાડ આવેલો છે, જેમાં સોનાનો મોટો જથ્થો હોવાનું માનવામાં આવે છે. આ પહાડ ઉપર સોનું મળી આવ્યું તે પછી બિહાર સરકારે તેની આજુબાજુ અર્ધ લશ્કરી બળોનો પહેરો ગોઠવી દીધો હતો. આ પહાડમાં સોનાની આશરે ૨૩ કરોડ ટન કાચી ધાતુ હોવાનો અંદાજ છે. જો કે આ કાચી ધાતુમાંથી ૩૭.૬ ટન સોનું મળવાની ધારણા છે. ભારતમાં સોનાની ખાણોમાં કુલ ૫૦ કરોડ ટન જેટલી કાચી ધાતુ હોવાનું માનવામાં આવે છે. તેના ૪૪ ટકા જમુઈ જિલ્લામાં જ છે. ભારતની ૫૦ કરોડ ટન કાચી ધાતુ સોનામાં સમૃદ્ધ હોવાથી તેમાંથી ૬૫૪ ટન સોનું મળવાની ધારણા છે, પણ જમુઈ જિલ્લાના સોનાના ભંડારોમાંથી માત્ર ૩૭. ૬ ટન સોનું જ મળવાની ધારણા છે. વર્તમાનમાં સોનાનો દસ ગ્રામનો ભાવ આશરે ૫૨,૦૦૦ રૂપિયા ચાલે છે. આ હિસાબે એક કિલોગ્રામ સોનું ૫૨ લાખ રૂપિયાનું થાય. એક ટન સોનું ૫૨૦ કરોડ રૂપિયાનું અને ૩૭.૬ ટન સોનું ૧૯,૫૫૨ કરોડ રૂપિયાનું થાય છે.

તાજેતરમાં દક્ષિણ ભારતમાં કેજીએફ નામની જે ફિલ્મ આવી તેમાં પણ સોનાની ખાણની કથા છે. તેમાં આખી કથા સોનાની ખાણ ઉપર કબજો મેળવવા માટેની લડાઈ બાબતની છે. ફિલ્મનો હીરો દેશની સૌથી મોટી સોનાની ખાણ પર કબજો જમાવે છે અને એટલું બધું સોનું પેદા કરે છે કે લોકો દંગ રહી જાય છે. જમુઈની સોનાની ખાણ તો જો કે સરકારના કબજામાં હોવાથી તેના કબજા માટે યુદ્ધ થવાની સંભાવના નથી. આ વિસ્તાર નકસલવાદીઓથી પ્રભાવિત હોવાથી નકસલવાદીઓ તેના પર કબજો ન જમાવી દે તે માટે તેની આજુબાજુ કડક ચોકીપહેરો ગોઠવી દેવામાં આવ્યો છે.

જમુઈ જિલ્લામાં આજથી ૪૦ વર્ષ પહેલાં સોનાનો ભંડાર કેવી રીતે મળી આવ્યો? તેની પણ રસપ્રદ કહાણી છે. આ ડુંગર પર વડનું વિશાળ ઝાડ હતું, જેના થડમાં કીડીઓ દર બનાવીને રહેતી હતી. આ કીડીઓ દ્વારા જમીનનું ખોદકામ શરૂ કરવામાં આવ્યું. લાલ રંગની માટીમાં ખોદકામ કરીને તેઓ જમીનના ગર્ભમાં રહેલી માટી બહાર લાવ્યા તો તેમાં પીળી રજકણો ચમકતી હતી. લોકો આ રજકણો સોની પાસે લઈ ગયા તો તેણે કહ્યું કે તેમાં તો શુદ્ધ સોનું છે. આ વાત સરકાર સુધી પહોંચતાં તેણે તરત જ ડુંગરાઓ ફરતો ચોકીપહેરો ગોઠવી દીધો હતો. હવે બિહાર સરકાર દ્વારા આ ખાણ નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનને સોંપવામાં આવશે. તે પોતે સોનાનું ઉત્પાદન ચાલુ કરશે અથવા સરકારની વર્તમાન નીતિ મુજબ ખાણનું લિલામ કરીને ખાનગી કંપનીને સોંપી દેશે.

જો પેટાળમાં રહેલા સોના બાબતમાં આખી દુનિયાના આંકડાઓ તપાસીએ તો ઓસ્ટ્રેલિયા પાસે આશરે ૧૧,૦૦૦ ટન જેટલો સોનાનો જથ્થો તેની જમીનમાં છે. બીજા નંબરે રશિયા પાસે ૬,૮૦૦ ટન, ત્રીજા નંબરે દક્ષિણ આફ્રિકા પાસે ૫,૦૦૦ ટન અને અમેરિકા પાસે ૩,૦૦૦ ટન જેટલો સોનાનો જથ્થો છે. તેની સામે અમેરિકાની ફેડરલ રિઝર્વ બેન્ક પાસે ૮,૦૦૦ ટન કરતાં વધુ સોનું છે. ભારતની રિઝર્વ બેન્ક પાસે ૭૪૩ ટન સોનું છે અને બીજું ૭૦૦ ટન જેટલું સોનું ભારતની જમીનમાં છે. તેની સરખામણીમાં ભારતનાં નાગરિકો અને મંદિરો પાસે આશરે ૨૦,૦૦૦ ટન જેટલું સોનું છે. દક્ષિણ ભારતના પદ્મનાભ મંદિર પાસે આશરે ૧,૩૦૦ ટન સોનું હોવાનું માનવામાં આવે છે. તેની સરખામણીમાં તિરૂપતિ બાલાજી પાસે ૯ ટન સોનું હોવાનું કહેવાય છે. ગુજરાતના અંબાજી મંદિરના શિખરને સોના વડે મઢવાનું કામ ચાલી રહ્યું છે. તેના માટે કુલ ૧૪૦ કિલો સોનાની જરૂર છે, પણ તે પૈકી ૧૩૪ કિલો સોનું આજ દિન સુધી દાનમાં મળી પણ ચૂક્યું છે.

દુનિયામાં દર વર્ષે આશરે ૩,૦૦૦ મેટ્રિક ટન જેટલા સોનાનું ઉત્પાદન થાય છે, જેમાંના ૧૩ ટકા સોનાનું ઉત્પાદન માત્ર ચીનમાં થાય છે. ચીનમાં આશરે ૨,૦૦૦ ટન જેટલું સોનું જમીન હેઠળ હોવાનું માનવામાં આવે છે. ચીન દર વર્ષે આશરે ૩૮૦ મેટ્રિક ટન સોનાનું ઉત્પાદન કરે છે. તેની સામે ઓસ્ટ્રેલિયા ૩૨૦ ટન, રશિયા ૩૦૦ ટન અને અમેરિકા ૧૯૦ ટન સોનાનું ઉત્પાદન કરે છે. ઘાના ૧૪૦ ટન અને ઇન્ડોનેશિયા ૧૩૦ ટન સોનાનું ઉત્પાદન કરે છે. સુદાન જેવો ગરીબ દેશ પણ વાર્ષિક ૯૦ ટન સોનાનું ઉત્પાદન કરે છે. તેની સરખામણીમાં ૨૦૨૦ માં ભારતમાં માત્ર ૧.૬ મેટ્રિક ટન સોનાનું જ ઉત્પાદન થયું હતું. જો કે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા મુજબ ભારત વાર્ષિક ૨૦ ટન જેટલા સોનાનું ઉત્પાદન કરી શકે છે. બિહારની ખાણો તે દિશામાં સફળતા અપાવશે.

ભારતમાં સોનાનું ઉત્પાદન ઓછું થાય છે, પણ ભારતના લોકોમાં સોનાની અદમ્ય ભૂખ હોવાથી સોનાની મોટા પ્રમાણમાં આયાત કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૮-૧૯ માં ભારતમાં ૯૮૨ ટન સોનાની આયાત કરવામાં આવી હતી. ૨૦૧૯-૨૦ માં સોનાની ૭૨૦ ટન અને ૨૦૨૦-૨૧ માં ૬૫૧ ટન આયાત કરવામાં આવી હતી. ૨૦૨૦-૨૧ માં સોનાની આયાત ઘટવાનું કારણ કોરોના હતો. ભારતમાં સોનું સામાજિક રીતરિવાજનો ભાગ બની ગયું છે. લગ્ન પ્રસંગ સોના વિના ઉજવાતો નથી. ભારતનાં લોકો તેમની કોઠાસૂઝને કારણે સોનાનો સંગ્રહ કરે છે, જે ફુગાવા સામે રક્ષણ આપે છે. દુનિયામાં જ્યારે જ્યારે કટોકટી પેદા થાય છે ત્યારે સોનાની કિંમતમાં ઉછાળો આવે છે.
 – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top