SURAT

ઇન્જેકશન મુદ્દે હર્ષ સંધવીએ આપના નેતાઓને ‘મફતિયા’ કહી જાહેર ચર્ચાની ચેલેન્જ કરી, ચેલેન્જ સ્વીકારતા રાજકારણ ગરમાયું

સુરતઃ (Surat) સુરતમાં કોરોનાના ગંભીર દર્દીઓ માટેના જરૂરી રેમડેસિવિર ઈન્જેકશન (Injection) માટે ભાજપના પ્રદેશ પ્રમુખ અને સાંસદ સીઆર પાટીલ (C R Patil) દ્વારા કરાયેલી વ્યવસ્થા સામે આપ દ્વારા કરાયેલા આક્ષેપોથી વિવાદ વકર્યો છે. સીઆર પાટીલ પર કરાયેલા આક્ષેપો સામે ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા ઈન્જેકશન ક્યાંથી લાવ્યા તે મુદ્દે ડિબેટ કરવાની કોંગ્રેસ અને આપના આગવાનોને ચેલેન્જ કરી હતી. આ ચેલેન્જને આપના (AAP) પ્રવકતા દ્વારા સ્વીકારી લેવામાં આવતાં રાજકારણ વધુ ગરમાયું છે.

સીઆર પાટીલ અને ભાજપનો બચાવ કરતાં રવિવારે ઉગ્ર આક્રોશ સાથે ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, અમે વિતરીત કરેલા રેમડેસિવિર ઈન્જેકશન મુદ્દે જે લોકો પ્રશ્નો ઉછાવે છે તેને હું ચેલેન્જ આપું છું કે આવો અને ડિબેટ કરો. ઈન્જેકશન મામલે કોગ્રેસીઓ અને આપીયાઓ લોકોને ચડાવતાં હતાં. હર્ષ સંઘવીએ ‘આપ’ના નેતાઓને મફતિયા તરીકે સંબોધતાં આપના પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું હતું કે, મજુરા વિસ્તારના ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા રઘવાયા થઈને સરકારની નિષ્ફળતા છુપાવવા જાહેરમાં ડિબેટ કરવાની જે ચેલેન્જ આપી છે તેને અમે સ્વીકારીએ છીએ અને હર્ષ સંઘવી જે દિવસ, સમય અને સ્થળ જાહેર કરે તે સ્થળે અમે ડિબેટ કરવા માટે તૈયાર છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે જો આ ડિબેટ થશે તો અનેક મુદ્દાઓ પર બંને પક્ષના વિચારો જાણવા મળશે.

ભાજપ કાર્યાલય પર લાંબી કતારો

સુરતઃ કોરોનાના ગંભીર દર્દીઓ માટે વપરાશમાં લેવાતા રેમડેસીવીર ઈન્જેક્શનનું ભાજપ કાર્યાલયથી વિનામુલ્યે વિતરણ થવાના વિવાદે હવે મોટુ સ્વરૂપ ધારણ કર્યુ છે. ગઈકાલે ઉધના ભાજપ કાર્યાલય પર લોકોની લાંબી કતાર લાગી હતી. તો બીજા દિવસે પણ ભાજપ કાર્યાલય પર લાંબી કતારો લાગી હતી. પરંતુ વિરોધ પક્ષ દ્વારા આ બાબતે સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો બીજી બાજુ ભાજપના ધારાસભ્યો, કોર્પોરેટરો સી.આર.પાટીલના સમર્થનમાં સોશિયલ મીડીયામાં પોસ્ટ કરી તેમના સમર્થનમાં આગળ આવી રહ્યા છે. ત્યારે વિવાદને કોરણે મુકીને પણ લોકોની સેવા કરીયે છીયે તેવી દલીલ સાથે શહેર ભાજપના નેતાઓએ પોતાનું કામ ચાલુ રાખ્યું હતું અને બે દિવસમાં સુરતમાં 1800 અને નવસારીમાં 200 ઇન્જેક્શનનું વિતરણ કરી દેવાયું હોવાનું જણાવ્યું છે. તેમજ કુલ 5000 ઇન્જેક્શનનો ઓર્ડર અપાયો છે. જે મોડી રાતે જથ્થો આવી જશે તો સોમવારે પણ વિતરણ ચાલું રહેશે તેવુ ભાજપના સુત્રોએ જણાવ્યું હતું.

Most Popular

To Top