Dakshin Gujarat Main

સુરત જિલ્લા ભાજપના આ બે દિગ્ગજો સહિત 200 કાર્યકરો ‘આપ’માં જોડાયા

બારડોલી: (Bardoli) આમ આદમી પાર્ટીની (Aam Admi Party) જનસંવેદના મુલાકાત અંતર્ગત કોરોનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, આપ નેતા ઈસુદાન ગઢવી સહિતના નેતાઓ જોડાયા હતા. બારડોલી નગરપાલિકાએ ટાઉન હોલનું બુકિંગ રદ કરી દેતાં તેન ખાતે આવેલા સુરત જિલ્લા રોહિત સમાજની વાડી ખાતે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સુરત જિલ્લા ભાજપના માજી ઉપપ્રમુખ રાજેન્દ્ર સોલંકી અને માજી ધારાસભ્ય પ્રવીણ રાઠોડ સહિત 200 જેટલા કાર્યકરોએ ‘આપ’નો હાથ પકડ્યો હતો. આ પ્રસંગે સૌપ્રથમ હોલમાં કોરોના મૃતકોની 32 તસવીરોને ફૂલ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. દરમ્યાન બારડોલી પાલિકાએ ટાઉન હોલનું બુકિંગ રદ કરી દેતાં તેનના સુરત જિલ્લા રોહિત સમાજની વાડી ખાતે આપનો કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, 27 વર્ષ સુધી આપણે આપણો મત ભાજપમાં રોક્યો, પરંતુ તેના બદલામાં કોરોના મહામારીમાં ઘરના બે મત છીનવી લીધા. કોરોનાની બીજી લહેર એ ભાજપની જ બેદરકારી છે. છતાં આજ સુધી મૃતકો શ્રદ્ધાંજલિ પણ નથી અર્પી. ભાજપના નેતાઓને કાર્યક્રમ રદ કરાવવા માટે રાત-દિવસ જાગે છે. પણ કોઈ કોરોનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો સમય નથી. હમણા જો ચૂંટણી હોત તો ભાજપે મૃતકોની અસ્મિયાત્રા કાઢી હોત. તેમણે ભાજપ અને કોંગ્રેસ બંને મેલ છે. તેને ઝાડુથી સાફ કરવાની કાર્યકરોને સલાહ આપી હતી.

આપ નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી કમિશનની નહીં પણ મિશનની પાર્ટી છે. તેમણે હોલનું બુકિંગ રદ થવા બાબતે જેણે પણ ના પાડી છે તે અધિકારી હોય કે નેતા તેની ભ્રષ્ટાચારની ફાઇલ એક અઠવાડિયામાં તૈયાર કરવા સ્થાનિક ‘આપ’ કાર્યકરોને અપીલ કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું કે, ભાજપનું ઉઠમણું બારડોલીથી કરવાનું છે. તેમણે આપમાં જોડાયેલા કાર્યકરોને આવકાર્યા હતા.

આપમાં જોડાયેલા પ્રવીણ રાઠોડ અને રાજેન્દ્ર સોલંકીએ પણ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. પ્રવીણ રાઠોડે આરોપ લગાવ્યો કે, ભાજપે બારડોલીમાં વિકાસ ફંડના નામે સામાન્ય લોકોને હેરાન કરી ભ્રષ્ટાચારની ગંગોત્રી વહેતી કરી છે. રાજેન્દ્ર સોલંકીએ ભાજપ પર આરોપ લગાવતાં જણાવ્યું હતું કે, ટાઉન હોલનું બુકિંગ રાજકીય કાવાદાવાને કારણે રદ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 200 જણાએ આપની ટોપી પહેરી હતી.

Most Popular

To Top