National

ભારતમાં કોરોનાએ સ્થગિત કરેલી IPL ડબલ પ્રોટેક્શન સાથે UAEમાં રમાશે: 30,000થી વધુ RT-PCR

દુબઇ : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ યુએઇમાં રમાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના બીજા તબક્કાની 31 મેચો દરમિયાન ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને અન્ય હિતધારકો મળીને કુલ 30,000થી વધુ આરટી-પીસીઆર ટેસ્ટ (RT-PCR) કરાવશે. તેના માટે દુબઇ સ્થિત એક હેલ્થકેર કંપની વીપીએસ હેલ્થકેર (VPS healthcare) બધી સુવિધાઓ પુરી પાડશે.

19 સપ્ટેમ્બરથી શરૂ થનારા ટૂર્નામેન્ટના બીજા તબક્કા માટે ખેલાડીઓની કોઇ પણ પ્રકારની મેડિકલ ઇમરજન્સી, સ્પોર્ટસ મેડિસીન એક્સપર્ટ અને એર એમ્બ્યુલન્સ સપોર્ટ સહિતની તમામ જવાબદારી વીપીએસ હેલ્થકેરને જ સોંપવામાં આવી છે. ભારત (India)માં આઇપીએલ દરમિયાન બાયો બબલ (Bio bubble)માં કોરોના (Corona)ના કેસ મળ્યા પછી તેને સ્થગિત કરી દેવાઇ હતી અને હવે જ્યારે બાકી બચેલી મેચ યુએઇ (UAE)માં રમાવાની છે ત્યારે તે દરમિયાન દર પાંચમા દિવસના સ્થાને ત્રીજા દિવસે તમામનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવાનું નક્કી કરાયું છે. એવું જાણવા મળ્યું છે કે આઇપીએલના ખેલાડીઓ અન્ય ભાગ લેનારાઓની જરૂરિયાતોને પુરી કરવા માટે સ્પોર્ટસ મેડિસિન અને કોરોનાના મેનેજમેન્ટ માટે 100 સભ્યોની એક મલ્ટિડિસિપ્લનરી ટીમની રચના કરવામાં આવી છે.

સમગ્ર મેડિકલ સ્ટાફ પણ ખેલાડીઓના બાયો બબલમાં રહેશે
ભારતમાં આઇપીએલ દરમિયાન બાયો બબલમાં કોરોના ઘુસી જવાના કિસ્સાને ધ્યાને લઇને આ વખતે બીસીસીઆઇ ખાસ તકેદારી રાખી રહી છે અને ખેલાડીઓને મેડિકલ મદદ માટે બાયો બબલમાંથી બહાર લઇ જતા ટાળવા માટે નર્સીંગ અને અન્ય મેડિકલ સ્ટાફને પણ એક જ હોટલના બાયો બબલમાં રાખવાનો નિર્ણય કરાયો છે.

દરેક મેચ માટે સ્ટેડિયમમાં બે મેડિકલ ટીમ સજ્જ રખાશે
બીસીસીઆઇ કોરોનાને ધ્યાને લઇને બાકી બચેલી 31 મેચ દરમિયાન કોઇ કસર છોડવા માગતું નથી અને તેના કારણે જ એવો નિર્ણય કરાયો છે કે આઇપીએલની દરેક મેચ દરમિયાન સ્ટેડિયમમાં બે મેડિકલ ટીમને ઉપલબ્ધ રખાશે. આ ટીમમાં ડોક્ટર, નર્સ, પેરામેડિક્સ ઉપરાંત લેબોરેટરી ટેક્નીશિયનનો સમાવેશ હશે.

14 હોટલના 750થી વધુ સ્ટાફનું કોરોના ટેસ્ટિંગ કરી લેવાયું
આઇપીએલના બીજા તબક્કાની 31 મેચ યુએઇમાં રમાવાની છે, ત્યારે તમામ 8 ફ્રેન્ચાઇઝીના ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ તેમજ અન્ય અધિકારીઓ દુબઇ અને અબુધાબીની જે હોટલોમાં રોકાવાના છે, તે તમામ 14 હોટલના કુલ મળીને 750થી વધુના હોટલ સ્ટાફનું ખેલાડીઓ આવે તે પહેલા જ વીપીએસ હેલ્થકેર દ્વારા ટેસ્ટિંગ કરી લેવાયું છે.

Most Popular

To Top