Editorial

ભારતના જ બે રાજ્યોના પોલીસ દળો એકબીજા સાથે બાખડે તે ખૂબ દુ:ખદ છે

આસામ અને મિઝોરમ – આ બંને ઇશાન ભારતના અથવા તો ઉત્તર પૂર્વીય ભારતના રાજ્યો છે. આ બંને રાજ્યો વચ્ચે લાંબા સમયથી સરહદી વિવાદ ચાલી રહ્યો છે અને સોમવારે આસામ અને મિઝોરમ વચ્ચેના સરહદી વિવાદે અચાનક હિંસક વળાંક લીધો હતો જેમાં આ બંને રાજ્યોના પોલીસ દળોએ સામસામો ગોળીબાર કર્યો હતો. આ અથડામણમાં આસામ પોલીસના છ કર્મચારીઓ માર્યા ગયા હતા તથા એક એસપી સહિત અન્ય પ૦ને ઇજા થઇ હતી. અંધાધૂ઼ંધી એટલી બધી હતી કે કોણે ગોળીબાર કર્યો તે પણ સ્પષ્ટ સમજાતું ન હતું પણ એમ માનવામાં આવે છે કે મિઝોરમ પોલીસના ગોળીબારમાં જ આસામ પોલીસના છ જવાનો માર્યા ગયા છે. બે રાજ્યોના પોલીસ દળોએ એકબીજા પર સામસામો ગોળીબાર કર્યો હોય અને તેમાં આટલા પોલીસ કર્મચારીઓ માર્યા ગયા હોય તેવો સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આ કદાચ પહેલો બનાવ હશે. 

આસામની બરાક ખીણ વિસ્તારના ત્રણ જિલ્લાઓ તથા મિઝોરમના ત્રણ જિલ્લાઓ વચ્ચેની ૧૬૪ કિમી લાંબી સરહદ અંગે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. ગયા વર્ષના ઓગસ્ટ મહિનામાં અને આ વર્ષના ફેબ્રુઆરીમાં પણ સરહદે અથડામણો થઇ હતી. પણ આ સોમવારની હિંસા વધુ ઉગ્ર હતી અને તેમાં ખાનગી ગોળીબારનો પણ બનાવ બન્યો હોવાનું પણ કહેવાય છે.  આસામના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સરહદ પારથી કેટલાક તોફાનીઓએ મંત્રણાઓ કરી રહેલા સરકારી અધિકારીઓ પર ગોળીબાર શરૂ કર્યો હતો.

આ ગોળીબારમાં જ આસામ પોલીસના છ જવાનો માર્યા ગયા હોવાનું માનવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે મિઝોરમ પોલીસે જ આ ગોળીબાર કર્યો હતો. ગોળીબારમાં એક એસપી સહિત પ૦ પોલીસ કર્મચારીઓને ઇજા થઇ હતી. બીજી બાજુ મિઝોરમના ગૃહ મંત્રીએ કહ્યું હતું કે આસામ પોલીસના ૨૦૦ જવાનો બળપૂર્વક એક સીઆરપીએફ ચોકી પર ધસી આવ્યા હતા અને આગજની, ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો હતો જેના વળતા જવાબમાં મિઝોરમ પોલીસે સાવધાનીપૂર્વક ગોળીબાર કર્યો હતો એમ તેમણે જણાવ્યું હતું.

આ અથડામણના પગલે આસામ અને મિઝોરમના મુખ્યમંત્રીઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ પણ ફાટી નીકળ્યું હતું અને આ હિંસા માટે એકબીજાના પોલીસ દળોને જવાબદાર ગણાવ્યા હતા તથા કેન્દ્રની દરમ્યાનગીરીની માગણી કરી હતી. આના પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આસામ અને મિઝોરમના મુખ્યમંત્રીઓ અનુક્રમે હિમંતા બિશ્વ સર્મા તથા ઝોરામથાન્ગા સાથે ફોન પર વાત કરી અને શાંતિ જળવાઇ રહે તે જોવા જણાવ્યું. બે રાજ્યોના પોલીસ દળો એકબીજા પર ગોળીબાર કરે, બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ એકબીજા પર સામસામી આક્ષેપબાજી કરે અને કેન્દ્રીય ગૃહ મંત્રીએ બંનેને શાંતિ જાળવવાની અપીલ કરવી પડે, આ બધું અભૂતપૂર્વ અને સાથે દુ:ખદ પણ છે.

આ આખો વિવાદ સરહદ નજીકના કેટલાક વિસ્તારો પર માલિકીનો છે. આસામની બરાક ખીણના જિલ્લાઓ કાચાર, કરીમગંજ અને હૈલાકાંડી સાથે મિઝોરમના ત્રણ જિલ્લાઓ ઐઝવાલ, કોલાસીબ અને મામીતની ૧૬૪ કિમી લાંબી સરહદ લાગે છે. આ સરહદે કેટલાક પ્રદેશ પર માલિકીનો વિવાદ બંને રાજયો વચ્ચે ચાલે છે. આ અંગે અગાઉ પણ ઓગસ્ટ ૨૦૨૦માં અને આ વર્ષના ફેબ્રુઆરીમાં સરહદે હિંસક અથડામણો થઇ હતી. બંને રાજ્યો એકબીજા પર પોતાની જમીન પચાવી પાડવાનો આક્ષેપ કરે છે. આ વિવાદ ખાસ કરીને ગયા વર્ષના જૂનથી વકર્યો હતો જ્યારે આસામ પોલીસે મિઝોરમ પર જમીન પર દબાણનો આક્ષેપ કરીને ઐતલાંગ હનાર નામના વિસ્તાર પર કબજો જમાવ્યો હતો.

જ્યારે મિઝોરમ આસામ પર તેના પ્રદેશમાં ઘૂસીને દબાણ કરવાનો આક્ષેપ કરે છે. આ વિવાદમાંથી બંને રાજ્યોના પ્રજાજનો વચ્ચે હિંસક અથડામણના બનાવો તો અગાઉ બની ચુક્યા છે પણ બંને રાજ્યોના પોલીસ દળો એકબીજા સાથે લડે તે અભૂતપૂર્વ પ્રકારનું છે. બે દેશો વચ્ચે સરહદી વિવાદ હોય અને બંને દેશોના સૈનિકો એકબીજા સાથે લડે તે સમજી શકાય, પણ આ તો એક જ દેશના – ભારતના જ બે રાજ્યો છે અને બંને રાજ્યોના પોલીસ દળો એક બીજા સાથે શત્રુની જેમ બાખડ્યાં. આ ખરેખર દુ:ખદ છે. કેન્દ્ર સરકારની દરમ્યાનગીરી સાથે આ બંને રાજ્યો આ વિવાદનો વહેલી તકે અંત લાવે તે ઇચ્છનીય છે.

Most Popular

To Top