રશિયા-યુક્રેન યુદ્ધ: ભારતે તંગ દોરડા પર ચાલવાનો ખેલ કરવો પડે છે

રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારબાદ વિદેશનીતિની બાબતમાં ભારત સામે કેટલીક મૂંઝવનારી અને પડકારજનક સ્થિતિઓ ઉભી થઇ. એક તો અમેરિકા સહિતના ભારતના કેટલાક પશ્ચિમી દેશો કે જેઓ રશિયાને સખત રીતે વખોડી રહ્યા છે અને તેના પર જાત જાતના પ્રતિબંધો લાદી ચુક્યા છે કે લાદી રહ્યા છે તેમને પણ રાજી રાખવાનું ભારત માટે જરૂરી હતું અને બીજી બાજુ પરંપરાગત મિત્ર રશિયાની સામે ખુલ્લેઆમ પડી શકાય તેમ ન હતું. વળી, એક અણધારી કટોકટી યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકો, ખાસ કરીને તે દેશમાં ભણવા ગયેલા વિદ્યાર્થીઓને લગતી હતી. યુક્રેનમાં હજારોની સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાઇ ગયા હતા અને તેમને સલામત બહાર કાઢીને સ્વદેશ લાવવા માટે ભારત સરકારે ભારે જહેમત ઉઠાવવી પડી, યુક્રેન અને રશિયા – બંને દેશોની સરકારોનો સહકાર વારંવાર માગવો પડ્યો. આંતરરાષ્ટ્રીય સંબંધોની બાબતમાં ભારત અમેરિકા સહિતના પશ્ચિમી દેશો અને પોતાના જૂના સાથી દેશ રશિયા બંનેને રાજી રાખવા જરૂરી હતા અને ભારતે આ બાબતમાં તંગ દોરડા પર ચાલવાનો ખેલ કરવો પડ્યો.

ભારતે યુએનમાં રશિયા અને યુક્રેન યુદ્ધના સંદર્ભમાં થયેલા વિવિધ ઠરાવો પર મતદાન વખતે ગેરહાજર જ રહેવાનું વલણ અપનાવ્યું છે. ભારત યુએનની સુરક્ષા પરિષદના અન્ય ૧૨ સભ્ય દેશો સાથે ગત ગુરુવારે તે ઠરાવ પર મતદાનમાં ગેરહાજર રહ્યું હતું જે ઠરાવ રશિયાની આગેવાનીમાં કેટલાક દેશોએ યુક્રેનમાં માનવતાવાદી કટોકટી અંગે રજૂ કર્યો હતો.આ ઠરાવનો મુસદ્દો રશિયા દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો અને તેને સિરિયા, ઉત્તર કોરિયા અને બેલારૂસ દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો. આ ઠરાવ બુધવારે યુએનની સુરક્ષા પરિષદમાં પસાર થઇ શક્યો ન હતો કારણ કે તેના ટેકામાં નવ મતો મળ્યા ન હતા. રશિયા અને ચીને આ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું.

જયારે આ ઠરાવની વિરુદ્ધમાં કોઇ સભ્ય દેશે મતદાન કર્યું ન હતું પરંતુ ભારત તથા સુરક્ષા પરિષદના બાકીના સભ્યો આ ઠરાવ પર મતદાન વખતે ગેરહાજર રહ્યા હતા. રશિયા યુએન સુરક્ષા પરિષદનું એક કાયમી અને વીટો પાવર ધરાવતું સભ્ય છે અને તેણે પોતાના ઠરાવ પર વીટો માટે હાકલ કરી હતી જે ઠરાવ તેના કહેવા પ્રમાણે નાગરિકો, જેમાં માનવતાવાદી કાર્યકર્તાઓનો પણ સમાવેશ થાય છે તેમનો, જોખમ સ્થિતિમાંના લોકો- જેમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે તેમના સંપૂર્ણ રક્ષણની હાકલ કરે છે. જો કે રશિયાના આ ઠરાવમાં તેણે પોતે યુક્રેન પર કરેલા આક્રમણનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પોતે આ ઠરાવ પરના મતદાનમાં ગેરહાજર રહ્યું તે બાબતે અમેરિકાએ ખુલાસો કર્યો હતો કે યુક્રેનમાં જે માનવતાવાદી કટોકટી ઉભી થઇ છે તે રશિયાએ પોતે જ સર્જી છે અને તે તેના પર ઠરાવ પસાર કરાવવા માગે છે.

ભારતે કોઇ નિવેદન કર્યું ન હતું. બીજી બાજુ, યુક્રેન પર રશિયાના આક્રમણ પછી યુક્રેનમાં સર્જાયેલી માનવતાવાદી કટોકટી અંગે યુક્રેન અને તેના પશ્ચિમી સાથી દેશો દ્વારા ગુરુવારે જ યુએનની સામાન્ય સભામાં ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ માટે ૧૯૩ સભ્યોની સામાન્ય સભાની ૧૧મી તાકીદની ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. આ ઠરાવ પર મતદાનમાં પણ ભારત ગેરહાજર રહ્યું હતું. યુક્રેન તરફથી રજૂ થયેલા આ ઠરાવની તરફેણમાં ૧૪૦ મત પડ્યા હતા, પાંચ મતો વિરુદ્ધમાં પડ્યા હતા અને ૩૮ દેશો ગેરહાજર રહ્યા હતા. દેખીતી રીતે ભારતે રશિયા અને પોતાના રશિયા વિરોધી મિત્રો વચ્ચે સમતોલન જાળવવું પડે છે. યુદ્ધની શરૂઆતના દિવસોમાં અમેરિકા દ્વારા રશિયાને વખોડતો એક ઠરાવ યુએનની સુરક્ષા પરિષદમાં રજૂ કરવામાં આવ્યો હતો, તે ઠરાવ પર મતદાન વખતે પણ ભારત ગેરહાજર રહ્યું હતું.

રશિયાએ તે ઠરાવ વીટો વાપરીને ઉડાવી દીધો તેના પછી યુએનની સામાન્ય સભામાં તે ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ માટે સામાન્ય સભાની તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી, ભારત તે ઠરાવ પર મતદાન વખતે પણ ગેરહાજર રહ્યું હતું. ભારતની સાથે ચીન અને સંયુક્ત આરબ અમીરાત પણ તે ઠરાવો પર મતદાન વખતે ગેરહાજર રહ્યા હતા. હાલ થોડા સમય પહેલા યુક્રેને રશિયા સામે આંતરરાષ્ટ્રીય અદાલત(આઇસીજે)માં કરેલા કેસની સુનાવણી થઇ ત્યારે આઇસીજેમાંના ભારતીય જજ દલવીર ભંડારીએ રશિયાની વિરુદ્ધમાં મત આપ્યો ત્યાર ભારતીય વિદેશ મંત્રાલયે ખુલાસો કરવો પડ્યો હતો કે જજે પોતાની અંગત હેસિયતથી ચુકાદો આપ્યો છે. આમાં પણ ભારતે પોતાની છાપ રશિયા વિરોધી તરીકેની ઉભી નહીં થાય તે બાબતની કાળજી રાખીને આ નિવેદન આપ્યું હતું. આજના સંકુલ આંતરરાષ્ટ્રીય માહોલમાં ઘણા કિસ્સાઓમાં ભારે મુત્સદ્દીગીરીથી કામ લેવું પડે છે અને હાલમાં ભારત તે જ કરી રહ્યું છે.

Most Popular

To Top