Gujarat

સરકારમાં 1 વર્ષથી પેન્ડિગ ફાઈલો ઝડપથી નિકાલ કરો : ભૂપેન્દ્ર પટેલની તાકિદ

સરકારમાં છેલ્લા 1 વર્ષથી પણ વધુ સમયની ફાઈલો પેન્ડિંગ છે, તે પૈકી કેટલીક ફાઈલોનો નિકાલ થઈ ગયો હોવા છતાં તેને ઓનલાઈન સિસ્ટમમાં પેન્ડિંગ બતાવવામાં આવે છે. આ ફાઈલોનો ઝડપથી નિકાલ કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલે વિવિધ વિભાગોના વડા, સેક્રેટરી તથા મંત્રીઓને સૂચના આપી છે. આજે કેબીનેટ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા તથા નિર્ણય લેવાયો હતો.

કેબીનેટ બેઠક બાદ સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે સર્વસ્પર્શી – સર્વસમાવેશક બજેટ તૈયાર થાય તેવું નક્કર આયોજન કર્યું છે. તા. ૯મી ડિસેમ્બર બાદ રાજ્ય સરકારના વિવિધ વિભાગો સાથે નાણામંત્રી કનુ દેસાઈ બજેટ સંદર્ભે ચર્ચા-વિચારણા કરી બેઠક યોજશે. રાજ્યના નાગરિકોની સુખાકારીમાં વધારો થાય તે હેતુથી કેટલીક નવી વિકાસલક્ષી યોજનાઓ તૈયાર કરવા વિવિધ વિભાગો નાણામંત્રી સાથે બેઠક કરી બજેટને આખરી ઓપ અપાશે. રાજ્યનું નવનિયુક્ત મંત્રીમંડળ પુરજોશથી જનહિતના કર્યો કરી રહ્યું છે. ત્યારે આ કાર્યોને વધુ ઝડપી બનાવવા મુખ્ય મંત્રીએ મંત્રી મંડળને જરૂરી સૂચના પણ આપી હતી.

આગામી સમયમાં વિઝિટિંગ (પ્રવાસી) શિક્ષકની ભરતી કરાશે : જીતુ વાઘાણી
રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વધે અને બાળકોના શિક્ષણ કાર્યને કોઈ અસર ન પહોંચે તે માટે આગામી સમયમાં વિઝિટિંગ (પ્રવાસી) શિક્ષકની ભરતી કરાશે. શિક્ષણ કાર્યને વેગવાન બનાવવા પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા રાજ્ય સરકારે મંજૂરી આપી છે જે હેઠળ મહત્તમ રૂપિયા ૨૭,૦૦૦ની મર્યાદામાં આ શિક્ષકોને વેતન અપાશે અને આ શિક્ષકો દરરોજ ૭ તાસ લેશે.

ઓમિક્રોન વાઈરસના મામલે સરકાર એલર્ટ
ઓમિક્રોન વાયરસ અંગે પુછાયેલા પ્રશ્નના જવાબમાં વાઘાણીએ જણાવ્યું હતું કે ઓમિક્રોન વાયરસ સંદર્ભે પણ રાજ્યના આરોગ્ય વિભાગે સંપૂર્ણ તકેદારી સાથે કામગીરી આરંભી દીધી છે. એરપોર્ટ પર બહારના દેશોમાંથી આવતા નાગરિકોના સ્ક્રિનિંગ સહિત ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી દેવાઈ છે. ટેસ્ટિંગમાં નેગેટિવ હોય અને જરૂરીયાત જણાય તો આવા નાગરિકોને ૭ દિવસ આઈસોલેશનમાં પણ રાખવામાં આવશે. સદભાગ્યે ઓમિક્રોન વાયરસનો દેશમાં હજુ સુધી એક પણ કેસ નોંધાયો નથી અને આગામી સમયમાં પણ ન નોંધાય એ માટે પ્રભુને પ્રાર્થના. આ સંદર્ભે પણ કેન્દ્ર સરકાર દ્વારા જે SOP નિયત કરાઈ છે એ અંગે પણ ગુજરાતમાં સંપૂર્ણ પાલન સાથે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. આ વાયરસ અંગે નાગરિકોએ સહેજ પણ ગભરાવાની જરૂર નથી માત્ર ને માત્ર તકેદારી સાથે સતર્ક રહેવાની જરૂર છે. તેમણે કહ્યું કે અન્ય રાજ્યોમાંથી ગુજરાત આવતા પ્રવાસીઓનું પણ મોનિટરિંગ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સતત કરવામાં આવી રહ્યું છે.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સંદર્ભમાં આજે દાદાનો મુંબઈમાં રોડ-શો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦રરના સંદર્ભમાં ગુરૂવાર તા. ર ડિસેમ્બરે મુંબઇમાં જશે અને રોડ-શૉ યોજશે. તેઓ ગુરૂવારે સવારે મુંબઇની ધી તાજમહાલ પેલેસ હોટલમાં યોજાનારા રોડ-શૉ પૂર્વે બિઝનેસ લીડર્સ, અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન-ટુ-વન બેઠક પણ યોજવાના છે. મુખ્યમંત્રી પટેલ ત્યારબાદ સવારે ૧૧ કલાકે યોજાનારા રોડ-શૉમાં વાયબ્રન્ટ સમિટ-ર૦રરની વિશેષતાઓ પ્રસ્તુત કરશે. મુખ્યમંત્રી સાથે નાણાં મંત્રી કનુભાઈ દેસાઇ, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત ગુજરાતના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે મુંબઇમાં વિવિધ રાષ્ટ્રોના કોન્સ્યુલેટ જનરલની ભોજન બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વાયબ્રન્ટ સમિટ-૨૦૨૨ સંદર્ભે તા. ૮, ૯ ડિસેમ્બરે દુબઇનો પ્રવાસ ખેડશે. આ પ્રવાસ દરમિયાન તેઓ ભારતના પેવેલિયન, એપેક્સ શૉ – ૨૦૨૧ તથા અબુધાબી ખાતે BAPS સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લેશે.

Most Popular

To Top