Columns

મંત્ર વગર દેવની પૂજા શકય નથી, મંત્ર તમારું રક્ષણ કરે છે

મંત્રો ભોગ અને મોક્ષ આપનારા છે. મંત્રો સર્વ કામનાઓની પૂર્તિ પણ કરે છે. મંત્રો દેવતા સ્વરૂપ છે. જગત મંત્રરૂપ છે. શિવના મુખમાંથી જ કરોડો મંત્ર ઉત્પન્ન થયા છે. મંત્રો દ્વારા જ સર્વ ક્રિયાઓ થાય છે. તેથી મંત્ર વગર દેવની પૂજા શકય નથી. મંત્રનું મનન કરવાથી સંસાર – સાગરમાંથી છોડાવે છે અને મંત્ર રક્ષણ કરે છે. વાતુલ શુદ્ધ નામના તંત્ર ગ્રંથમાં કહેવાયું છે કે જેમ આપણે કોઇને નામથી બોલાવીએ અને એ વ્યકિત આવે તે રીતે મંત્રના પ્રયોગથી શિવ સ્વયં ઉપસ્થિત થાય છે.
આહવાનત: સ્વનામ્રા તુ જન: સંનિહિતો યથા
તથા મંત્રપ્રયોગેણ શિવ: સન્નિહિતો ભવેત્‌
(વાતુલશુદ્રાખ્યતન્ત્ર 5-8)

શિવના બીજ મંત્રો
તંત્રશાસ્ત્ર કહે છે કે શિવના જ્ઞાન કરતાં વધારે કોઇ જ્ઞાન શ્રેષ્ઠ નથી. શિવના બીજમંત્રોમાં ‘હં’ ‘હ્યૈં’ ‘હૌં’ ‘હંસ’ વગેરે છે. આ બધાં જ બીજ મંત્રોમાં ‘હ્યૈં’ મંત્રરૂપે સાક્ષાત્‌ શિવ છે તેવું કહેવાય છે.
‘હૌં’ સર્વ સિદિ્‌ધ આપનારો મંત્ર છે.
ૐ નમ: શિવાય મોક્ષ આપનારો મંત્ર છે.
શાકતતંત્ર અને શૈવતંત્રમાં હ્રીં પ્રણય ગણાય છે.

આ ઉપરાંત ‘હૌં સદાશિવાય નમ:’ અથવા ‘હૌં સદાશિવાય’ પરમ મુકિત આપનાર મંત્ર છે. ‘ૐ હૌં હં સદાશિવાય’ એવો અષ્ટાક્ષર મંત્ર સર્વપ્રકારની સંપત્તિઓ આપે છે. ૐ હૌં જૂં સ: એવો મંત્ર મૃત્યુજય મંત્ર ગણાય છે.
આ બધાં મંત્રો ભકિતભાવપૂર્વક શિવમંદિરમાં અથવા તો ઘરે સ્થાપિત શિવલિંગની સામે કરવાથી સિદ્ધ થાય છે. ભગવાન શિવ જ સર્વ મંત્રોના અધિષ્ઠાતા છે આથી આ મંત્રો ગુરુકૃપાથી મળે છે અથવા શિવની આજ્ઞા મેળવીને આ મંત્રો કરીએ તો પણ ઇચ્છિત ફળ મળે છે.

હંસમન્ત્ર
‘હ્રીં મન: શિવાય, હ્રીં નમ: શિવાયૈ’ એ પંચાક્ષર મન્ત્ર હંસમન્ત્ર કહેવાય છે. આ મંત્રથી જગતના માતા-પિતા શિવપાર્વતી બંનેનું એક સાથે સ્મરણ થાય છે. આ મંત્ર હંસમન્ત્ર છે. કેમકે એ મુકિત આપનાર છે. આ ઉપરાંત હંસમન્ત્ર શરીરનાં બધાં ચક્રોમાં પ્રસરીને પરમ શાંતિ આપનાર છે. જયારે હ્રીં બીજ લગાડવામાં આવે ત્યારે ૐ કરાની જરૂર રહેતી નથી. હ્રીં દેવપ્રણય છે. આથી ૐ કારની આવશ્યકતા વગર સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ‘શ્રીં હ્રીં કલીં નમ: શિવાય, શ્રીં હ્રીં કલીં નમ: શિવાયૈ’ મંત્ર આર્થિક સુખ, સમૃદ્ધિ, આરોગ્ય, પ્રસન્નતા તથા આપત્તિનો નાશ કરનાર મંત્ર છે.

‘શ્રીં’ લક્ષમી બીજ છે, હ્રીં ભુવનેશ્વરી અને સૂર્યનું બીજ છે, ‘કલીં’ મહાકાલી અને કૃષ્ણનું બીજ છે. આથી ‘શ્રીં હ્રીં કલીં નમ: શિવાય, શ્રીં હ્રીં કલીં નમ: શિવાયૈ’ મન્ત્રનું સતત સ્મરણ, જપ અને ઉચ્ચારણ આ સંસારનાં સુખો તથા પરલોકમાં શ્રેય આપનાર છે. શિવના મન્ત્રો આપોઆપ સિદ્ધ જ છે, આથી તેમને સિદ્ધ કરવાની આવશ્યકતા રહેતી નથી. ગુરુ મળે અને ગુરુ દ્વારા મંત્ર પ્રાપ્ત થાય તો વધુ સારું છે, અન્યથા શિવનું દક્ષિણામૂર્તિ સ્વરૂપ સર્વશ્રેષ્ઠ ગુરુ છે, કેમકે શિવ દ્વારા જ બધા મન્ત્રો, આગમો અને શસ્ત્રોનું સર્જન થયું છે, આથી ‘દક્ષિણામૂર્તિ’ ભગવાનનું સ્મરણ કરીને ઉપર દર્શાવેલા મંત્રો શ્રદ્ધાપૂર્વક કરવા.

Most Popular

To Top