Charchapatra

નહેરના કાંઠે દીવાલ બાંધો

ઉકાઈ અને કાકરાપાર બંધનું નિર્માણ થતાં તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના અનેક ગામોને નહેરનું પાણી પ્રાપ્ત થયું. પરિણામે છેલ્લા કેટલાક દાયકાઓથી ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે. નાની-મોટી નહેરોમાં ધસમસમતા પાણીનો પ્રવાહ જોઇ હ્દય આનંદ સહ સંતોષ અનુભવે છે. પરંતુ છેલ્લા કેટલાંક વર્ષોમાં નહેર કાંઠેના સાંકડાં રસ્તા પરથી વાહનો નહેરમાં ખાબકતા સેંકડો નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે! તાજેતરમાં વ્યારા વિસ્તારની એક મહિલા પોતાની ત્રણ વર્ષની દીકરી સાથે ટુવ્હીલર સ્લીપ થતાં નહેરમાં પડી.

પરિણામે માતા-પુત્રીનું દુ:ખદ અવસાન થયું. તો ઓલપાડ વિસ્તારમાં એક દંપતી પોતાના ત્રણ વર્ષના દીકરા સાથે બાઇક પર મુસાફરી કરી રહ્યાં હતાં. અકસ્માતે બાઇક નહેરમાં ખાબકતા માતા-પિતા અને દીકરાએ પોતાનો જીવ ગુમાવ્યો! આમ માત્ર દશ દિવસના ટૂંકા ગાળામાં પાંચ લોકો નહેરમાં ખાબકતા અકાળે અવસાન પામ્યાં. નહેરના બન્ને કાંઠે જો ત્રણ-ચાર ફૂટ ઊંચી મજબૂત દીવાલ કે કોઇ આકરા બનાવવામાં આવે તો આવા અકસ્માતો ચોક્કસ ટાળી શકાય એમ છે. વિકાસને વેગ આપવા આપણાં દેશમાં બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન અને એક્સપ્રેસ હાઇવે નિર્માણનું કાર્ય તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. એ આનંદની વાત છે પરંતુ નાગરિકોની સલામતી માટેના કાર્યો પણ વિના વિલંબે થતા રહે એ જરૂરી છે. આશા રાખીએ કે તંત્ર નહેરના બન્ને કાંઠે દીવાલનું નિર્માણ કરી નિર્દોષ નાગરિકોને મોતના મુખમાં હોમાતા અટકાવે.
સુરત     – પ્રફુલ્લ એમ. રાઠોડ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top