World

ચાબહાર પોર્ટ મુદ્દે ભારતનું મોટું પગલું, 12 કરોડ ડોલર દાવ પર, સ્થાનિક કંપનીને સોંપાઈ શકે સંચાલન

ભારત અને ઈરાન વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોમાં ચાબહાર પોર્ટ ખૂબ જ મહત્વનો ભાગ રહ્યો છે. પરંતુ હાલની વૈશ્વિક પરિસ્થિતિ અને ખાસ કરીને અમેરિકાના ઈરાન પરના પ્રતિબંધોને કારણે ભારત હવે આ પ્રોજેક્ટ અંગે મોટો નિર્ણય લેવા જઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ભારત ચાબહાર પોર્ટમાં પોતાની હિસ્સેદારી ઈરાનની જ એક સ્થાનિક કંપનીને ટ્રાન્સફર કરવાની તૈયારી કરી રહ્યું છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ અમેરિકી પ્રતિબંધો છે. વર્ષ 2018માં અમેરિકાએ ઈરાન પર કડક પ્રતિબંધો લગાવ્યા હતા, ત્યારે ભારતને ચાબહાર પ્રોજેક્ટ માટે ખાસ છૂટ આપવામાં આવી હતી. આ છૂટના કારણે ભારતે આ બંદરનું વિકાસ કામ ચાલુ રાખ્યું હતું. પરંતુ હવે આ છૂટ 26 એપ્રિલ 2026ના રોજ પૂરી થઈ રહી છે. જો આ છૂટ આગળ વધારવામાં નહીં આવે, તો ભારત માટે આ પ્રોજેક્ટ ચાલુ રાખવો મુશ્કેલ બની શકે છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકાર એક વિકલ્પ પર કામ કરી રહી છે. આ યોજના મુજબ, હાલ માટે ચાબહાર પોર્ટનું સંચાલન એક સ્થાનિક ઈરાની કંપનીને સોંપી દેવામાં આવશે. આથી ભારતીય કંપનીઓ પર અમેરિકી પ્રતિબંધોનું સીધું જોખમ ઓછું થઈ જશે. સાથે સાથે, એવી ગેરંટી પણ રાખવામાં આવી રહી છે કે ભવિષ્યમાં જ્યારે પ્રતિબંધો હટશે, ત્યારે આ હિસ્સેદારી ફરી ભારતને પરત આપવામાં આવશે. ચાબહાર પોર્ટમાં ભારતનું રોકાણ પણ નોંધપાત્ર છે. અત્યાર સુધીમાં ભારતે આ પ્રોજેક્ટમાં લગભગ 12 કરોડ ડૉલરનું રોકાણ કર્યું છે. આ બંદર ભારત માટે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાના દેશો સુધી પહોંચવાનો મહત્વનો માર્ગ આપે છે. ખાસ કરીને પાકિસ્તાનને બાયપાસ કરીને ભારત આ માર્ગ દ્વારા વેપાર અને સહાય મોકલી શકે છે.

વર્ષ 2024માં ભારતે ઈરાન સાથે 10 વર્ષ માટે ચાબહાર ટર્મિનલ સંચાલનનો કરાર કર્યો હતો. આ સંચાલન ઇન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ (IPGL) દ્વારા કરવામાં આવે છે. આ જ કંપની મ્યાનમારમાં સીતવે પોર્ટનું પણ સંચાલન કરે છે. એટલે કે, ભારતની વૈશ્વિક બંદર સંચાલન નીતિમાં ચાબહારનું સ્થાન ખૂબ જ મહત્વનું છે. હાલમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓને કારણે આ મુદ્દો વધુ સંવેદનશીલ બની ગયો છે. ભારતના વિદેશ મંત્રાલય દ્વારા તમામ સંબંધિત દેશો સાથે સતત ચર્ચા ચાલી રહી છે, જેથી ભારતના હિતોને સુરક્ષિત રાખી શકાય. જો ભારત આ નિર્ણય લે છે, તો તે એક સમયસર અને વ્યૂહાત્મક પગલું માનવામાં આવશે. આથી ભારત પોતાના રોકાણને પણ બચાવી શકશે અને સાથે સાથે ભવિષ્યમાં ફરી ચાબહાર પર પોતાની પકડ મજબૂત બનાવી શકશે.

Most Popular

To Top