SURAT

ભારતમાં વાઘની વસ્તી વધી તે આનંદની બાબત

ભારતમાં જ છે તે ખરેખર ગૌરવ લેવા જેવી બાબત ગણાય. વાઘની હાલની વસ્તી ચાર વર્ષ અગાઉ હતી તેના કરતા ૨૦૦ વધુ થઇ છે એમ હાલની વાઘ વસ્તી ગણતરીના અંદાજો જણાવે છે. હાલમાં ખુદ વડાપ્રધાન મોદીએ ભારતમાં પ્રોજેકટ ટાઇગરને ૫૦ વર્ષ પુરા થવાના પ્રસંગે વાઘની વસ્તી વગેરેનો લગતો અહેવાલ ખુલ્લો મૂક્યો હતો અને તેના પરથી આ માહિતીઓ મળે છે. ભારતમાં પ્રોજેક્ટ ટાઇગર વર્ષ ૧૯૭૩માં તે સમયન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ શરૂ કરાવ્યો હતો જેનો હેતુ ભારતમાં વાઘની વસ્તીનું જતન અને સંવર્ધન કરવાનો હતો અને કહી શકાય કે લગભગ તમામ સરકારોએ વધતી ઓછી ઉત્કંઠાથી આ પ્રોજેકટને અમલમાં મૂક્યો છે.

હાલમાં આપણે ભલે ત્રણ હજાર કરતા થોડી વધુ વસ્તી વાઘની થઇ તેમાં પણ હરખાઇ જઇએ, પરંતુ એક સમયે ભારતમાં હજારો વાઘ જંગલોમાં વિહાર કરતા હતા. આખી દુનિયામાં તો આ આંકડો ઘણો મોટો થાય. પછી માણસની વસ્તી વધી, માણસની પ્રહાર શક્તિ પણ વધી અને વાઘનો શિકાર વધુ પ્રમાણમાં થવા માંડ્યો. એક અંદાજ પ્રમાણે ફક્ત ૧૮૭પથી ૧૯૨૫ના વર્ષ દરમ્યાન જ ભારતમાં ૮૦૦૦૦ કરતા વધુ વાઘોને મારી નાખવામાં આવ્યા. વાઘનું આ રીતે નિકંદન નિકળી જતા તેના અસ્તિત્વ સામે જોખમ આવી ગયું અને છેવટે પ્રોજેકટ ટાઇગર અમલમાં મૂકવામાં આવ્યો. તેના કંઇક સારા પરિણામો પણ મળ્યા છે.

પ્રોજેકટ ટાઇગર હેઠળ વાઘોના રક્ષણ અને સંવર્ધન માટે અનેક કાર્યક્રમો અમલમાં મૂકાયા. કેટલાક વ્યાઘ્ર અભયારણ્યો પણ રચાયા અને આજે વાઘ કંઇક સારી કહી શકાય તેવી સંખ્યા પર પહોંચ્યા છે. હાલમાં જે વાઘની વસ્તી ગણતરી ગયા વર્ષે કરવામાં આવી તે પણ વિશ્વની આ પ્રકારની કદાચ સૌથી મોટી વસ્તી ગણતરી હતી. વર્ષ ૨૦૨૨માં કરવામાં આવેલ અખિલ ભારતીય વાઘ વસ્તીગણતરી એ આજની તારીખ સુધીનું સૌથી ખર્ચાળ વન્યજીવ સર્વેક્ષણ બન્યું છે, જેમાં દેશના ૨૦ રાજ્યોને આવરી લેવામાં આવ્યા હતા અને ૬૪૧૪૪૯ કિલોમીટરના વિસ્તારમાં વાઘના પદચિન્હોનું પ્રભાવશાળી સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું એ મુજબ નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓ જણાવે છે.

સ્ટડી ટીમમાં એનટીસીએના અને રાજ્યોના અધિકારીઓ અને નિષ્ણાતો, રિસર્ચ બાયોલોજીસ્ટો, વૈજ્ઞાનિકો, સંકલનકારો, ઇન્ટર્ન્સ અને સ્વયંસેવકોનો સમાવેશ થતો હતો. આ કવાયતના ભાગરૂપે વનસ્પતિ અને માણસો પર અસરો ચકાસવા ટીમે વાઘના ૩૨૪૦૦૩ વસવાટોમાંથી સેમ્પલો ભેગા કર્યા હતા અને વાઘનો શિકાર એવા શાકાહારી પશુઓના છાણ વગેરેની તપાસ કરી હતી. ૩૨પ૮૮ સ્થળોએ કેમેરા ટ્રેપ્સ ગોઠવવામાં આવ્યા હતા જેના પરિણામે ૪૭૦૮૧૮૮૧ જેટલી પ્રભાવશાળી કહી શકાય તેટલી સંખ્યામાં તસવીરો ખેચી શકાઇ હતી.

આ અભ્યાસમાં સઘન પ્રમાણમાં પ્રયાસોની જરૂર પડી હતી, જેમાં ટીમે ૬૪૧૧૦૨ કરતા વધુ માનવ દિવસોનું રોકાણ કર્યું હતું. અમે માનીએ છીએ કે આ વિશ્વમાં આજની તારીખ સુધીમાં કોઇ પણ વન્ય સર્વેક્ષણ કરતા સૌથી વધુ પ્રયાસોવાળુ સર્વેક્ષણ ઉપરની તમામ રીતે જોતા છે એમ આ અહેવાલ જણાવે છે. વાઘની વસ્તી ગણતરી માટે ઉઠાવવામાં આવેલી આ જહેમત કેટલાકને વધારે પડતી લાગે પરંતુ એકનો એક વાઘ ફરી વખત ગણાઇ નહીં જાય અને વાઘોની સંખ્યાની સચોટ માહિતી મળી રહે તે માટે ઘણી કાળજીપૂર્વક વસ્તી ગણતરી કરવી જરૂરી છે.

વાઘ જેવા પશુઓના રક્ષણ અને સંવર્ધન માટે કરવામાં આવતા પ્રયાસોને ઘણા લોકો નિરર્થક માને છે અને કેટલાક તો તે પ્રયાસોની સખત ટીકા કરે છે. અધુરામાં પુરુ વાઘ જેવા પ્રાણીઓ ઢોર ઢાંખર કે માણસ સુ્દ્ધાંને મારી નાખે ત્યારે આવા લોકોની વાતને બળ મળે છે અને જે વિસ્તારમાં આવા બનાવો બન્યા હોય ત્યાં લોકરોષ ફાટવાની ઘટનાઓ પણ બને છે. હાલમાં ઉત્તરાખંડમાં વાઘે માણસને મારી નાખ્યો હોય તેવી ઉપરાછાપરી બે ઘટનાઓ બની છે. માણસ અને વન્ય પશુઓ વચ્ચેનો સંઘર્ષ વધવાની ઘટનાઓના અનેક કારણો હોય છે અને આવી ઘટનાનો નિવારવા માટેના પ્રયાસો કરવા જોઇએ.

ખાસ કરીને માણસની વધેલી વસ્તી અને વન્ય પશુઓના વિહાર માટેની ઘટેલી જગ્યા અને ઘટેલા સ્ત્રોતોને કારણે આ સંઘર્ષ વધ્યો છે પરંતુ વાઘ, દીપડા જેવા પશુઓ પણ બારીક પર્યાવરણીય સમતુલા જળવાઇ રહે તે માટે જરૂરી છે. યોગ્ય અને સમજાદારીભર્યા અભિગમ સાથે આ પશુઓના જતન માટેના પ્રયાસો થવા જ જોઇએ. હાલમાં અનેક માનવ વસવાટના સ્થળોએ દીપડા ઘૂસી આવતા હોવાના બનાવો ઘણા વધી ગયા છે, ગીરના જંગલમાંથી બહાર નિકળીને સિંહો પણ વસ્તીવાળા વિસ્તારોમાં કયારેક આવી જાય છે.

પશુઓના વિહાર માટેના વિસ્તારો ઘટ્યા હોવાને કારણે આવું બની રહેલું જણાય છે. કેટલાક લોકો દલીલ કરે છે કે આવા જંગલી પશુઓને આટલું મહત્વ આપવાની શી જરૂર છે? પરંતુ જો વાઘ, દીપડા જેવા પશુઓની વસ્તી નામશેષ થઇ જાય તો હરણ જેવા પશુઓની સંખ્યા ખૂબ વધી જાય અને તેઓ ખેતરોમાં ઘૂસીને પાકનો સફાયો કરવા માંડે, જો મોટા ભાગ શાકાહારી, માંસાહારી વન્ય પશુઓનો સફાયો થઇ જાય તો ગંભીર પર્યાવરણીય અસરો પણ લાંબે ગાળે થઇ શકે છે એમ નિષ્ણાતો કહે છે આથી વન્ય પશુઓનું જતન જરૂરી છે.

Most Popular

To Top