Comments

રાહુલ ગાંધી હવે જૂના રાહુલ ગાંધી નથી રહ્યા?

રાહુલ ગાંધી જ્યાં સુધી ચૂંટણી જીતવાનું અને બીજેપીને હરાવવાનું સત્તાકીય સંસદીય રાજકારણ કરતા હતા ત્યાં સુધી નરેન્દ્ર મોદીને અને બીજેપીને રાહુલ ગાંધીનો ખાસ ભય નહોતો. ક્યાં નરેન્દ્ર મોદીનું કદ અને ક્યાં રાહુલ ગાંધીનું! ક્યાં નરેન્દ્ર મોદીની વક્તૃત્વશક્તિ અને ક્યાં રાહુલની! ક્યાં બીજેપીની આર્થિક તાકાત અને ક્યાં કોંગ્રેસની! ક્યાં બીજેપીનું સોશ્યલ મીડિયા મેનેજમેન્ટ અને ક્યાં કોંગ્રેસનું!

ક્યાં બીજેપી/સંઘપરિવારની સમર્પિત કેડર અને ક્યાં કોંગ્રેસનું કાર્યકર્તાવિહોણું સંગઠન! ઉપરથી સિવાય રાહુલ ગાંધીને પપ્પુ ઠરાવીને હાસ્યાસ્પદ બનાવી મૂકવામાં આવ્યા હતા. બીજેપી વિરોધીઓએ પણ રાહુલ ગાંધીના નામનું નાહી નાખ્યું હતું. આમ રાહુલ ગાંધીથી ડરવા માટે ખાસ કોઈ કારણ નહોતું. જો કે સાવ નહોતા ડરતા એવું પણ નહોતું. આખરે કોંગ્રેસ દેશભરમાં ઓળખ ધરાવનારો પક્ષ છે અને કાલે મતદાતા વિકલ્પ શોધતા થાય તો વિકલ્પ કોંગ્રેસ બને. માટે બીજેપીએ સૌથી વધુ સમય, શક્તિ અને પૈસા રાહુલ ગાંધીની પાછળ ખર્ચ્યા છે.

પણ હવે રાહુલ ગાંધીનો પહેલાં કરતાં વધુ ભય લાગે છે. એટલા માટે નહીં કે તેઓ અદાણી-મોદી કનેક્શન વિષે પ્રશ્ન પૂછે છે, પણ એટલા માટે કે રાહુલ ગાંધીને એક ચીજ જડી ગઈ છે. એ ચીજ પહેલાં પણ હાથવગી હતી જ, પણ હવે રાહુલે તેને હાથવગી નથી કરી, જીવવગી કરી છે. ખરું પૂછો તો એમ કહેવું જોઈએ કે રાહુલ ગાંધીએ નાનીનાની ચૂંટણીકીય લડાઈ લડવાનું પડતું મૂકીને મોટી અને મૂળભૂત લડાઈ લડવાનું બીડું ઝડપ્યું છે.

જીહાદ એ એકબર. મારા હિન્દી સાહિત્યકાર મિત્રે જાણીતા હિન્દી વ્યંગ લેખક હરિશંકર પરસાઈનું એક કથન કહ્યું હતું. પરસાઈજીએ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર સ્વીકારતી વખતે જે વ્યાખ્યાન આપ્યું હતું તેમાં તેમણે પ્રારંભમાં જ કહ્યું હતું કે “મેં લેખક તો છોટા હૂં, લેકિન સંકટ બડા હૂં.”મોટા મોટા આચાર્યો, વાચસ્પતિઓ, જે તે સંસ્થાઓના અધિપતિઓ, સાહિત્ય-સંસ્કૃતિના ઠેકેદારો માટે હું સંકટ છું. રાહુલ ગાંધીને પણ આ વાત લાગુ પડે છે. રાહુલ ગાંધી ચૂંટણીકીય પડકાર નથી, સંકટ છે.

તમે એક વાત નોંધી? મીડિયા જગતના વાચાળ વાચસ્પતિઓ અને વિરોધ પક્ષોના કેટલાક નેતાઓ એક પ્રશ્ન વારંવાર ઉપસ્થિત કરી રહ્યા છે કે, “હા, રાહુલ ગાંધી અઘરા સવાલો પૂછી રહ્યા છે, રસ્તા ઉપર ઉતરે છે, તેમનામાં સાતત્ય જોવા મળે છે, પદયાત્રા કરી પણ એ આખરે મતમાં પરિવર્તિત થશે?”અને પછી ઈંગિત કરે છે કે આ બધો દળીદળીને ઢાંકણીમાં ઉધારવાનો ધંધો છે વગેરે વગેરે. તેઓ ધરાર રાહુલ ગાંધીને હાર-જીતનાં ચૂંટણીના મેદાનમાં ધકેલે છે, પણ રાહુલ એ તરફ નજર પણ કરતા નથી. તેઓ ઇરાદાપૂર્વક રાહુલ ગાંધીને નરેન્દ્ર મોદીના રાજકીય પ્રતિસ્પર્ધી બનાવવા માગે છે, પણ રાહુલ ગાંધી તેમની જાળમાં સપડાતા નથી અને વૈચારિક અંતિમે ઊભા રહે છે. રાહુલ ગાંધીએ તેમની પદયાત્રા દરમ્યાન એક માર્મિક વાત કહી હતી. મેં વહ રાહુલ ગાંધી કો પીછે છોડકર નિકલા હું. વહ એટલે કે હાર-જીતનું સત્તાકીય રાજકારણ કરનારો રાહુલ ગાંધી.

આગળ કહ્યું એમ જીહાદ એ અકબર. મુકાબલો વૈચારિક છે. મુકાબલો ભારતની ધરોહરનો છે. મુકાબલો ભાતીગળ અને વિદેશથી આયાત કરેલી વિચારધારા વચ્ચેનો છે. મુકાબલો સહિયારા ભારત માટેનો છે. મુકાબલો સેક્યુલર લોકતાંત્રિક બંધારણીય ભારત માટેનો છે. મુકાબલો લઘુતાગ્રંથી અને આત્મવિશ્વાસ વચ્ચેનો છે. મુકાબલો અતીત અને વર્તમાન વચ્ચેનો છે. મુકાબલો ડરતું રોતલ ભારત અને પોતીકી જગ્યા બનાવનારા સંઘર્ષરત ભારત વચ્ચેનો છે. મુકાબલો સદ્ગુણની ઉપાસના કરનારા ભારત અને સદ્ગુણને નબળાઈ કે વિકૃતિ તરીકે જોનારા ભારત વચ્ચેનો છે.

ટૂંકમાં મુકાબલો એવા ભારત માટેનો છે જે હિંદુ ભારત કરતાં ૧૮૦ ડીગ્રી સામેના છેડાનું છે. વેદોના ઋષિઓથી લઈને વિનોબા ભાવે સુધીના દાર્શનિકોએ અને આધુનિક યુગમાં રામમોહન રાયથી લઈને નેહરુ-આંબેડકર સુધીનાઓએ જે ભારતની કલ્પના કરી છે એ ભારત આપણી પોતાની માટીની સુગંધ ધરાવે છે. ભારત નામની એ કલ્પના ભારતમાં ઊગી, ભારતમાં ઉછરી, ભારતમાં વિકસી, ભારતમાં એ સમૃદ્ધ થઈ અને એણે ભારતને વિશ્વમાં પ્રતિષ્ઠા આપી. સામે સંઘનો બહુમતી રાષ્ટ્રવાદ સો ટકા વિદેશી છે. વિનાયક દામોદર સાવરકર દ્વારા વિદેશથી ભારતમાં આયાત કરેલો છે. બહુમતી રાષ્ટ્રવાદ આપણી માટીનો છોડ નથી.

ભારત વિશેની આયાતી કલ્પના ભારત વિશેની ભાતીગળ કલ્પનાને ઉઝેડી નાખવા માગે છે. રાહુલ ગાંધી ભારત વિશેની આયાતી કલ્પનાને અને તેના વરવા પ્રદર્શનને પડકારે છે અને ભાતીગળ ભારતને પકડી લીધું છે જે વાતે શાસકો ડરે છે. આખરે આયાતી એ આયાતી છે અને પોતાનું એ પોતાનું છે. પોતાની માટીમાં એક ગજબની સંભાવના રહેલી છે. આ અર્થમાં રાહુલ ગાંધી એક સંભાવના છે અને રાહુલ ગાંધી નામની સંભાવનાનો ડર લાગે છે. શાસકોને ઇશારે જાણીબૂઝીને રાજકીય નિરીક્ષકો ચૂંટણીને વચ્ચે લાવે છે અને રાહુલ ગાંધી ચૂંટણી તરફ નજર પણ કર્યા વિના ભાતીગળ ભારતની વાત કરે છે. ભાતીગળ ભારત સામે વિદેશથી આયાત કરેલા હિંદુ ભારતને બે પગે ઊભું રાખવું એ કપરું કામ છે. ક્યાં સુધી કોઈ પ્રજાને ડરાવી અને રડાવી શકાય? અને એ પણ એવી પ્રજા જેને વિદેશી કે વિધર્મીઓથી ડરતા અને રડતા ક્યારેય આવડ્યું જ નથી. સાવરકર પણ આ નહોતા કરી શક્યા. નરેન્દ્ર મોદી, ભાજપ અને સંઘ પરિવાર માટે આ દુખતી નસ છે.
બાકી ક્યારેય કોઈ ભડવીરને પપ્પુનો ડર લાગે?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top