Sports

આઇપીએલમાં વેન્યુ તરીકે અમદાવાદને સામેલ કરવા સામે ત્રણ ફ્રેન્ચાઇઝીને વાંધો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનના આયોજન માટે નક્કી કરવામાં આવેલા છ સ્થળોમાંથી એક સ્થળ અમદાવાદ મામલે રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ એમ ત્રણ ફ્રેન્ચાઇઝીએ વાંધો દર્શાવ્યો છે. આ ત્રણેય ફ્રેન્ચાઇઝીએ પોતાનો આ વાંધો ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) હેમાંગ અમીન સમક્ષ મુદ્દો ઉઠાવીને વ્યક્ત કર્યો છે.

આઇપીએલના આયોજન માટે જે છ સ્થળની પસંદગી કરવામાં આવી છે, તેમાંથી એક અમદાવાદ પણ છે. આ ત્રણેય ફ્રેન્ચાઇઝીને વાંધો એ વાતનો છે કે અમદાવાદ એકેય ફ્રેન્ચાઇઝીનું હોમ ગ્રાઉન્ડ નથી અને તેથી તેની પસંદગી ન થવી જોઇએ. ફ્રેન્ચાઇઝીએ પોતાનો વાંધો નોંધાવી દીધા પછી એવા અહેવાલ છે કે તમામ ફ્રેન્ચાઇઝી મળીને સામુહિક રૂપે અમદાવાદની પસંદગી સામે વિરોધ વ્યક્ત કરશે. જો કે આ મામલે એકેય ફ્રેન્ચાઇઝીએ ટીપ્પણી કરવાનું નકારી કાઢ્યું છે, પણ વિરોધ કરવાની વાત નકારી નથી. સીઇઓ અમીન અને બીસીસીઆઇ દ્વારા પણ આ મામલે કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

જે ત્રણ ફ્રેન્ચાઇઝી નારાજ છે તેના અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ નિર્ણયથી અમારી ત્રણેય ટીમો જે ઘરઆંગણે સારું રમે છે તે ખરાબ રીતે અસરગ્રસ્ત થશે. તેમના મતે મુંબઇ ઇન્ડિયન્સ ચેન્નાઇ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમોને ઘરઆંગણે રમવાનો ફાયદો મળશે જ્યારે અમારે ત્રણેય ટીમે ઘરઆંગણેથી દૂર રમવું પડશે.

ફ્રેન્ચાઇઝી અને બીસીસીઆઇ વચ્ચે આવતા અઠવાડિયે ઔપચારિક વાતચીત
આઇપીએલના આયોજન સ્થળમાં અમદાવાદને સામેલ કરવા સામે ત્રણ ફ્રેન્ચાઇઝીએ વાંધો ઉઠાવ્યો છે ત્યારે તમામ ફ્રેન્ચાઇઝી અને બીસીસીઆઇના અધિકારીઓ વચ્ચે આવતા અઠવાડિયાની શરૂઆતમાં આ મામલે એક ઔપચારિક વાતચીત થવાની સંભાવના છે. માહિતી અનુસાર બીસીસીઆઇ આઇપીએલને ચેન્નાઇ, બેગ્લોર, કોલકાતા, દિલ્હી અને અમદાવાદમાં આયોજિત કરવાની યોજના બનાવી રહ્યું છે અને મુંબઇમાં આયોજનનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. જો કે આ યોજના પર ત્રણ ફ્રેન્ચાઇઝી નારાજ છે.

બીસીસીઆઇની ઘરથી દૂર યુએઇમાં રમવા સંબંધિત તુલના ફ્રેન્ચાઇઝીઓએ ફગાવી
ઘરથી દૂર રમવા બાબતે બીસીસીઆઇએ એવી તુલના કરી હતી કે ગત સિઝનમાં આઇપીએલનું આયોજન યુએઇમાં કરવામાં આવ્યું હતું, જે ઘરથી દૂર આયોજન હતુ. જો કે અમદાવાદ સામે વાંધો દર્શાવનારી ત્રણેય ફ્રેન્ચાઇઝીએ આ મામલે એવોતર્ક રજૂ કર્યો હતો કે યુએઇ તમામ ટીમો માટે ઘરથી દૂર હતું. જ્યારે આગામી આઇપીએલમાં ત્રણ ફ્રેન્ચાઇઝીને જ ઘરથી દૂર રમવાનો વારો આવી શકે છે અને તેનાથી માત્ર મેદાન પર ક્રિકેટ જ નહીં પણ બિઝનેસને પણ અસર પડી શકે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top