National

ટેસ્ટ ક્રિકેટમાં ભારતની સૌથી મોટી જીત: ન્યૂઝીલેન્ડને 372 રનથી હરાવ્યું, એજાઝ નહીં આ ખેલાડી બન્યો મેન ઓફ ધી મેચ

ભારત: ટેસ્ટ ક્રિકેટ મેચમાં (Test Cricket Match) ભારતની (India) સૌથી મોટી જીત (Win) થઈ છે. ટીમ ઈન્ડિયાએ મુંબઈમાં (Mumbai) રમાયેલી બીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડને (New Zealand) 372 રનથી હરાવ્યું છે. ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ દાવમાં માત્ર 62 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી અને બીજી ઈનિંગ્સમાં પણ ન્યૂઝીલેન્ડના બેટ્સમેન (Batsman) બરાબર પ્રદર્શન કરી શકયા ન હતાં. ભારતે ન્યૂઝીલેન્ડ સામે 540 રનનો ટાર્ગેટ (Target) રાખ્યો હતો પરંતુ કીવી ટીમ 167 રન જ બનાવી શકી હતી. ચોથા દિવસે રવિચંદ્ર અશ્વિન અને જયંત યાદવે ન્યૂઝીલેન્ડની બાકીની વિકેટો ખેરવી હતી. ન્યૂઝીલેન્ડ ચોથા દિવસે માત્ર 27 રન જ ઉમેરી શક્યું હતું. આ સાથે જ બે ટેસ્ટ મેચની સિરીઝ ભારતે 1-0થી જીતી લીધી છે. આ અગાઉ કાનપુર ટેસ્ટ ન્યૂઝીલેન્ડેના બેટ્સમેનોએ મક્કમ બેટિંગ કરી બચાવી લેતા તે ડ્રો થઈ હતી.

ટીમ ઈન્ડિયા તરફથી ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને 27 રનમાં 3 અને ​​અક્ષર પટેલે 42 રનમાં 1 વિકેટ લીધી હતી. 55 રનમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ ડેરીલ મિશેલ અને હેનરી નિકોલ્સે ન્યૂઝીલેન્ડની ઇનિંગની કમાન સંભાળી હતી. બંનેએ ચોથી વિકેટ માટે 111 બોલમાં 73 રન જોડ્યા હતા. આ ભાગીદારીને અક્ષર પટેલે મિશેલને 60 રને આઉટ કરીને તોડી હતી. મિશેલે 92 બોલમાં 60 રન બનાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં આ તેની બીજી અડધી સદી હતી.

ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડ માટે ચોથા દિવસે મેચની શરૂઆતમાં ખરાબ પ્રદર્શન રહ્યું હતું. ન્યૂઝીલેન્ડ ચોથા દિવસે માત્ર 27 રન ઉમેરી શક્યું હતું અને 4 વિકેટ ગુમાવી દીધી હતી. જયંત યાદવે રચિન રવિન્દ્રની 18 રને વિકેટ મેળવી ટીમ ઈન્ડિયાને છઠ્ઠી સફળતા અપાવી હતી. રચિન રવિન્દ્રએ કાનપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં કિવી ટીમને હારમાંથી તો બચાવી સાથે મેચ ડ્રો કરવામાં પણ મોટી ભૂમિકા ભજવી હતી. રવિન્દ્ર અને હેનરી નિકોલ્સે છઠ્ઠી વિકેટ માટે 90 બોલમાં 33 રન જોડ્યા હતા. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 276/7ના સ્કોર પર બીજી ઈનિંગ ડિક્લેર કરી હતી.

IND vs NZ 2021: It Feels Good To Be Back Among Runs; This Knock Is Special  For Me - Mayank Agarwal

પ્રથમ દાવમાં 150 રન બનાવનાર ઓપનર મયંક અગ્રવાલ (62 રન) બીજી ઈનિંગમાં પણ ટોપ સ્કોરર રહ્યો હતો. આ સાથે ચેતેશ્વર પુજારા (47 રન) અને શુભમન ગિલ (47 રન)એ પણ સારો સ્કોર કર્યો હતો. પ્રથમ ઈનિંગમાં તમામ 10 વિકેટ લઈને ઈતિહાસ રચનાર એજાઝ પટેલે બીજી ઈનિંગમાં પણ 4 વિકેટ લીધી હતી. એજાઝ પટેલનું (14/225) પ્રદર્શન વાનખેડે ખાતે અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું. આમ છતાં તે મેન ઓફ ધી મેચ બની શક્યો નહોતો. ભારત વતી બંને ઈનિંગમાં ટોપ સ્કોરર રહેનાર મયંક અગ્રવાલ મેન ઓફ ધી મેચ રહ્યો હતો. તેણે બંને ઈનિંગ મળી કુલ 212 (419) બનાવ્યા હતા.

અત્યાર સુધીમાં ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઓવરઓલ કુલ 61 ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાંથી ભારતે 21 અને ન્યૂઝીલેન્ડે 13 મેચ જીતી છે, જ્યારે આ બંને વચ્ચે 27 મેચ ડ્રો થઈ છે. ભારતમાં આ બંને ટીમ વચ્ચે કુલ 35 મેચ રમાઈ છે, જેમાં ઈન્ડિયન ટીમે 16 તથા ન્યૂઝીલેન્ડે 2 મેચ જીતી છે. આ દરમિયાન કુલ 17 મેચ ડ્રો પણ રહી છે

Most Popular

To Top