Gujarat

પાણી માટે રાજનીતિ કરવી યોગ્ય નથી: જીતુ વાઘાણી

રાજસ્થાનના મંત્રી દ્વારા માહી બજાજ સાગર ડેમમાંથી ગુજરાતને પાણી નહીં આપવાનું નિવેદન કરીને રાજકીય દ્વેષ છતો કર્યો હોવાની રાજ્ય સરકારે પ્રતિક્રિયા આપી છે. કેબીનેટ પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે પાણી સંદર્ભે વર્ષ ૧૯૬૬માં જે કરાર થયો છે તેનો પણ તેમણે ભંગ કર્યો છે, તે કોંગ્રેસને શોભતું નથી.

પ્રવકતા મંત્રી વાઘાણીએ કહ્યું હતું કે રાજસ્થાન સરકારના મંત્રી દ્વારા માહી બજાજ સાગર ડેમમાંથી ગુજરાતને પાણી નહીં આપવાની જે વાત કરી છે તે તેમની ગુજરાત વિરોધી માનસિકતા છતી કરે છે. પાણી માટે રાજનીતિ કરવી યોગ્ય નથી. પાણી વિતરણ અંગે જે કરાર થયા હોય તે રીતે તમામ રાજ્યોએ એનું પાલન કરવું જોઈએ. આવું ન કરીને કોંગ્રેસે વૈમનસ્ય ઊભું કરવાનો પ્રયાસ કર્યો છે એેને રાજ્ય સરકાર સાંખી લેશે નહીં.

ગુજરાત આજે પણ નર્મદાનું પાણી રાજસ્થાનને કરાર મુજબ આપે જ છે તે સંદર્ભે ગુજરાતને અંદાજે રૂપિયા ૫૫૯ કરોડ લેવાના નીકળે છે છતાં પણ પાણી બંધ કર્યું નથી. ગુજરાત ક્યારેય રાજસ્થાન ઉપર નિર્ભર રહ્યું નથી અને રહેશે પણ નહીં. ગુજરાતના કોંગ્રેસી નેતાઓએ પણ તેમની રાજસ્થાન સરકારને કહેવું જોઈએ કે, રાજ્યના નાગરિકોના હિતમાં કરાર મુજબ જે વ્યવસ્થા ગોઠવાય છે તેનું તેમણે ચુસ્ત પાલન કરવું જોઈએ. પાણી સંદર્ભે રાજનીતિ કરવી એ અમારા લોહીમાં નથી. નાગરિકોના હિતમાં અમે ક્યારેય રાજનીતિ કરતા નથી અને કરીશું પણ નહીં તેમણે ઉમેર્યું હતું.

Most Popular

To Top