Trending

આફ્રિકાના મિ. મોહનદાસ ગાંધી અને ભારતના મહાત્મા ગાંધી વચ્ચે કેટલો ફેર છે

સુરત અને દક્ષિણ ગુજરાત ભારતની આઝાદીના આંદોલનનું બેરોમિટર છે. 1957ની ક્રાંતિ પહેલાં અહીં બ્રિટિશ સરકાર સામે 1844માં મીઠા સત્યાગ્રહ થયો હતો. ગાંધી યુગીન સ્વાતંત્ર્ય સમયે બારડોલી સત્યાગ્રહ (1928)ને લીધે બારડોલી ઉપરાંત સમગ્ર દક્ષિણ ગુજરાત વિશ્વ પ્રસિધ્ધ બન્યા હતા. આ સત્યાગ્રહ દ્વારા શહેરીજનોને ટક્કર મારે તેવા ભેખધારી ગ્રામીણ રાષ્ટ્રવાદીઓ (rural nationalists) લાખોની સંખ્યામાં પાકયા હતા. માત્ર જમીનદારો જ નહીં, ખેડૂતો, ખેતમજૂરો અને દૂ…ર જંગલોમાં વસવાટ કરતા આદિવાસી સ્ત્રીપુરુષો પણ જોડાયા હતા. આ એક ઐતિહાસિક સત્ય છે. તેની ભીતરમાં કયાં પરિબળ છુપાયાં છે? તેની જાણકારી અત્રે આપવામાં આવી છે.

દક્ષિણ આફ્રિકાના મહાન રાષ્ટ્રવાદી અને ત્યાંની રંગભેદની નીતિ સામે સતત ઝઝૂમનાર નેલ્સન મંડેલા ગાંધીજીની (1918-2013) સત્યાગ્રહની વિચારસરણી અને પ્રેકટીસથી ખૂબ પ્રભાવિત થયા હતા. એમણે ખૂબ સૂચક રીતે કહયું હતું: ‘ you gave us Mr. Mohandas Gandhi, we gave you Mahatma Gandhi’ વિચારવા જેવું આ વિધાન છે. તેની સમજ આ લેખ દ્વારા પ્રાપ્ત થાય છે. આપણે બધા જ જાણીએ છીએ કે કાઠિયાવાડમાં ગાંધી ‘બ્રીફલેસ બેરીસ્ટર’ હતા. તેથી જ તેઓ નસીબ અજમાવવા 1893માં દક્ષિણ આફ્રિકા ગયા પણ સંજોગોવસાત તેઓ હિંદી વસાહતીઓની પશુ જેવી સ્થિતિના પરિચયમાં આવ્યા, અને ત્યાં એમણે અહિંસક પ્રતિકાર (પેસિવ રેઝિસ્ટન્સ)નો સૌ પ્રથમ પ્રયોગ અજમાવીને હિંદીઓના નાગરિક, રાજકીય અને માનવીય અધિકારો માટે લડત ચલાવી. આ બાબતમાં ખુદ ગાંધીજીએ લખ્યું છે કે એમની આ લડતમાં દક્ષિણ ગુજરાતના અનાવિલ બ્રાહ્મણો, પાટીદારો, ધોબી, દરજી, કોળી અને મોચીઓ ઉપરાંત મુસ્લિમો અને પારસીઓએ ખૂબ મદદ કરી હતી. ખાસ નોંધવા જેવી તેમ જ ગૌરવ લેવા જેવી વાત તો એ છે કે 1893 થી 1915 દરમિયાન એક તરફ મનસુખલાલ નાઝર, મણીલાલ અંબેલાલ દેસાઇ, અહમદ મુહમદ કાછલિયા, દાવુદ મહંમદ, પ્રાગજી ખંડુભાઇ દેસાઇ અને સોરાબજી શાપુરજી અડાજણિયા જેવા ડાયસ્પોરીક સત્યાગ્રહીઓ દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની પડખે રહ્યા હતા અને બીજી તરફ કુંવરજી વિઠ્ઠલભાઇ મહેતા અને તેમના નાના ભાઇ કલ્યાણજી વિઠ્ઠલભાઇ મહેતા, દયાળજી નાનુભાઇ દેસાઇ, કનૈયાલાલ (કાનજીભાઇ) નાનાભાઇ દેસાઇ, કીકુભાઇ રતનજી દેસાઇ, છોટાલાલ ગાંધી, ડૉ. ચંપકલાલ ધિયા, ખંડુભાઇ દેસાઇ, કેશવલાલ ત્રિવેદી, મંગળદાસ પકવાસા, નૂરમિયાં હુસેનમિયાં, સૈયદ મુસ્તફા એદ્રુસ અને મકનજી પુરુષોત્તમ પટેલ જેવા હજારો રાષ્ટ્રવાદીઓ ભારતની બંગભંગ અને સ્વદેશી આંદોલનની ચળવળમાં (1904-1908) ભાગ લઇ રહ્યા હતા. 1907માં સુરતમાં મળેલી કોંગ્રેસ વખતે પણ તેઓ સક્રિય હતા.

1915માં ગાંધીના આગમન પહેલાંની આ વાત છે. આ વાત અસહકારનું આંદોલન (1920-1922), બારડોલી સત્યાગ્રહ (1928), સવિનય કાનૂન ભંગની લડત તથા દાંડીકૂચ (1930-1932) જેવા ગાંધીયુગીન સત્યાગ્રહો સાથે જોડવા જેવી છે. દક્ષિણ આફ્રિકાના ‘મિ. મોહનદાસ કરમચંદ ગાંધી’ અને હિંદના ‘મહાત્મા ગાંધી’ આ બંને વૈચારિક અને વાસ્તવિક પ્રવાહો વચ્ચેના મહાન સેતુ હતા. ગાંધીજી ખૂબ ‘બિઝિ’ અને વ્યવહારકુશળ માણસ હતા. તેઓ અચાનક કે લાગણીવશ થઇને સુરતમાં નહોતા આવ્યા. તેનીપાછળ ઐતિહાસિક પૂર્વભૂમિકા છુપાઇ છે. તે નીચે મુજબ છે. દક્ષિણ આફ્રિકામાં મોહનદાસને મદદરૂપ થનાર દક્ષિણ ગુજરાતના કર્મશીલોની જાણકારી ખૂબ સંક્ષિપ્તમાં પણ ભારે મહેનતને પરિણામે ભેગી કરીને દર્શાવી છે. જિજ્ઞાસુ વાચકને તેમાં રસ પડશે તેમ જ તેને ઉપયોગી થઈ પડશે. અત્રે એક વાત ખાસ જાણવા જેવી છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહોનો હેતુ સ્વતંત્રતાનો નહીં પણ નાગરિક અધિકારો અને સમાનતાનો હતો. હિંદના સત્યાગ્રહનો હેતુ મુખ્યત્વે દેશની આઝાદીનો હતો. આફ્રિકામાં હિંદ, મુસલમાન, પારસી વગેરે એક થઇને ખભેખભા મીલાવીને લડયા હતા.

આફ્રિકાના ગાંધીજીના સાથીદારો:
પોતાનું તકદીર સુધારવા માટે માણસો વિદેશમાં જતા હોય છે તે મુજબ દક્ષિણ ગુજરાતમાંથી માત્ર ભણેલાગણેલા બ્રાહ્મણો, પાટીદારો અને પારસીઓ જ નહીં, પણ મુસલમાન દુકાનદારો, નવસારી અને તેની આસપાસના કોળી, ધોબી અને દરજી પણ ગયા હતા. શહેરોમાંથી તેમ જ ગામડાંઓમાંથી ગયા હતા. તેમાંથી નમૂનારૂપ માણસો નીચે મુજબ છે.
અત્રે એ ખાસ યાદ રહે કે પારકા પરદેશમાં તેઓ સ્વાતંત્ર્યના યુધ્ધ માટે નહીં પણ હિંદુઓના સ્વમાન માટે લડયા હતા. આ દેશમાં હિંદુ, મુસ્લિમ, પારસી વગેરેની યુનિટી ગજબની હતી.

મનસુખલાલ નાઝર (1862-1905) તેઓ સુરતમાં જન્મ્યા અને ભણ્યા હતા. 1896માં દક્ષિણ આફ્રિકા ગયા હતા. ત્યાં જ ગુજરી ગયા. નાઝર ડરબનમાં રહીને ‘ઇન્ડિયન ઓપિનિયન’ ચલાવતા હતા. તેઓ નાતાલ ઇન્ડિયન કોંગ્રેસના પ્રતિનિધિ હતા. ગાંધીજીએ એમનું હીર પારખીને 1897માં લંડનમાં મોકલ્યા હતા જયાં તેમણે પાર્લામેન્ટમાં દક્ષિણ આફ્રિકાના હિંદી વસાહતીઓના પ્રશ્નો રજૂ કર્યા હતા. ફિનિક્સ ફાર્મ અને ટોલ્સ્ટોય આશ્રમના તેઓ શ્વાસ અને પ્રાણ હતા. ગાંધીભાઈ અને મનસુખલાલે સ્વામી વિવેકાનંદના આદર્શોને ચરિતાર્થ કર્યા હતા. એમણે ગીરમીટિયાઓનાં આંસુ લૂછયા હતા. ભરનિદ્રામાં નાઝર માત્ર 43 વર્ષની વયે ડરબનમાં ગુજરી ગયા ત્યારે ગાંધીજીએ ઉદ્‌ગારો વ્યકત કર્યા હતા: ‘મિ. નાઝર નથી એ શબ્દો હૃદય ચીરી નાખનારા છે. તેમનો હસમુખો ચહેરો અને કામ કરવાની ધગશ યાદ આવે છે.’

અહમદ મુહમદ કાછલિયા (1863-1918)
તેઓ સુરત, નવસારી કે વલસાડ જેવા શહેરમાં નહીં પણ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કાળાકાછા ગામડામાં જન્મ્યા અને ઉછર્યા હતા. ગાંધીજીએ તેમને ‘મેમણ’ કહ્યા છે, પણ તેઓ ખરેખર તો સુન્ની વહોરા વેપારી કુટુંબના નબીરા હતા. 1890માં તેઓ દક્ષિણ આફ્રિકા ગયા અને ટ્રાન્સવાલમાં દુકાન શરૂ કરી. પણ ગાંધીજીના પરિચયમાં આવતાં જ તેઓ ‘વેપારી’ મટીને ‘સમાજસેવક’ થઇ ગયા. 1906માં ટ્રાન્સવાલ એશિયાટીક રજીસ્ટ્રેશન કાયદાનો એમણે એવો તો જબરો અને સતત રીતે વિરોધ કર્યો કે આફ્રિકાની રંગભેદની નીતિમાં માનતી સરકારે તેમને 1906 અને 1909 એમ બે વખત ત્રણ ત્રણ માસની સખત કેદની સજા કરેલી. કાછલિયાએ જાહેર કર્યું: ‘ભલે જનરલ બોથા મારું માથું ઉતારી લે, તેમ છતાં હું સરકારને તાબે નહીં થાઉં. હું મિ. મોહનદાસ ગાંધીનો ચુસ્ત અનુયાયી છું.’ અહમદ કાછલિયા પૈસેટકે ખુવાર થઇ ગયા પણ ઝૂકયા નહીં. ગાંધીજીએ એમના ગ્રંથ ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’માં લખ્યું છે:
‘અહમદ મુહમદ કાછલિયાનું નામ સત્યાગ્રહીઓની યાદીમાં ઝળહળતું છે. બહાદુર અને એકનિષ્ઠામાં ચડી જાય એવા કોઇ પણ માણસનો અનુભવ મને નથી થયો દક્ષિણ આફ્રિકામાં કે નથી થયો હિન્દુસ્તાનમાં. કોમને અર્થે તેમણે સર્વસ્વ હોમ્યું. તેઓ હિંદુ-મુસલમાન પ્રત્યે સમદર્શી હતા. જરૂરી જણાય ત્યારે હિંદુ-મુસલમાન બંનેને નીડર અને નિષ્પક્ષપાતી હોવાને લીધે તેમના દોષ બતાવતા હતા.’
અહમદ કાછલિયા 1914માં સ્વદેશ પાછા ફર્યા ત્યાર બાદ 1916માં ગાંધીજી જયારે સુરત પધાર્યા ત્યારે તેમને મળવા ખાસ કાળાકાછા ગયા હતા. બંનેને કેવો આનંદ થયો હશે! આજે તો આવા નિખાલસ માનવ સંબંધો ‘ડાયાલિસિસ’ ઉપર નભી રહ્યા હોય તેમ લાગે છે!!

પરાગજી ખંડુભાઇ દેસાઇ (1883-1972)
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના સાલેજ ગામમાં જન્મેલા અને ઉછરેલા અનાવિલ બ્રાહ્મણ પરાગજી દેસાઇ દક્ષિણ આફ્રિકામાં મોહનદાસના નિકટના સાથી હતા. મૂળમાં તો તેઓ પણ અહમદ કાછલિયાની જેમ ધનવાન થવાના હેતુથી સ્થળાંતર કરી ગયા હતા. એમના મનમાં એમ હતું કે હું બેરીસ્ટર ગાંધીની મદદથી લોકોના સંપર્કમાં આવીશ અને બિઝનેસમાં કમાણી કરીશ. તેથી તેઓ મુંબઇ ગયા હતા અને ડૉ. ભાલચંદ્ર ક્રિષ્ણા ભારવાડેકરની ગાંધી ઉપર ભલામણ ચિઠ્ઠી લઇને ગયા હતા પણ ડરબનમાં પહેલી મુલાકાત વખતે જ ગાંધીએ કહ્યું: ‘અહીં તો હિંદીઓ પશુ જેવું જીવન જીવે છે. તેથી હું પણ કમાવાને બદલે લોકલડતનો બેરીસ્ટર બન્યો છું.’ પરાગજી ઉપર તેની ઘણી અસર થઇ અને તેઓ પણ ગાંધીભાઇ સાથે લોકલડતમાં જોડાઇ ગયા. બબ્બે વખત જેલ ભોગવી. મનસુખલાલ નાઝરના મૃત્યુ બાદ ફિનિકસ ફાર્મ સંભાળ્યું.
ગાંધીજી પરાગજી દેસાઇની ગણના ‘ભણેલા અને કેળવાયેલા સત્યાગ્રહી’ તરીકે કરતા હતા. પરાગજી દેસાઈ અને અમદાવાદના નાગર ગૃહસ્થ સુરેન્દ્રરામ મેઢનું અંગ્રેજી અને ગુજરાતી પાકું હોવાથી તેઓ ફિનિકસ આશ્રમની શાળામાં વિદ્યાર્થીઓને ભણાવતા હતા અને પ્રેસ પણ સંભાળતા હતા. ‘ઇન્ડિયન ઓપિનિયન’ ત્યાંથી નીકળતું હતું. તેમાં તેઓ લેખો લખતા હતા. ટોલ્સ્ટોય વાડીમાં ખેતી ઉપરાંત સુથારી, મોચીકામ અને સિલાઇકામ થતું. તેમાં પણ આ બંને શખ્સો મદદ કરતા હતા. ગાંધીજીએ લખ્યું છે: ‘આ ભાઇએ જિંદગીમાં કદી ટાઢતડકો સહન જ ન કરેલો પણ પ્રાગજી એટલું સખત કામ કરતા કે એક વખત તો તેઓ થાકથી બેભાન થઇ ગયેલા. પણ એમણે શરીરને કસી લીધું અને શકિત મેળવી લીધી.’

પ્રાગજી દેસાઇ ગાંધીજી અને કસ્તુરબાના વિશ્વાસપાત્ર માણસ હતા. ગાંધીજી સાથે એમના પુત્ર હરિલાલના સંબંધો બગડયા બાદ જયારે હરિલાલ 1911માં કોઇની પાસેથી 20 પાઉન્ડ લઇને ઘરમાંથી ભાગી ગયા ત્યારે ગાંધીજી અને કસ્તુરબાના કહેવાથી પ્રાગજી દેસાઇ અને સુરેન્દ્ર મેઢે જોહનિસબર્ગ ઉપરાંત ઘણા વિસ્તારોમાં શોધખોળ કરી. પણ રીસાયેલો પુત્ર નાસી ગયો હતો!! પિતા એની ઉપર ઘણી કડકાઇ રાખતા હતા. તે એટલે સુધી કે જયારે કોઇ બે આશ્રમવાસીઓને બેરીસ્ટર થવા માટેની ઓફર ડૉ. પ્રાણજીવન મહેતાએ કરી ત્યારે બંને વખત ગાંધીજીએ બીજાઓને લંડન મોકલ્યા હતા- છગનલાલ ગાંધીને તથા સોરાબજી અડાજણિયાને. હરિલાલને ઘણું માઠું લાગ્યું હતું કે ‘હું પણ ભણેલો છું અને ફાંકડું અંગ્રેજી લખી બોલી જાણું છું.’ પ્રાગજી દેસાઇ હરિલાલને પક્ષે હતા!! એક તરફ માનવધર્મ હતો અને બીજી તરફ મુરબ્બી પ્રત્યેની ફરજ. 1948માં રીલીઝ થયેલી ફિલ્મ ‘શહીદ’માં દિલીપકુમાર કામિની કૌશલને કહે છે તેમ: ‘દેશ મેરા ફર્ઝ હૈ, ઔર તુ મેરી જિંદગી હૈ.’
પ્રાગજીભાઇ દેસાઇનું મહત્ત્વ એ છે કે એમણે જેટલો ભાગ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહી તરીકે ભજવ્યો, તેનાથી પણ વધારે 1915માં હિંદમાં આવ્યા પછી ભજવ્યો. અસહકારનું આંદોલન, બારડોલી સત્યાગ્રહ, સવિનય કાનૂન ભંગની લડત અને 1942ના ‘હિંદ છોડો’ આંદોલનમાં ખૂબ ખુમારીથી ભાગ ભજવ્યો હતો. પરાગજી દેસાઇ દક્ષિણ આફ્રિકાના મિ. મોહનદાસ ગાંધી અને હિંદના મહાત્મા ગાંધી વચ્ચેની મજબૂત સાંકળ સમાન સ્વાતંત્ર્ય સેનાની હતા.

સોરાબજી શાપુરજી અડાજણિયા (1882-1918)
તેમની અટક સુરત પાસે આવેલા અડાજણ ગામ ઉપરથી પડી હતી. હવે તો અડાજણ સુરત શહેરનો જ એક ભાગ ગણાય છે, પણ સોરાબજીના જન્મ વખતે એ એક ગામડું હતું. સુરતની હાઇસ્કૂલમાંથી મેટ્રિક પાસ થઇને તેઓ વેપાર કરવા દક્ષિણ આફ્રિકા ગયા હતા, પણ પ્રાચીન કાળમાં જેવી રીતે બુધ્ધે ભલભલા અમીરોને સાધુ બનાવી દીધા હતા તેવી રીતે કળીયુગમાં ગાંધીએ સુરેન્દ્રરામ મેઢ, અહમદ કાછલિયા, પરાગજી દેસાઇ અને સોરાબજી અડાજણિયાને ‘સાધુચરિત’ સેવકો બનાવી દીધા હતા. સોરાબજીએ લડતમાં ઝુકાવ્યું. એમને 1906 અને 1908-09માં ત્રણ વખત 18 માસની જેલની સજા થઇ હતી. તેમનું હીર પારખીને ગાંધીજીએ તેમને લંડનમાં બેરીસ્ટર થવા મોકલ્યા હતા અને તેઓ ગોખલેના ગાઢ સંપર્કમાં આવ્યા હતા. તેઓ લંડન ‘ઇન્ડિયા સોસાયટી’ના મંત્રી તરીકે ચૂંટાયા હતા. ગાંધીજીએ એમને વિશે લખ્યું છે:

‘કઠણમાં પણ કઠણ હૃદય ભાંગી પડે તેવા પ્રસંગો આવેલા, પણ સોરાબજી કદી પણ ડગ્યા નહીં. તેઓ પ્રથમ પંકિતના સત્યાગ્રહી નીવડયા. લાંબામાં લાંબી જેલ ભોગવનારા સત્યાગ્રહીઓમાં તે એક હતા. દક્ષિણ આફ્રિકા તેમ જ ઇંગ્લેન્ડમાં એમણે ગોખલેનું મન હરી લીધું હતું. તેમનામાં આડંબર મુદલે નહોતો.’ ગાંધીજી 1916માં સોરાબજી અને કાછલિયાને મળવા એમને ઘેર ગયા હતા. 1918માં સોરાબજીનું અવસાન થતાં ગાંધીજી તેમના કુટુંબીજનોને મળવા તા. 1 ઓગસ્ટ 1918ના રોજ અડાજણ ગયા હતા. ગાંધીજીએ લખ્યું: ‘સોરાબજીને તીવ્ર ક્ષય થયો હતો. ઇશ્વરે થોડાક જ કાળમાં બે પુરુષરત્ન છીનવી લીધા. કાછલિયા અને સોરાબજી અડાજણિયા.”
તે સમયે વડોદરા રાજયના મહારાજા સયાજીરાવ ગાયકવાડના તાબામાં નવસારી પ્રાંત હતો. ત્યાંના કોળીઓ તો ગાંધીજી પહેલાં દક્ષિણ આફ્રિકા ગયા હા. જેમકે બોડેલીના કોળી પટેલ વલ્લભભાઇ અને કરડાના ભીખાભાઇ મગનભાઇ. એમણે ત્યાં ‘ટ્રાન્સવાલ કોળી મંડળ’ સ્થાપ્યું હતું. કોળી સ્થળાંતરીઓ પણ ગાંધીજીની પડખે રહયા હતા. કોળીઓની જેમ દક્ષિણ ગુજરાતના પાટીદારોએ પણ ‘ધી ટ્રાન્સવાલ યુનાઇટેડ પાટીદાર સોસાયટી’ સ્થાપી હતી.

ગાંધીજી દક્ષિણ ગુજરાતમાં કેમ આવ્યા?
દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની પડખે રહેલા દક્ષિણ ગુજરાતના ભેખધારી સેવકો દ્વારા તેઓ પરોક્ષ રીતે કુંવરજી અને કલ્યાણજી મહેતા તથા દયાળજી દેસાઇ જેવા રાષ્ટ્રવાદીઓના પરિચયમાં આવ્યા હતા. ગાંધીજી જાણતા હતા કે તેમણે સુરતમાં 1906માં અનાવિલ વિદ્યાર્થી આશ્રમ અને 1911માં પાટીદાર વિદ્યાર્થી આશ્રમ સ્થાપ્યો હતો અને વિદ્યાર્થીઓને રાષ્ટ્રવાદની ચળવળમાં સામેલ કર્યા હતા. કલ્યાણજી મહેતાએ ગાંધીજીને પત્ર લખ્યો હતો કે તમે જયારે હિંદમાં આવો ત્યારે અમારા આશ્રમોની મુલાકાત જરૂર લેજો. ગાંધીજીએ સંમતિ આપી હતી. દયાળજી દેસાઇ અને કલ્યાણજી મહેતાની ટીમ ‘દલુકલુની જોડી’ તરીકે ગુજરાત તેમ જ આફ્રિકામાં પ્રસિધ્ધ થઇ હતી. આ ભૂમિકા સાથે જયારે કુંવરજી મહેતા ગાંધીજીને રીસીવ કરવા 9 જાન્યુઆરી 1915ના રોજ મુંબઇ બંદર પર ગયા ત્યારે કુંવરજીએ ગાંધીજીને કહયું: ‘મારો પત્ર યાદ છે ને? તમે અમારે ત્યાં કયારે પધારશો? ગાંધીજી: ‘ઓહો, તમે જ કુંવરજીભાઇ કે? મારે મન સુરત અને દક્ષિણ ગુજરાત વ્યવહારૂ રાજકારણની ભૂમિ નથી. મારે મન તે પવિત્ર તીર્થસ્થાન છે. હું ટૂંક સમયમાં તમને બધાને તથા દક્ષિણ આફ્રિકાના મારા સાથીદારોને મળવા આવી પહોંચીશ. ગામડાનાં એક ધોબીએ પણ મને મદદ કરેલી. મારે તેને પણ મળવું છે.’
આટલા ટૂંકા સંવાદ બાદ ગાંધીજી અને કુંવરજી છૂટા પડયા. ગાંધીજીને એમનું વચન યાદ હતું. તેઓ જાન્યુઆરી 1916માં દિવસો સુધી દક્ષિણ ગુજરાતનાં શહેરો અને ગામડાંઓ ખૂંદી વળ્યા તેની જાણકારી આવતા લેખમાં આપીશું.

Most Popular

To Top