પરીક્ષાઓ સમયે સામાજિક નિસ્બત રાખવી જરૂરી

કોરોના કાળ પછી આ વખતે શાળા-કોલેજની પરીક્ષાઓ લગભગ સામાન્ય કહી શકાય તેવા સંજોગોમાં યોજાશે. આ પરીક્ષાઓ આપણાં માટે અનેક પડકારો લઇને આવી છે. જેમ કે હમણાં જ શરૂ થનારી દસમા-બારમાની પરીક્ષાઓ! આમ તો ગુજરાતમાં માર્ચ – એપ્રિલમાં નહિ ઠંડી – નહિ ગરમીના દિવસો જોવા મળતા, માટે જ આપણે શાળાકીય બોર્ડની પરીક્ષા માર્ચમાં ગોઠવતા. આ વર્ષે માર્ચના છેલ્લા અઠવાડિયામાં ગોઠવી છે. પણ છેલ્લાં બે વર્ષથી ગરમી વહેલી શરૂ થઇ જાય છે. વળી આ વર્ષથી શરૂ થયેલ હિટ વેવ માર્ચમાં મે નો અનુભવ કરાવે છે. આ તાપમાં બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ કરતા ગ્રામ વિસ્તાર અને છેવાડાનાં સેન્ટરોના સંચાલક માટે પડકારરૂપ બનશે! આપણે પરીક્ષા સમયે સામાજિક નિસ્બત સર્જવાની પણ જરૂર છે. ખાસ તો બોર્ડની પરીક્ષાના અઠવાડિયા દરમ્યાન પોળ, સોસાયટીમાં સામાજિક, ધાર્મિક પ્રસંગોની ઉજવણીમાં મોટા માઇક ન વગાડવા, પરીક્ષાના સમયે જાહેર માર્ગો પર રાજકીય, સામાજિક કે ધાર્મિક રેલી દ્વારા રસ્તા બ્લોક ન કરવા, સરકારે પણ આ બાબતે ધ્યાન રાખવાની જરૂર છે. કોઇને થશે કે આવું તો ઓછું કહેવું પડે! આ તો સમજવાનું જ હોય! પણ ના, ઘણાને કહેવું પડે છે. સમજદાર લોકોએ આગેવાની લેવી પડે.

દસમા-બારમાની પરીક્ષા અને પરિણામ બાબતે બે વાત ખૂબ મહત્ત્વની છે. એક તો એ કે છેલ્લાં બે વર્ષમાં બાળકોને સળંગ લખવાનો મહાવરો છૂટી ગયો છે અને અગાઉનાં વર્ષોમાં બધા પાસ થવાની નીતિના કારણે એક વર્ગ ખૂબ નબળો છે, જે આ વર્ષે બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે. ખાસ તો બારમાની બોર્ડની પરીક્ષા આપનારને દસમા બોર્ડની પરીક્ષાનો અનુભવ ન હતો! તેઓ ખરા અર્થમાં પરીક્ષા આ વખતે જ આપી રહ્યા છે. આ વિદ્યાર્થીઓનો આખો જ દેખાવ તેમના લખવાના કૌશલ પર આધારિત છે. કદાચ મોટો વર્ગ પરીક્ષામાં સારો દેખાવ ન કરી શકે. આ તબકકે શિક્ષણની ચિંતા કરનારા સૌ એ સત્તાવાળા, વાલીઓ અને શિક્ષણજગતનાં આગેવાનોને ભાવપૂર્વક કહેવું પડશે કે પરિણામ નીચું આવે તો સ્વીકારી લેજો. વિદ્યાર્થીઓને હૂંફ આપજો. બીજા પ્રયત્નને માટે પ્રોત્સાહિત કરજો. આ વરસ પૂરતા બીજા પ્રયત્નને પણ પ્રથમ પ્રયત્ન જ ગણજો પણ… મહેરબાની કરીને અઢળક કૃપાગુણ આપીને રીઝલ્ટ ઊંચુ લાવવાનો પ્રયત્ન ન કરશો! ખોટી રીતે પાસ કરવાની નીતિને કાયદેસર ના બનાવશો! આવું કરવાથી શાળા કોલેજોને વિદ્યાર્થી સંખ્યા મળશે, શિક્ષણનો ધંધો કરનારાને ફાયદો થશે, સરકારને નીચા પરિણામનો ઉહાપોહ નહિ સાંભળવો પડે! વાલીઓ વિદ્યાર્થીઓ ટૂંકા ગાળા માટે રાજી થશે! પણ એક આખી પેઢી કેળવાયા વગરની, શિક્ષણ વગરની આગળ વધી જશે! સમાજે, જાગૃત વાલીઓએ, તેજસ્વી કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીએ સૌ એ એક વરસની નિષ્ફળતાને હસતા મોઢે સ્વીકારવાની તૈયારી રાખવા જેવી છે! આ વખતની પરીક્ષાઓ શિક્ષણના સ્તરને જાળવવાનો મોટો પડકાર લઇને આવી છે. ગુજરાતે તે માટે તૈયાર રહેવાની જરૂર છે.

બોર્ડની પરીક્ષાની જેમ યુનિવર્સિટી લેવલે પરીક્ષા તથા પરીક્ષણનો ગંભીરતાપૂર્વક વિચાર કરવા જેવો છે. હવે લેખિત અને રેગ્યુલર પરીક્ષાઓ દ્વારા જ મૂલ્યાંકન થાય અને યુનિવર્સિટી કક્ષાએ બે કે ત્રણ જણા ભેગા થઇને મનફાવતા નિર્ણય ન લે તે સરકારે જોવું પડશે. બાકી એમ.સી.કુ અને ઓનલાઇન પરીક્ષાના તૂત દ્વારા બધાને પાસ કરી આગળ ધકેલોની નીતિ ચાલ્યા કરશે!પરીક્ષા સમયે સૌથી વધુ ચિંતા વાલી કે વિદ્યાર્થીને નહીં, પણ સેલ્ફ ફાયનાન્સના સંચાલકોને હોય છે! ઊંચા પરિણામ આવે તો જ શિક્ષણનું બજાર ધમધમે! આ સેલ્ફ ફાયનાન્સ શાળા-કોલેજો ભરપૂર ધમધમે એ માટે પરીક્ષણના નિયમો મૂલ્યાંકનની ગુણવત્તા બધું જ બદલવામાં આવે છે! ગુજરાતના કોઇ શિક્ષણવિદે! આ બાબતે પ્રશ્ન ઊભા કર્યા નથી! ગુણવત્તા વગરની માર્કશીટ લઇને બેકારીની લાઇનમાં ઊભા રહેવા માંગતા વાલીઓ અને વિદ્યાર્થીઓ ચેતે! તે જ આ પરીક્ષા સમયનો ખરો પડકાર છે!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top